<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th August 2026

જીવાપરના રસ્‍તે એરપોર્ટ પોલીસે દારૂ ભરેલી બે કાર સાથે ત્રણને પકડયા

સ્‍વીફટ અને વેનમાંથી ૧૫૩ બોટલો મળીઃ કુલ ૫.૨૮ લાખનો મુદ્દામાલ કબ્‍જેઃ પીઆઇ કે. પી. તરેટીયા અને ટીમની કામગીરી

રાજકોટ તા. ૫:  એરપોર્ટ પોલીસે જીવાપર ગામના રસ્‍તે વિન્‍ડવસર વિલા નજીક બાતમીને આધારે વોચ રાખી સ્‍વીફટ અને વેન કારમાં વિદેશી દારૂનો જથ્‍થો લઇને નીકળેલા ત્રણ શખ્‍સને પકડી લઇ દારૂની ૧૫૩ બોટલો, ૪ મોબાઈલ ફોન અને બે વાહનો મળી કુલ રૂ. ૫,૨૮,૫૦૬/નો મુદ્દામાલ કબ્‍જે કર્યો છે.

પેટ્રોલીંગ દરમિયાન એરપોર્ટ ત્રણ રસ્‍તા પાસે પોલીસ ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે જીવાપર ગામ તરફથી એરપોર્ટ ત્રણ રસ્‍તા તરફ એક સિલ્‍વર કલરની સ્‍વિફ્‌ટ કાર જીજે૦૩એનએફ-૪૩૩૦ અને એક સફેદ કલરની મારૂતિ વેન  જીજે૦૩એચકે-૫૩૯૫માં દારૂની હેરાફેરી થઇ રહી છે. આને આધારે જીવાપર તરફ જતા રોડ પર વોચ ગોઠવી બાતમી મુજબની બંને કાર નીકળતાં પકડી લીધી હતી.

સ્‍વીફટમાં બેઠેલા શખ્‍સે પોતાનું નામ વિવેક દિનેશભાઈ યાદવ (ઉં.વ. ૨૯, રહે. કુવાડવા જી.આઈ.ડી.સી., જલારામ સ્‍વીટ્‍સ ઇન્‍ડસ્‍ટ્રીઝ) અને વેનના ચાલકે પોતાનું નામ સંજય હકાભાઈ ગોવાણી (ઉં.વ.૩૧, રહે. રાધાકળષ્‍ણનગર, જંગલેશ્વર) જણાવ્‍યું હતું. સંજયની સાથે અન્‍ય એક શખ્‍સ પણ હતો. તેણે પોતાનું નામ બ્રિજરાજસિંહ પ્રવિણસિંહ જાડેજા (ઉં.વ. ૩૦, રહે. ન્‍યુ મેઘાણીનગર, શેરી નં-૧૦/૧૧ નો ખુણો, સહકાર મેઇન રોડ) જણાવ્‍યું હતું.

પોલીસે બંને કારમાંથી ગ્રીનલેબલ, રોયલ ચેલેન્‍જ વ્‍હીસ્‍કીની બોટલો રૂા. ૧,૦૩,૫૦૬ની અને મોબાઇલ ફોન તથા બંને કાર કબ્‍જે કરી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પીઆઇ કે. પી. તરેટીયાની રાહબરીમાં પીએસઆઇ જી. કે. રાઠોડ, એએસઆઇ  બી.ડી. ભરવાડ તથા હેડકોન્‍સ. ભાવેશભાઈ મકવાણા, જિગ્નેશભાઈ અઘેરા, કોન્‍સ. સુરેશભાઈ ગમારા અને સજુભા ડાભી સહિતે આ કામગીરી કરી છે.

(2:32 PM IST)