તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 4th August 2026
અમરગઢ ભીચરીની સીમમાં નદી પાછળ દારૂની ચાર ભઠ્ઠીઓ ચલાવતાં રાજકોટના ૪ પકડાયા
લાલપરી મફતીયાપરાનો જીતુ, ઉષા, રોહિત, કિરણ ગેસના બે બાટલા, ચાર ચુલા, તપેલા, બેરલ સહિતના સાધનો લઇ નદી પાછળ પહોંચ્યા હતાં: કુવાડવા પીઆઇ એ. એન. જાનીની રાહબરીમાં ખોડુભા, ભાવેશભાઇ, જયદિપભાઇ, કુશલભાઇ સહિતની ટીમ ત્રાટકી

રાજકોટ તા. ૪: કુવાડવા તાબેના અમરગઢ ભીચરી ગામની સીમમાં કેટલાક મહિલા પુરૂષ સાથે મળી દારૂની ભઠ્ઠીઓ ચલાવતાં હોઇ કુવાડવા રોડ પોલીસે દરોડો પાડી ચાર દારૂની ભઠ્ઠી પકડી લીધી હતી. રાજકોટના લાલપરી મફતીયાપરામાં રહેતાં બે શખ્સો અને બે મહિલા રિક્ષામાં સામાન લઇ ભીચરીની સીમમાં દારૂ ગાળવા ગયા હતાં. જ્યાં ગેસના બે બાટલાઓ સાથે ચાર ચુલા જોડી ભઠ્ઠીઓ ચાલુ કરી હતી. પોલીસ દારૂ, આથો, ભઠ્ઠીના સાધનો , દારૂની હેરફેર કરવા માટેથી રિક્ષા સહિત ૭૮૭૨૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
કુવાડવા રોડ પોલીસ સ્ટેશનની ડી. સ્ટાફના ખોડુભા જાડેજા અને ટીમ દારૂ જૂગારની પ્રવૃતિ અટકાવવા પેટ્રોલીંગમાં હતી ત્યારે કોન્સ. ભાવેશભાઇ મુળુભાઇ મકવાણા, જયદિપભાઇ ધોળકીયા, કુશલભાઇ જોષીને બાતમી મળી હતી કે અમરગઢ ભીચરી ગામમાં પ્રાથમિક શાળાની પાછળ નદી કાંઠે ે ખરાબાની જગ્યામાં જીતુ રાજુભાઈ સોલંકી નામનો શખ્સ દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચાલુ રાખીને દારૂ બનાવી રહ્યો છે.
બાતમી મળતા જ પોલીસે દરોડો પાડી નદીના કાંઠે ગેસના ચુલ્લા પર ચાલી રહેલી ૪ ચાલુ ભઠ્ઠીઓ પકડી હતી. અહિ જીતુ રાજુભાઈ સોલંકી (ઉ.વ. ૩૫, ધંધો-મજૂરી, રહે. મોરબી રોડ જકાતનાકા પાસે, લાલપરી મફતીયા પરા), તેની પત્નિ ઉષા જીતુ સોલંકી (ઉ.વ.૩૩), રોહિત મુકેશભાઈ સોલંકી (ઉ.વ. ૨૪, ધંધો-મજૂરી, રહે. લાલપરી મફતીયા પરા) અને કિરણબેન હંસરાજ સોલંકી (ઉ.વ. ૩૨, ધંધો-મજૂરી, રહે. લાલપરી મફતીયા પરા) હાજર હતાં.
પોલીસે સાંજનો સમય હોવાથી જીતુ અને રોહિતની ધરપકડ કરી હતી. જ્યારે મહિલાઓને નોટીસ આપી સવારે પોલીસ સ્ટેશને હાજર થવા સમજ આપી હતી. આ સ્થળેથી પોલીસે રૂા. ૫૬૦૦નો ૨૮ લિટર દારૂ, ભઠ્ઠીના સાધનો, જેમાં ગેસના બાટલા બે, ચુલા ચાર, લોખંડના બેરલ, એલ્યુમિનીયમના તગારા, સ્ટીલની થાળી-નળીઓ વગેરે તથા રિક્ષા જીજે૧૦ટીડબલ્યુ-૩૪૭૯ મળી કુલ રૂા. ૭૮૭૨૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે દારૂ બનાવવાનો ૮૦૦ લિટર આથો, ૨૦૦ લિટર બળેલા આથાનો સ્થળ પર નાશ કરાયો હતો. રાજકોટ લાલપરીથી રિક્ષામાં ભઠ્ઠીઓનો સામાન ભરી ચારેય દારૂ ગાળવા અમરગઢ ભીચરીની સીમમાં નદી પાછળ ગયા હતાં અને ભઠ્ઠીઓ ચાલુ કરી હતી. પીઆઇ એ. એન. જાનીની રાહબરીમાં આ કામગીરી કરવામાં આવી હતી.
(11:29 AM IST)










