<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th August 2026

કોઠારીયા રોડ મણીનગરનો ૧૫ વર્ષનો સગીર ગૂમઃ સુરતના એટીએમમાંથી પૈસા ઉપાડયા

ઘરમાંથી પિતાનું એટીએમ કાર્ડ અને ડોક્‍યુમેન્‍ટ પણ ગાયબઃ ભક્‍તિનગર પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી જીજ્ઞેશસિંહ જોવા મળે તો મો. ૯૯૨૫૭ ૫૦૮૧૬ ઉપર જાણ કરો

રાજકોટ તા. ૪: શહેરના કોઠારિયા મેઈન રોડ પર આવેલ મણીનગર વિસ્‍તારમાંથી ૧૫ વર્ષીય સગીર વયનો બાળક ગૂમ થઇ જતાં પોલીસને જાણ કરતાં સગીર ગૂમ થવાના કિસ્‍સામાં પોલીસે અપહરણનો ગુનો નોંધ્‍યો છે. પિતાના એટીએમ કાર્ડમાંથી સુરત ખાતેથી નાણાં ઉપડ્‍યાનો મેસેજ આવતા પોલીસે તે તરફ તપાસ શરૂ કરી છે.

જાણવા મળ્‍યા મુજબ કોઠારીયા રોડ  મણીનગર  વિસ્‍તારમાં રહેતાં અને ડ્રાઈવિંગ કરી ગુજરાન ચલાવતાં કિશોરભાઇ ભગવાનજીભાઇ ગોહેલ (ઉ.વ.૫૭)નો ૧૫ વર્ષનો દિકરો જીજ્ઞેશસિંહ ગૂમ થઇ જતાં ભક્‍તિનગર પોલીસને જાણ કરતાં પોલીસે તેમની ફરિયાદ પરથી અપહરણનો ગુનો નોંધ્‍યો છે. તેમને સંતાનમાં પંદર વર્ષનો એક જ દિકરો છે, જેણે દસમા ધોરણ સુધી અભ્‍યાસ કર્યો છે. તે હાલમાં ક્‍યારેક અખબાર વિતરણ કરવા જાય છે. તા. ૩૦/૭ના રોજ રાતે સાડા દસેક વાગ્‍યે બધા જમીને સુઇ ગયા હતાં. પત્‍નિ માવતરે આટો દેવા ગયા હોઇ ઘરે પિતા-પુત્ર એકલા હતાં. સવારે પિતા સાડા છએક વાગ્‍યે જાગ્‍યા ત્‍યારે દિકરો પણ જાગ્‍યો હતો અને અખબાર વીતરણ કરવા જવુ છે તેમ કહીને ગયો હતો. બાદમાં આઠેક વાગ્‍યે પિતાએ તેને ફોન કરતાં ફોન બંધ આવતો હતો.

બપોરે ફરીથી ફોન જોડતાં ત્‍યારે પણ ફોન બંધ હતો. એ દરમિયાન બપોરે બે વાગ્‍યે પિતાના બેંક એકાઉન્‍ટમાંથી પૈસા ઉપડયાનો મોબાઇલમાં મેસેજ આવ્‍યો હતો. આ પૈસા સુરતના એટીએમમાંથી ઉપડયા હતાં. જેથી ખબર પડી હતી કે દિકરો સુરત તરફ છે. પિતાના પર્સમાંથી એટીએમ પણ ગાયબ હતું અને ઘરમાંથી દિકરાના ડોક્‍યુમેન્‍ટ પણ ગાયબ હતાં.  શોધખોળ કર્યા બાદ પત્તો ન મળતાં ભક્‍તિનગર પોલીસને જાણ કરતાં પીઆઇ જે. ડી. પરમારની રાહબરીમાં પીએસઆઇ જે. બી. રાણીંગાએ સગીરને કોઇ લલચાવી ફોસલાવી અપહરણ કરી ગયાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ગૂમ થનાર જીજ્ઞેશસિંહની તસ્‍વીર તેમના પિતા કિશોરભાઇ ગોહેલી અખબારમાં પ્રસિધ્‍ધ કરવા માટે મોકલી હતી.

(3:37 PM IST)