તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 16th June 2026
જયંત કે. જી. સોસાયટીમાં રહેતાં અશેષભાઇ જોષીનો ફોન હેક કરી બેંકમાંથી રૂા. ૧.૯૩ લાખ ઉસેડી લેવાયા
ઉમાકાંત પંડીત ઉદ્યોગનગરની કંપનીમાં નોકરી કરતાં હોઇ સપ્લાય કરેલી મશીનરીનું રીફંડ ન મળતાં લખનોૈ માઇનોર ઇરીગેશન ડિપાર્ટમેન્ટનો નંબર ગૂગલ પર સર્ચ કરી ફોન કરતાં સાયબર ફ્રોડની શિકાર બની ગયાઃ માલવીયાનગર પોલીસે તપાસ હાથ ધરી

રાજકોટ તા. ૧૬: સાયબર ફ્રોડનો વધુ એક બનાવ શહેર પોલીસમાં નોંધાયો છે. જેમાં મવડી પ્લોટ વિસ્તારમાં રહેતાં અને કંપનીમાં માર્કેટીંગ મેનેજર તરીકે નોકરી કરતાં વૃધ્ધે લખનોૈના માઇનોર ઇરીગેશન ડિપાર્ટમેન્ટનો ફોન નંબર ગૂગલ પર સર્ચ કરતાં એક નંબર મળતાં તેના પર ફોન કરતાં ગઠીયાઓએ ઇરીગેશન ડિપાર્ટમેન્ટના નામે ફોન કરે એક એપ્લીકેશન મોબાઇલમાં ઇન્સ્ટોલ કરાવડાવી ફોન હેક કરી તેમના બેંક ખાતામાંથી નાણા ટ્રાન્સફર કરી લેતાં ચકચાર જાગી છે.
આ બનાવમાં માલવીયાનગર પોલીસે જયંત કે. જી. સોસાયટી જૈન ઉપાશ્રય પાસે શ્રી હંસવાહીની કૃપા ખાતે રહેતાં અશેષભાઇ રજનીકાંતભાઇ જોષી (ઉ.વ.૬૦)ની ફરિયાદ પરથી અજાણ્યા બે ફોન નંબરના ધારકો સામે ગુનો નોંધ્યો છે. વૃધ્ધ ઓનલાઇન ગૂગલ પર માઇનોર ઇરીગેશન ડીપાર્ટમેન્ટ લખનોૈનો કસ્ટમર કેર નંબર શોધવા જતાં ગઠીયાઓએ તેમનો સંપર્ક કરી વ્હોટ્સએપ મારફત કસ્ટમર કેરની એપ્લીકેશન ડાઉનલોડ કરાવડાવી રૂપિયા ૧ લાખ ૯૩ હજાર ઉસેડી લીધા હતાં.
અશેષભાઇ જોષી પરિવાર સાથે રહે છે અને ઉમાકાંત પંડીત ઉદ્યોગનગર પાસે આવેલા ટોપલેન્ડ એન્જીન્સ પ્રા.લિ.માં માર્કેટીંગ મેનેજર તરીકે નોકરી કરે છે. તેમણે ફરિયાદમાં જણાવ્યું છે કે તેમની કંપનીએ લખનૌ ખાતેના માઇનોર ઇરિગેશન ડિપાર્ટમેન્ટને મશીનરી સપ્લાય કરી હતી. આ મશીનરીનું ડિપોઝિટ રિફંડ હજુ સુધી કંપનીના ખાતામાં જમા ન થયું હોવાથી તેમણે ગત તા. ૦૭/૦૬/૨૦૨૬ના રોજ સાંજના પાંચેક વાગ્યે ઓફિસે બેઠા-બેઠા ગૂગલ પર લખનૌ માઇનોર ઇરિગેશન ડિપાર્ટમેન્ટની સાઇટ પરથી કસ્ટમર કેરનો નંબર સર્ચ કર્યો હતો. આ પછી ગુગલ પરથી તેમને એક મોબાઈલ નંબર ૯૩૬૬૫ ૯૦૩૫૨ મળ્યો હતો, જેના પર અશેષભાઈએ ફોન કરીને ડિપોઝિટ રિફંડ અંગે પૂછપરછ કરી હતી. સામેવાળા શખ્સે પોતે ડિપાર્ટમેન્ટમાંથી બોલતો હોવાનો ઢોંગ કરી જણાવ્યું હતું કે, કસ્ટમર કમ્પ્લેઇન રજીસ્ટર કરવા માટે એક એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે અને તે માટે વોટ્સએપ પર એક કોલ અને લિંક આવશે.
આ પછી થોડી જ વારમાં અન્ય એક અજાણ્યા નંબર ૭૩૧૭૩ ૫૫૨૯૯ પરથી અશેષભાઈને ફોન આવ્યો હતો અને કમ્પ્લેઇન રજીસ્ટ્રેશનના બહાને તેમના વોટ્સએપ પર એક એપ્લિકેશનની લિંક મોકલી હતી. અશેષભાઈએ આ લિંક પર ક્લિક કરીને એપ્લિકેશન ડાઉનલોડ કરતાની સાથે જ તેમનો સેમસંગ કંપનીનો સ્માર્ટફોન હેક થઈ ગયો હતો. મોબાઈલ ફોન હેક થતાં જ સાયબર ગઠિયાઓએ અશેષભાઈના બેંક ખાતાઓ સુધી પહોંચ મેળવી લીધી હતી. ગણતરીની મિનિટોમાં જ અશેષભાઈના યુનિયન બેંક ઓફ ઈન્ડિયાના ખાતામાંથી રૂ. ૯૭,૦૦૦ અને એક્સિસ બેંકના ખાતામાંથી રૂ. ૯૬,૦૦૦ મળી કુલ રૂ. ૧,૯૩,૦૦૦ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન આઈડી દ્વારા ઉપડી ગયા હતા. ખાતામાંથી પૈસા ઉપડી ગયાના મેસેજ આવતા જ અશેષભાઈ ચોંકી ઉઠ્યા હતા અને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો.
ઓનલાઈન ફ્રોડનો ભોગ બન્યા બાદ અશેષભાઈએ તાત્કાલિક સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર ૧૯૩૦ પર કોલ કરીને ઘટનાની વિગત આપતા તેમની અરજી રજીસ્ટર કરવામાં આવી હતી. આ મામલે અશેષભાઈએ બંને અજાણ્યા મોબાઈલ નંબર ધારકો અને તપાસમાં ખુલે તે તમામ સાયબર ગુનેગારો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે રાજકોટ પોલીસમાં વિધિવત ફરિયાદ નોંધાવતાં આ મામલે ટેકનિકલ સોર્સિસના આધારે પીઆઇ જે. એમ. કૈલાની રાહબરીમાં હેડકોન્સ. શિવભદ્રસિંહ એસ. જાડેજાએ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
(2:09 PM IST)










