<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th August 2026

નવા આવેલા ૮૦માંથી ૬૦ તલાટીઓને ત્રણ તાલુકામાં સિમાંકન માટે આજથી મૂકી દેવાયા

દરેક તાલૂકામાં ૨૦-૨૦ તલાટીની નિમણુંક : ૧૫ દિ'માં રીપોર્ટ કરવા સૂચના...

રાજકોટ, તા.૬: રાજકોટ કલેકટર સમક્ષ તાજેતરમાં  હાજર થયેલા ૮૨ નવિયુક્‍ત તલાટી કમ મંત્રીઓની તાલીમ પૂર્ણ થાય તે પહેલાં જ જમીન માપણી અને સીમાંકનની કામગીરી માટે આ ૮૨ તલાટીઓમાંથી ૬૦ તલાટીઓને તાત્‍કાલિક અસરથી ભૂમિ સીમાંકનની વિશેષ કામગીરીમાં ફાળવી દેવાતા ચર્ચા જાગી છે.

ભૂમિ સીમાંકનની કામગીરી માટે પસંદ કરાયેલા ૬૦ તલાટીઓને રાજકોટ જિલ્લાના ત્રણ મહત્‍વના તાલુકાઓમાં સમાન ધોરણે વહેંચવામાં આવ્‍યા છે

જેમાં પડધરી, લોધીકા અને કોટડાસાંગાણી ૨૦-૨૦ તલાટીને મુકાયા છે.નવા નિમાયેલા આ કર્મચારીઓ હાલ પોતાની પાયાની તાલીમ મેળવી રહ્યા હતા, પરંતુ મહેસૂલી અને જમીન સીમાંકનની કામગીરીનું ભારણ ઘટાવવા માટે તેમને સ્‍થળ પર જ પ્રાયોગિક તાલીમ મળે તે રીતે આ જવાબદારી સોંપવામાં આવી છે. આ નિર્ણયથી પડધરી, લોધિકા અને કોટડા સાંગાણી વિસ્‍તારના અરજદારોના જમીન માપણી અને સીમાંકનને લગતા પડતર પ્રશ્‍નોનો ઝડપી નિકાલ આવશે તેવી શકયતા છે.

ગામડાઓમાં જમીનને લગતા વિવાદો ઉકેલવા અને સીમાંકનની કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે હેતુથી જિલ્લા તંત્ર દ્વારા આ પગલું ભરવામાં આવ્‍યું છે.

(2:35 PM IST)