<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th August 2026

૩ાા લાખ અને ડીગ્રી સર્ટીફિકેટ મામલે કારખાનેદાર ભરત ભીમાણીને મિત્ર કેતન દવેની ખૂનની ધમકી

ગ્રીનલીફ પાસેના ઘરે જઇ દેકારો મચાવી સ્‍કોર્પિયોમાં બેસાડી ઝાપટ મારી અને છરી બતાવી ધમકી દીધીઃ યુનિવર્સ્‍ટિી પોલીસે ગુનો નોંધ્‍યો

રાજકોટ તા. ૫: શહેરના જામનગર રોડ પર આવેલ ગુલમોહર-૨૩માં રહેતા અને કુવાડવા જીઆઇડીસીમાં એપ્‍લાઇન પેઇન્‍ટ્‍સ નામની ફેક્‍ટરી ધરાવતા વેપારી યુવાનએ  યુનિવર્સિટી પોલીસ સ્‍ટેશનમાં પોતાના જ મિત્રે સામે નાણાકીય લેતીદેતી અને વકીલાતની ડિગ્રી સર્ટિફિકેટ બાબતે અપહરણ, મારપીટ અને જાનથી મારી નાખવાની ધમકી આપ્‍યા અંગેની ફરિયાદ નોંધાવી છે.

આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે ગ્રીનલીફ સામે ગુલમહોર-૨૩માં રહેતાં ભરતભાઇ જેરામભાઇ ભીમાણી (ઉ.વ.૨૮)ની ફરિયાદ પરથી મવડી રામધણ પાસે સંસ્‍કાર સાનિધ્‍ય ઇ-વીંગ-૧૩૦૩માં રહેતાં તેના જ મિત્ર કેતનભાઇ દવે વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે. ફરિયાદમાં જણાવ્‍યા અનુસાર ગઇ તા. ૨૯/૦૩/૨૦૨૫ ના રોજ રાત્રિના આશરે સાડાબારેક વાગ્‍યાના સુમારે ભરતભાઇ પોતાના ઘરે સુતા હતા. આ દરમિયાન મિત્ર કેતન દવેનો ફોન આવ્‍યો હતો, પરંતુ ફોન સાઇલેન્‍ટ હોવાથી ઉપાડી શકયા નહોતા. ત્‍યારબાદ થોડીવારમાં કેતન દવે  સહિત બે જણા ભરતભાઇના ઘરે પહોંચ્‍યા હતા અને બેલ વગાડી હોબાળો મચાવ્‍યો હતો.

ભરતભાઇના પિતા જેરામભાઇ બહાર આવતા કેતને ઉશ્‍કેરાઇને ભરત કયાં છે? તેને બહાર બોલાવો અને કહી દેજો કે મારી પાસેથી લીધેલા સાડા ત્રણ લાખ રૂપિયા આપી દે અને વકીલાતની ડિગ્રી સર્ટિફિકેટ કયાં રાખેલ છે તે મને આપી દે. દેકારો સાંભળી  ભરતભાઇ બહાર આવતા તેણે કેતનને શાંતિથી વાત કરવા સમજાવ્‍યો હતો. પરંતુ કેતન વધુ ઉશ્‍કેરાઇ ગયો હતો અને ભરતભાઇને પોતાની સ્‍કોર્પિયો કારમાં બળજબરીથી બેસાડી દીધા હતા. કારમાં બેસાડીને તેને મનફાવે તેમ ગાળો આપી કાન નીચે ઝાપટ મારી દીધી હતી અને કારમાં રાખેલી છરી બતાવી ધમકી આપી હતી કે-જો મારા સાડા ત્રણ લાખ રૂપિયા તથા વકીલાતનું ડિગ્રી સર્ટિફિકેટ મને નહીં મળે તો હું તને જાનથી મારી નાખીશ.ૅ

આ વખતે ભરતભાઇએ કેતનને સ્‍પષ્ટતા કરી હતી કે તેણે લીધેલા રૂ. ૩.૫ લાખ પરત આપી દીધા છે. તેમજ આશરે દસેક મહિના પહેલાં રવિરાજસિંહ વાઘેલાએ ગોંડલ રોડ પર આવેલા નક્ષ બિલ્‍ડીંગની દેવશ્રી ફાયનાન્‍સ નામની ઓફિસેથી લાવીને આપેલો ડોકયુમેન્‍ટ તથા લેપટોપનો થેલો તેમણે ખોલ્‍યો પણ નથી અને જે સ્‍થિતિમાં હતો તેવો જ સ્‍નેહલભાઇ શીલોરાને આપી દીધો હતો. તે થેલામાં કોઈ વકીલાતનું ડિગ્રી સર્ટિફિકેટ નહોતું.

આ બનાવ બાદ કારમાંથી નીચે ઉતરીને ભરતભાઇ તાલુકા પોલીસ સ્‍ટેશન પહોંચ્‍યા હતા, જ્‍યાંથી તેમને બનાવ સ્‍થળ યુનિવર્સિટી પોલીસ સ્‍ટેશનની હદમાં આવતો હોવાનું જણાવાતાં તેણે તે વખતે પોલીસ સ્‍ટેશનમાં અરજી આપી હતી. જેના આધારે પોલીસે કેતન સામે ગુનો નોંધ્‍યો છે. પીએસઆઇ એચ. એમ. ચાવડા વધુ તપાસ કરે છે.

 

(2:33 PM IST)