<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th August 2026

છકડામાં પાડાને ચારેય પગ બાંધી ક્રુરતા પુર્વક લઇ જતાં ત્રણ ઝડપાયા

જીવદયા કાર્યકર બિંદીયાબેન અને ભાવીનભાઇએ આજીડેમ પોલીસની મદદથી છકડો આંતર્યોઃ ઇકબાલ, મહેબૂબ, ઇસ્‍માઇલ સામે ગુનો નોંધાયો

રાજકોટ તા. ૬: શહેરમાં પશુઓ પ્રત્‍યે ક્રુરતાનો વધુ એક બનાવ પોલી સુધી પહોંચ્‍યો છે. છકડો રિક્ષામાં જીવંત પાડાના ચારેય પગ ટૂંકા દોરડા વડે ક્રૂરતાપુર્વક બાંધી, ઘાસચારા કે પાણીની કોઈ વ્‍યવસ્‍થા કર્યા વગર ગેરકાયદેસર રીતે હેરાફેરી કરવામાં આવી રહી હતી. આ સમગ્ર ઘટનાની જાણ થતાં જીવદયા પ્રમીઓએ સમયસુચકતા વાપરી ૧૧૨ પર પોલીસને જાણ કરી રિક્ષાને અટકાવી હતી અને ત્રણ શખ્‍સો સામે ગુનો દાખલ કરાવી પશુને મુક્‍ત કરાવ્‍યા હતાં.

આ બનાવમાં આજીડેમ પોલીસે જામનગર રોડ પર નાગેશ્વરમાં રહેતાં સામાજીક કાર્યકર બિંદીયાબેન નાગજીભાઇ રાઠોડની ફરિયાદ પરથી ભગવતીપરા નંદનવન સોસાયટી-૩માં રહેતાં ઇકબાલ ઓસમાણભાઇ બાવણકા, ભીલવાસ-૪ના મહેબુબ જમાલભાઇ કટારીયા અને મોચીબજાર કૃષ્‍ણપરા-૧ના ઇસ્‍માઇલ આમદઇભા માંડલીયા વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે.

 ફરિયાદ મુજબ બિંદીયાબેન તથા તેમના સાથી જીવદયા પ્રેમી ભાવિનભાઈ ઘનશ્‍યામભાઈ ધિયાડ ભાવનગર રોડ કાળીપાટ ચોકડી પાસે પોતાની કારમાં હતા. તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે એક છકડો રિક્ષામાં એક પાડાને ક્રૂરતાપૂર્વક ભરીને ત્રણ શખ્‍સો પસાર થવાના છે. થોડીવારમાં જ ત્‍યાંથી એક છકડો રિક્ષા જીજે૦૩ડબલ્‍યુ-૬૮૧૮ પસાર થઈ હતી. જેના પાછળના ભાગે તાડપત્રી ઢાંકેલી હતી. શંકા જતાં જીવદયા પ્રમીઓએ પોતાની કારથી આ રિક્ષાનો પીછો કર્યો હતો અને તાત્‍કાલિક ૧૧૨ નંબર પર કોલ કરીને આજીડેમ ચોકડી પાસે પોલીસ મદદ માંગી હતી.

આજીડેમ ચોકડી પાસે રિક્ષાને રોકવામાં આવી હતી. તાડપત્રી હટાવતાં જ ચોંકાવનારા દ્રશ્‍યો સામે આવ્‍યા હતા. રિક્ષામાં એક જીવંત પાડો કિમત દસ હજારનો અત્‍યંત દયાજનક સ્‍થિતિમાં પડ્‍યો હતો. તેના ચારેય પગ એવી રીતે દોરડા વડે ટૂંકા બાંધવામાં આવ્‍યા હતા કે તે હલન-ચલન પણ કરી શકતો નહોતો. એટલું જ નહીં, ઘાંસચારો કે પાણીની પણ કોઈ પ્રાથમિક વ્‍યવસ્‍થા કરવામાં આવી નહોતી.

પોલીસે ઘટનાસ્‍થળે જ રિક્ષાચાલક અને તેની સાથે રહેલા શખ્‍સોની પુછપરછ હાથ ધરી હતી. પશુની  હેરાફેરી માટે જરૂરી કોઈપણ આધાર-પુરાવા કે સક્ષમ અધિકારીની મંજૂરી ન હોઇ  ત્રણેય સામે પાડાને ગેરકાયદેસર રીતે કતલખાને લઇ જવાનો ગુનો નોંધાવાયો હતો. પોલીસે સાંઇઠ હજારની રિક્ષા કબ્‍જે કરી હતી. પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં એએસઆઇ આર. ડી. વાંકે જરૂરી કાર્યવાહી કરી હતી.

(3:33 PM IST)