<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th August 2026

સગીરે પિતાને દોરી-કપડાથી ટૂંપો દઇ પતાવી દીધાઃ માતાએ દરવાજાના ખાંચામાંથી આ દ્રશ્‍ય નજરે જોયું

રાજકોટના કણકોટમાં સરદારધામ બાંધકામની સાઇટની ઓરડીમાં એમપીના આધેડની હત્‍યા : વહેલી સવારે પાંચ વાગ્‍યે જોર જોરથી દરવાજો ખખડાવી એમપીથી આવેલા શખ્‍સે પત્‍નિ પાસે પૈસા માંગી માથાકુટ કરતાં દિકરાએ માતાને મારથી બચાવી લીધીઃ મા-દિકરો ગભરાઇને ત્રણેક કલાક ઓરડીમાં પુરાઇ રહ્યાઃ ત્‍યારે જતો રહેલો પતિ બપોર બાદ ફરીથી આવ્‍યો, પૈસા માંગી મારામારી કરવા લાગતાં પુત્રના હાથે હત્‍યા થઇઃ એસીપી બી. જે. ચોૈધરી, તાલુકા પીઆઇ એસ. આર. મેઘાણીએ ગુનો સગીરને ડિટેઇન કર્યો

ઘટના સ્‍થળે તાલુકા પીઆઇ એસ. આર. મેઘાણી અને તેમની ટીમ તથા હત્‍યાનો ભોગ બનેલા ભારતસિંગ ડામોરનો નિષ્‍પ્રાણ દેહ (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

રાજકોટ તા. ૬: શહેરમાં હત્‍યાની વધુ એક ઘટના બની છે. જેમાં કાલાવડ રોડ કણકોટ ગામ પાસે, એલ.ડી. એન્‍જિનિયરિંગ કોલેજની સામે આવેલી નવી બનતી સરદારધામ બાંધકામ સાઇટની ઓરડીમાં  વાપરવાના પૈસા બાબતે થતા અવારનવારના ઝઘડા અને કલેશથી કંટાળીને સગીર પુત્રએ  પિતાને કાપડના લાંબા ટૂકડા અને દોરીથી ગળાટૂંપો આપી મોતને ઘાટ ઉતારી દેતાં ચકચાર જાગી છે. તાલુકા પોલીસે તુરંત કાર્યવાહી કરી સગીર આરોપીને ડિટેઇન કર્યો છે. હત્‍યાનો ભોગ બનનાર આધેડ મુળ મધ્‍યપ્રદેશના વતની હતાં.

આ બનાવમાં તાલુકા પોલીસે હત્‍યાનો ભોગ બનેલા ભારતસિંગ ડામોર (ઉ.વ.૪૩)ના પત્‍નિ ભારતીસિંગ ડામોર (ઉ.વ.૪૦)ની ફરિયાદ પરથી તેના જ દિકરા વિરૂધ્‍ધ હત્‍યાનો ગુનો નોંધ્‍યો છે. તેણીએ ફીરાયદમાં જણાવ્‍યું છે કે અમે મુળ એમપી જાંબુવાના રાણાપુર તાબેના ટીકડી ગામના વતની છીએ અને હાલ એકાદ મહિનાથી સરદારધામ બાંધકામની સાઇટ પર રહીએ છીએ. મારે સંતાનમાં ત્રણ દિકરી અને બે દિકરા છે. મારા પતિ ભારતસિંગ અમારા વતનમાં રહે છે. તેની સાથે ત્‍યાં ચાર સંતાનો પણ રહે છે.

તેણીએ વધુમાં જણાવ્‍યું હતું કે તા. ૫ના સવારે પાંચેક વાગ્‍યે હું અને મારો દિકરો ઓરડીમાં અંદરથી દરવાજો બંધ કરીને સુતા હતાં ત્‍યારે કોઇ જોર જોરથી દરવાજો ખખડાવતું હોઇ મેં ઓરડીના દરવાજાની આજુબાજુના ખાચામાંથી બહાર જોતાં મારો પતિ ઉભેલો દેખાયો હતો. જેથી મેં દરવાજો ખોલતાં તેણે તરત જ વાપરવા માટે પૈસા માંગ્‍યા હતાં. તેમજ મારી સાથે ઝઘડો કરવા માંડયો હતો. દેકારો સાંભળી મારો દિકરો જાગી ગયો હતો. દિકરાએ મને અંદર બોલાવી લીધી હતી અને પતિના ડરના કારણે અમે બંને દરવાજો અંદરથી બંધ કરી ઓરડીમાં પુરાઇ ગયા હતાં.

પરંતુ ત્રણેક કલાક પછી અમે દરવાજો ખોલી ઓરડીમાંથી બહાર આવ્‍યા ત્‍યારે પતિ જતો રહ્યો હોવાનું જણાયુ હતું. આ પછી હું અને દિકરો મજુરી કામમાં લાગી ગયા હતાં. આ પછી બપોરે ત્રણેક વાગ્‍યે હું અને દિકરો ફરીથી અમારી ઓરડીએ હતાં ત્‍યાર ેફરી વખત મારો પતિ આવ્‍યો હતો અને વાપરવાના પૈસા માંગ્‍યા હતાં. આ સાથે જ તેણે મારામારી ચાલુ કરી હતી. તે મને મારકુટ કરતો હોઇ દિકરો મને બચાવવા વચ્‍ચે પડયો હતો અને મને બહાર મોકલી દીધી હતી. એ પછી તેણે ઓરડીનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો.

આથી હું બહાર ઓરડીના દરવાજા પાસે ઉભી રહી ગઇ હતી અને અંદર શું થાય છે તે દરવાજાના ખાચામાંથી જોઇ રહી હતી. એ વખતે મારા પતિ અને દિકરા વચ્‍ચે ઉગ્ર ઝઘડો ચાલુ હતો. બાદમાં અચાનક મારા દિકરાએ ઓરડીમાં પડેલો કાપડનો લાંબો ટૂકડો અને દોરી ઉપાડી મારા પતિને ગળાટૂંપો આપી દીધો હતો. જેથી તે બેભાન જેવા થઇને નીચે પડી ગયા હતાં. આ પછી તેણે ઓરડીનો દરવાજો ખોલ્‍યો હતો અને બહાર આવ્‍યો હતો. આ દરમિયાન દેકારો થતાં કોઇએ ૧૦૮ બોલાવી હતી. જેના ડોક્‍ટરે મારા પતિ ભારતસિંગ ધનાસિંગને મૃત જાહેર કર્યા હતાં. વાપરવાના પૈસા મામલે મારો પતિ વારંવાર ઝઘડા કરી મને મારકુટ કરતો હોઇ અને દર મહિને આવી રીતે પગાર આવે ત્‍યાં પૈસા લેવા આવી જતો હોઇ આ વખતે પણ માથાકુટ કરતાં મારા દિકરાએ તેને ગળાટૂંપો આપી દેતાં તેનું મોત થઇ ગયું હતું. તેમ વધુમાં તેણીએ કહેતાં એસીપી બી.જે. ચોધરી, પીઆઇ એસ. આર. મેઘાણી અને ટીમે ગુનો નોંધી સગીરને ડીટેઇન કરી હત્‍યામાં વપરાયેલુ કપડુ, દોરી કબ્‍જે લેવા તજવીજ કરી હતી. પોલીસે મૃતદેહનું ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ કરાવ્‍યું હતું.

(2:58 PM IST)