તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 16th June 2026
આરોગ્ય વિભાગની તવાઈઃ ૨૪૬ કિલો અખાદ્ય જથ્થાનો નાશઃ ૨૮ પેઢીને નોટિસ
૯૩ ધંધાર્થીઓ, રેસ્ટોરન્ટ અને હોકર્સ ઝોનની તપાસઃ રૂ.૩૧,૩૦૦ દંડ વસૂલાયોઃ ૧૦ ખાદ્ય નમૂનાઓ લેબમાં મોકલાયા

રાજકોટ તા.૧૬: ગઇકાલે મેયર નેહલ શુકલના અધ્યક્ષસ્થાને મળેલ બેઠકમાં શહેરના ભેળસેળ કરતા વેપારીઓ ઉપર તુટી પડવા ફુડ શાખાને મેયર તથા મ્યુ.કમિશનરે આદેશ આપ્યો હતો. જે અનુસંધાને દરોડાના દોર ચાલુ કરવામાં આવશે.
જે અંતર્ગત આજે પણ મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના ફૂડ વિભાગે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અને ગંદકી સામે સઘન સર્વેલન્સ ચેકિંગ હાથ ધરી શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી ૯૩ પેઢી, રેસ્ટોરન્ટ અને હોકર્સ ઝોનની તપાસ કરી હતી. આ કાર્યવાહી દરમિયાન કુલ ૨૪૬ કિલોગ્રામ અખાદ્ય અને વાસી ખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.
કુવાડવા રોડ, પેડક રોડ, સંત કબીર રોડ, ૫૦ ફૂટ રોડ, જુનો મોરબી રોડ, રામકળષ્ણ આશ્રમ રોડ, મહિલા કોલેજ રોડ, નાના માવા મેઈન રોડ, કિસાનપરા ચોક તેમજ વિવિધ હોકર્સ ઝોનમાં ચેકિંગ દરમિયાન સ્ટોરેજ અને હાઈજેનિક કન્ડિશન બાબતે ૨૮ એકમોને નોટિસ ફટકારવામાં આવી હતી. ઉપરાંત રૂ. ૩૧,૩૦૦ની પેનલ્ટી પણ વસૂલવામાં આવી હતી.
આ દરમિયાન જામનગર રોડ પર માધાપર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલી ‘મારવેલ માર્કેટિંગ' પેઢીની તપાસમાં કંપની પેક્ડ ગુલાબજાંબુના પેકેટ પર ઉત્પાદન તારીખ અને એક્સપાયરી તારીખ દર્શાવવામાં આવી ન હોવાનું સામે આવ્યું હતું. પેઢીના સંચાલકે ૧૩ કિલોગ્રામ જથ્થો અખાદ્ય હોવાનું સ્વીકારતા સમગ્ર જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.
ફૂડ વિભાગે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ હેઠળ વધુ તપાસ માટે કુલ ૧૦ ખાદ્ય નમૂનાઓ પણ લીધા હતા. જેમાં આઈસ ગોલાના વિવિધ ફ્લેવરના સિરપ, ઘી, મરચાં પાવડર, રાજભોગ મઠ્ઠો, પનીર તંદૂરી સેન્ડવિચ, વેજ ચીઝ સેન્ડવિચ સ્ટફિંગ અને થાબડી જેવી ખાદ્ય વસ્તુઓના નમૂનાઓનો સમાવેશ થાય છે. આ નમૂનાઓના રિપોર્ટ બાદ જરૂરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેમ આરોગ્ય વિભાગે જણાવ્યું છે.
મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ -૨૦૦૬ હેઠળ કુલ ૧૦ નમૂના લેવામાં આવેલ જેમાં કાચી કેરી ફ્લેવર આઈસ ગોલાનું સિરપ (લૂઝ) તથા આઈસ ગોલાનું સિરપ (પાઈનેપલ ફ્લેવર) (લૂઝ) ભુમી આઝાદ હિન્દ ગોલા, અવિસા -૧, શોપ નં.૧, મોદી સ્કૂલ સામે, અંબિકા ટાઉનશિપ, ચીકુ ફ્લેવર આઈસ ગોલાનું સિરપ (લૂઝ) તથા આઈસ ગોલાનું સિરપ (રાજભોગ ફ્લેવર) (લૂઝ) પટેલ ગોલા, ગ્રા. ફ્લોર શોપ નં-૮ અવિસા-૧, મોદી સ્કૂલ સામે, અંબિકા ટાઉનશિપ, વાસ્તુ ઘી (made from cow's milk) જય બાલાજી ફૂડ પ્રોડક્ટસ, ‘‘ગાયત્રી કળપા'' ગાંધી ગ્રામ, શેરી નં. ૬-બી, નાણાવટી સર્કલ પાસે, મરચાં પાવડર (લૂઝ) સ્વામી'ઝ રેસ્ટોરન્ટ & કેટરર્સ, સન સિટી ની સામે સાધુવાસવાણી રોડ, રાજભોગ મઠ્ઠો (લૂઝ) ગોકુલ ડેરીફાર્મ, કાલાવડ રોડ, ક્રિસ્ટલ મોલ ની સામે, પનીર તંદૂરી સેન્ડવિચ (પ્રીપેર્ડ લૂઝ) તથા વેજ ચીઝ સેન્ડવિચ સ્ટફિંગ (પ્રીપેર્ડ લૂઝ) મારુતિ સ્નેક્સ, ટુ સ્લાઈસ, રે.સ. નં. ૪૭૫, ધ સિટી સેન્ટર, ગ્રા.ફ્લો. શો રૂમ નં. ૨૯, રૈયા રોડ તથા થાબડી (સ્વીટસ લૂઝ) શ્રી રાઘવેન્દ્ર સ્વીટ્સ, રવિરાજ કોમ્પ્લેક્સ-૨, નાના માવા રોડ ખાતેથી નમુના લેવાની કામગીરી કરવામાં આવી હતી.
(2:47 PM IST)










