તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 4th August 2026
જિલ્લા પંચાયતમાં તા.૧૩મી ઓગષ્ટે આરોગ્ય સમિતિની બેઠકઃ કારોબારી સંભવત ૨૭મીએ
જન્માષ્ટમી પૂર્વ બધી સમિતિઓની બેઠકો પૂર્ણઃ સામાન્ય સભા સપ્ટેમ્બરમાં

રાજકોટ, તા., ૪ : જિલ્લા પંચાયતમાં નવી ચુંટાયેલી પાંખ સતારૂઢ થયા પછી રચાયેલી એક પછી એક સમીતીઓની બેઠકો શરૂ થઇ ગઇ છે. સામાજીક ન્યાય સમીતી મળી ગઇ. તા.૧૦મીએ બાંધકામ, શિક્ષણ અને સિંચાઇ સમિતિની બેઠક એક જ દિવસે યોજાનાર છે. આરોગ્ય સમિતિની બેઠક તા.૧૩ મીએ બોલાવવામાં આવી છે. બધી સમિતિઓની બેઠક મળી જાય પછી પ્રણાલીકા મુજબ કારોબારી સમિતિની બેઠક મળશે. કારોબારી બોલાવવા માટે હાલ પ્રાથમીક રીતે તા.ર૭ ઓગષ્ટ નક્કી થઇ છે. જો તે દિવસ સુધીમાં બેઠક ન બોલાવી શકાય તો જન્માષ્ટમીના તહેવારો પછી ૭ સપ્ટેમ્બર આસપાસ કારોબારી સમિતિ બોલાવાશે.
જિલ્લા પંચાયતમાં પહેલા અન્ય સમિતિઓની બેઠક મળે અને તેમાં મંજુર થયેલા કામો અથવા ૧પ લાખથી ઉપરના કામો કારોબારીમાં આવે તેવો નિયમ છે. નવી ચુંટણી પછી પ્રથમ વખત કારોબારી બેઠક મળી રહી હોવાથી એજન્ડામાં મોટી સંખ્યામાં આઇટમો આવે તેવી શકયતા છે. તા.૧૩ મીએ આરોગ્ય સમિતિ મળી જાય પછી જો તા.૧૪ મીએ એજન્ડા બહાર પાડી શકાય તો તા. ર૭ મીએ બેઠક બોલાવવાનું કારોબારી સમિતિનું વલણ છે. ટુંક સમયમાં કારોબારીની તારીખ નક્કી થઇ જશે. કારોબારી પછી સામાન્ય સભા મળશે. સામાન્ય સભા પછી સપ્ટેમ્બરમાં નવા શાસકોનું પ્રશ્નોતરી સાથેનું પ્રથમ બોર્ડ (સામાન્ય સભા) મળે તેવા સંજોગો છે. પંચાયતના શાસકો વહીવટી કામગીરીની ગતિ વધારવા માગે છે.
(3:24 PM IST)










