<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th August 2026

શહેરમાં ‘વન-ડે-વન-વોર્ડ' ઝુંબેશનો પ્રારંભઃ વોર્ડ નં.૨માં ૧૫,૫૫૨ ઘરોની તપાસ, ૬૦૩ સ્‍થળોએ મચ્‍છરના પોરાનો નાશ

૧૪૫ આરોગ્‍ય ટીમોની સઘન કામગીરીઃ ૭૧,૨૭૬ પાણીના પાત્રોની તપાસ, ૧૪૪ નોટિસ ફટકારાઈ અને ૫૩ લોકોના લોહીના નમૂના લેવાયા

રાજકોટ તા.પઃ ચોમાસાની ઋતુમાં ડેન્‍ગ્‍યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા વાહકજન્‍ય રોગોના નિયંત્રણ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ‘‘વન-ડે-વન-વોર્ડ'' કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્‍યો છે. આ અભિયાન અંતર્ગત તા. ૪ ઓગસ્‍ટ, ૨૦૨૬ના રોજ વોર્ડ નં. ૨માં વાહક નિયંત્રણની સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

આરોગ્‍ય શાખાની ૧૪૫ ટીમોએ કુલ ૧૫,૫૫૨ ઘરોની મુલાકાત લઈને ૭૧,૨૭૬ પાણીના પાત્રોની તપાસ કરી હતી. તપાસ દરમિયાન ૬૦૩ ઘરોમાં મચ્‍છરના પોરા મળી આવતા તેનો તાત્‍કાલિક નાશ કરવામાં આવ્‍યો હતો. ઉપરાંત ૨૧૪ બિનરહેણાંક એકમોની તપાસ કરવામાં આવી હતી અને મચ્‍છરની ઉત્‍પત્તિ જોવા મળતાં ૧૪૪ આસામીઓને નોટિસ આપવામાં આવી હતી. ફિવર સર્વે દરમિયાન ૫૩ લોકોના લોહીના નમૂના પણ લેવામાં આવ્‍યા હતા.

ઝુંબેશ દરમિયાન ઘરો, શાળાઓ, હોસ્‍પિટલો, બાંધકામ સાઇટો, હોટલો અને અન્‍ય જાહેર સ્‍થળોએ તપાસ કરી મચ્‍છરની ઉત્‍પત્તિ અટકાવવા દવા છંટકાવ, આરોગ્‍ય શિક્ષણ, ડેન્‍ગ્‍યુ-મેલેરિયા અંગે માહિતીપત્રોનું વિતરણ તેમજ વ્‍યક્‍તિગત માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું.

આ પ્રસંગે વોર્ડના કોર્પોરેટરો દક્ષાબેન નિતિનકુમાર વાઘેલા, મીનાબા અજયસિંહ જાડેજા, શૈલેષભાઈ રવજીભાઈ વસાણી અને ધૈર્યભાઈ મનીષભાઈ પારેખ સહિત સ્‍થાનિક આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા. તેમણે નાગરિકોને પોતાના ઘરો અને આસપાસ પાણી ભરાઈ ન રહે તેની ખાસ કાળજી રાખવા તથા મહાનગરપાલિકાની આરોગ્‍ય ઝુંબેશમાં સક્રિય સહકાર આપવા અપીલ કરી હતી. રાજકોટ મહાનગર પાલિકાએ જણાવ્‍યું છે કે આગામી દિવસોમાં શહેરના બાકીના તમામ વોર્ડોમાં પણ ‘‘વન-ડે-વન-વોર્ડ'' અભિયાન હેઠળ આવી જ સઘન કામગીરી હાથ ધરવામાં આવશે, જેથી વાહકજન્‍ય રોગો પર અસરકારક નિયંત્રણ મેળવી શકાય

(3:40 PM IST)