તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 16th June 2026
સાંઢીયો પુલ ખુલવા છતાં એસ.ટી. દ્વારા મુસાફરો પાસેથી વધુ ભાડું વસૂલાતું હોવાની લોક સંસદ વિચાર મંચની ફરિયાદ
ડાયવર્ઝન રદ થવા છતાં ભાડું ન ઘટાડાતા ૪૦૦થી વધુ બસના મુસાફરો પાસેથી ઉઘાડી લૂંટ, મુખ્યમંત્રીને રજૂઆત કરાશે

રાજકોટ : લોક સંસદ વિચાર મંચના અગ્રણીઓ દિલીપભાઈ આસવાણી, ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઇન્દુભા રાઓલ, પટેલ નાગજીભાઈ વિરાણી, પૂર્વ ફૌજી નટુભા ઝાલા, પ્રવીણભાઈ જોશી અને પ્રતાપભાઈ વાળા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ગત ૧૩ જૂન શનિવારના રોજ ૭૪.૩૨ કરોડના ખર્ચે નવનિર્મિત સાંઢીયો પુલ ખુલ્લો મુકવામાં આવ્યો છે.
પુલ ખુલ્લો મુકાયા છતાં, એસ.ટી.ની મોરબી, ભુજ, કચ્છ, જામનગર, નલિયા અને દ્વારકા તરફ જતી ૪૦૦થી વધુ બસો ત્રિકોણબાગ, યાજ્ઞિક રોડ, કિશાનપરા સહિતના ડાયવર્ઝન રૂટ પર જ ચલાવાતી હતી. જેનાથી ટ્રાફિક અને પ્રદૂષણ વધતું હતું. તેમજ બસો મોડી પડતી હતી. આ અંગે ગજેન્દ્રસિંહ ઝાલાએ ટ્રાફિક એસીપીને ફરિયાદ કર્યા બાદ બસો પુલ પરથી શરૂ કરાઈ હતી.
આગેવાનોએ આક્ષેપ કર્યો છે કે, અગાઉ ડાયવર્ઝનના કારણે ૩ કિલોમીટર અંતર વધતા મુસાફરો પાસેથી અંદાજે ૩ રૂપિયા (રોજિંદા મુસાફરો માટે ૬ રૂપિયા) વધુ ભાડું લેવાતું હતું. હવે બસો પુલ પરથી જતી હોવા છતાં ભાડું ઘટાડવામાં આવ્યું નથી. જે મુસાફરોની ઉઘાડી લૂંટ સમાન છે. અગાઉ ૨૯/૦૫/૨૦૨૩ ના રોજ પણ કલેક્ટરના અધ્યક્ષસ્થાને ભાડા ઘટાડવા વિભાગીય નિયામકને અપીલ કરાઈ હતી, છતાં આજ દિન સુધી કોઈ જ કાર્યવાહી થઈ નથી.
એસ.ટી. તંત્ર દ્વારા ડાયવર્ઝન વખતે તાત્કાલિક ભાડું વધારી દેવાય છે, પરંતુ ઘટાડવામાં વિલંબ કરી લાખો રૂપિયાની લૂંટ ચલાવાઈ રહી છે. આ અંગે જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવાની માંગ સાથે લોક સંસદ વિચાર મંચ (મો. નં. : ૯૪૨૬૨ ૨૯૩૯૬) દ્વારા મુખ્યમંત્રીને ફરિયાદ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
(3:28 PM IST)










