<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th August 2026

બેડીમાં પશુપાલક ગોરધનભાઇ મુંધવાના ઘરમાંથી ૩.૪૦ લાખ અને બાજુની શેરીમાંથી બાઇકની ચોરી

વૃધ્‍ધ અને તેમના પત્‍નિ મકાનને તાળા મારી આગળના ભાગે ઓરડીમાં સુતા હતાં: ચડ્ડી પહેરેલા બુકાનીધારી તસ્‍કરો ત્રાટક્‍યાની ગામમાં ચર્ચાઃ કુવાડવા પોલીસે તપાસ હાથ ધરી

 

રાજકોટ તા. ૬: તસ્‍કરોએ વધુ એક વખત તરખાટ મચાવ્‍યો છે. શહેરની ભોગોળે રાજકોટ-મોરબી હાઇવે પરના બેડી ગામ પટેલ સોસાયટી વિસ્‍તારમાં  રહેણાંક મકાનને નિશાન બનાવી કબાટમાંથી રૂ. ૩,૪૦,૦૦૦ની રોકડ રકમ તથા આગલી શેરીમાંથી રૂ. ૧૫,૦૦૦ની કિંમતનું મોટરસાયકલ મળી કુલ રૂ. ૩,૫૫,૦૦૦ના મુદ્દામાલ ચોરી ગયા છે.

આ બનાવમાં કુવાડવા રોડ પોલીસે બેડી પટેલ સોસાયટીમાં ઢોળા પર રહેતાં અને માલઢોર લે-વેંચનો ધંધો કરતાં ગોરધનભાઇ બચુભાઇ મુંધવા (ઉ.વ.૬૩)ની ફરિયાદ પરથી ગુનો નોંધ્‍યો છે. ફરિયાદમાં જણાવ્‍યા મુજબ તા. ૩ના રાત્રિના નવેક વાગ્‍યાના આસપાસ ગોરધનભાઈ અને તેમના પત્‍નિ ડાહીબેન મકાનને તાળા લગાવી આગળના ભાગે આવેલી ઓરડીમાં સુવા માટે ગયા હતા ગયા હતાં. ધંધાકીય કામકાજ અર્થે તેમણે ઘરમાં મંદિરની બાજુમાં આવેલા રૂમના પતરાના કબાટમાં રૂ. ૩,૪૦,૦૦૦ જેટલી રોકડ રકમ રાખી હતી.

બીજા દિવસે વહેલી સવારે પાંચેક વાગ્‍યે તેમના પત્‍નિ ડાહીબેન સફાઈ કરવા જતાં રૂમનો કબાટ ખુલ્લો અને સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્‍યો હતો. આથી તેમણે પતિને જગાડીને જાણ કરી હતી. તપાસ કરતાં તસ્‍કરોએ કબાટની પાછળની બારી તોડી અંદર પ્રવેશ કરી રોકડા રૂ. ૩,૪૦,૦૦૦ ચોરી લીધાનું જણાયું હતું. આ ઉપરાંત બહાર તપાસ કરતાં ખબર પડી હતી કે ચકુભાઈ આલાભાઈ ધ્રાંગિયા (ઉ.વ. ૪૦) નું બાઈક નં. જીજે૦૩એલએસ-૮૭૭૭ રૂા. ૧૫ હજારનું  પણ તસ્‍કરો ઉઠાવીગયા છે. આ પછી ગોરધનભાઇએ કાકાના દિકરા વિજયભાઇ ગમારાને બનાવની જાણ કરતાં પોલીસને જાણ કરાઇ હતી. કુવાડવા રોડ પોલીસ મથકના પીઆઇ એ. એન. જાનીની રાહબરીમાં  હેડકોન્‍સ. વી.જે. ગોહેલે ગુનો નોંધતા પીએસઆઇ એમ. આર. મકવાણાએ તપાસ હાથ ધરી છે.  ફરિયાદી ગોરધનભાઇના કહેવા મુજબ ગામમાં એવી ચર્ચા થઇ રહી છે કે ચોર ચડ્ડી પહેરીને અને મોઢે બુકાની બાંધીને આવ્‍યા હતાં. પોલીસ સીસીટીવી ફૂટેજ ચકાસવા તપાસ કરી રહી છે.

(11:23 AM IST)