તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 6th August 2026
સિવિલ હોસ્પીટલમાં થેલેસેમિયાથી પીડાતા બાળકો અને પરિવારો ભારે મુશ્કેલીમાં : દવાઓ -ઇજેકશનની ભારે અછત
બડા બજરંગ ટ્રસ્ટ દ્વારા કલેકટરને આવેદન : બાળકોની સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી રહી છે

બડા બજરંગ ટ્રસ્ટ દ્વારા થેલેસેમિયાથી પીડાતા બાળકોને સાથે રાખી દવા, ઇન્જેકશન અંગે કલેકટરને આવેદન પાઠવ્યું તે નજરે પડે છે.
રાજકોટ, તા. ૬ : રાજકોટની સરકારી સીવિલ હોસ્પિટલમાં થેલેસેમિયા મેજરથી પીડાતા નિર્દોષ બાળકો અને તેમના પરિવારો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. દવાઓ, ઇંજેક્શન અને જરૂરી મેડિકલ કિટ્સની અછતને કારણે બાળકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી રહી છે. આ ગંભીર બાબતે બડા બજરંગ ફાઉન્ડેશન દ્વારા રાજકોટ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક યોગ્ય ઉકેલ લાવવા માંગ કરવામાં આવી છે.
બડા બજરંગ ફાઉન્ડેશનના હોદ્દેદારોએ આવેદનપત્રમાં જણાવ્યું છે કે, જીવનભર આ અસાધ્ય બીમારીથી પીડાતા બાળકો અને તેમના ગરીબ/મધ્યમ વર્ગીય માતા-પિતા સરકારી હોસ્પિટલની આવી બેદરકારી અને અછતથી આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યા છે. દવાઓ અને સુવિધાઓ વગર બાળકો માટે જીવન ઝેર સમાન બની ગયું છે.
સંસ્થા દ્વારા રાજકોટ કલેક્ટરને માંગ કરવામાં આવી છે કે આ બાળકોની વેદના સમજીને સીવિલ હોસ્પિટલમાં જરૂરી દવાઓ, ફિલ્ટર સેટ, બેગ્સ અને ઇંજેક્શનનો જથ્થો તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ કરાવવામાં આવે જેથી પીડિત બાળકોને જીવનરક્ષક રાહત મળી શકે.રજૂઆતમાં બડા બજરંગ ફાઉન્ડેશન, કલ્પેશ ગમારા, દિનેશ પુનવાણી, રવિ ભટ્ટી, વિજય પુનવાણી તથા વિજય મકવાણા જોડાયા હતા.
આવેદનમાં ઉમેરાયું હતું કે, સીવીલ હોસ્પિટલમાં થેલેસેમીયા મેજર બાળકોને રકતની સાથે આવતા વધારાના તત્વોને ઘટાડવા માટે કેલ્કર નામની દવા આપવામાં આવે છે. જે બાળકો માટે ખુબ જ જરૂરી છે. પરંતુ મહીનાઓથી આ દવા સીવીલ ખાતે અવેલેબલ જ નથી.
બાળકોને ડેસ્કરાલ ઈન્જેકશનની જરૂર પડતી હોય છે. જે ઈન્જેક્શન વર્ષોથી સીવીલમાં ઉપલબ્ધ નથી.
થેલેસેમીક બાળકોને હર ૧૫-દિવસે બ્લડ ચડાવવું પડે છે. તો સામાન્ય (આર.સી.સી.) બ્લડ જો ચડાવવામાં આવે તો બાળકોને તેનું રીએકશન આવે છે.
તાવ,ધ્રુજારી, ખુબ જ માથુ દુઃખવું, ખંજવાળ આવવી, શરીરે મોટા-નાના ફોલ્લા નીકળવા જેવું રીએશન આવે છે. જેથી બાળકની હાલત ખુબ જ ખરાબ થઈ જાય છે.
આ માટે દાતાથી ધ્વારા સીવીલને બ્લડ ફિલ્ટર કરવાનું એલ.આર. મશીન આપેલ છે. જેના બાળકોને શુધ્ધ ફિલ્ટર લોહી મળવાથી રીએક્શન આવતું નથી. પરંતુ છેલ્લા મહીનાઓથી મશીન એમને એમ છે. એલ.આર. રકત એકત્રિત કરવાની બેગ સીવીલમાં ઉપલબ્ધ નથી.
જો એલ.આર. બોટલ ન હોય તો ફિલ્ટર સેટ આવે જે પણ બાળકોને રીએકેશન રોકવામાં મદદરૂપ થાય છે. પણ મહીનાઓથી ફિલ્ટર સેટ પણ સીવીલમાં અવેલેબલ નથી.
બાળકોની માટે બ્લડ પણ અવેલેબલ હોતું નથી. બહારથી ડોનર શોધવા પડે છે. કુદરતી પ્રકોપ જેવી બીમારીથી બાળકોને હેરાનગતિ હોય છે. પરંતુ આ બધી વસ્તુઓથી તેમને રાહત મળતી હોય છે. પરંતુ જો આ પણ ન મળે તો બાળકોની હાલત કફોડી થઈ જાય છે. જીવન ઝેર સમાન બની જાય છે. (૯.ર૯)
(3:03 PM IST)










