<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th August 2026

લાપાસરીના આશ્રમમાં ગુરૂ ક્રોધીત થઇ ગયાઃ સાધ્‍વી ઉમાગીરીને ધોકાથી ફટકારતાં ફ્રેકચર

મહિલા સેવિકાએ તમે મને હેરાન કરો છો, હું ઓળીયા ગામે દાદાગુરૂના આશ્રમે રહેવા જતી રહીશ તેમ કહેતાં પાવડાના હાથાથી મારકુટઃ સોમેશ્વરગીરી સામે આજીડેમ પોલીસે ગુનો નોંધ્‍યો

રાજકોટ તા. ૬: કોઠારીયાથી આગળ લાપાસરી ગામમાં આવેલા સન્‍યાસ આશ્રમ કેસરીયા હનુમાનજીના મંદિરમાં બે વર્ષથી ગુરૂ સાથે રહી સેવાપૂજા કરતાં મુળ તાપીના આશ્રમના મહિલા સેવીકા-સાધ્‍વીને તેના જ ગુરૂએ તું બીજા ગામના આશ્રમે દાદા ગુરૂ સાથે રહેવા જવાની વાતો કેમ કરે છે? તેવું કહી બોલાચાલી કરી પાવડાના લાકડાના હાથાથી આડેધડ માર મારતાં કાંડામાં ફ્રેકચર થઇ જતાં સારવાર માટે દાખલ થવું પડયું છે.

આ બનાવમાં આજીડેમ પોલીસે લાપાસરી ગામમાં આવેલા સન્‍યાસ આશ્રમ કેસરીયા હનુમાનજીના મંદિર ખાતે રહેતાં ઉમાગીરી ગુરૂ સોમેશ્વરગીરી (ઉ.વ.૫૦)ની ફરિયાદ પરથી તેના જ ગુરૂ સોમેશ્વરગીરી વિરૂધ્‍ધ ગુનો દાખલ કર્યો છે. ઉમાગીરીએ ફરિયાદમાં જણાવ્‍યું છે હું મુળ તાપી નદીના કિનારે આવેલા સન્‍યાસી આશ્રમની વતની છું અને હાલ બે ર્ષ્‍વાથી રાજકોટના લાપાસરીમાં ગુરૂ સોમેશ્વરગીરી સાથે રહી સેવા પૂજા કરુ છું.

બુધવારે તા. ૫ના સવારે સાડા સાતેક વાગ્‍યે હું આરે પુજા-આરતી કરતી હતી ત્‍યારે મારા ગુરૂ સોમેશ્વરગીરી પણ હાજર હતાં. તેણે મને કહેલું કે-તું દસ બાર દિવસ પહેલા સાવરકુંડલાના ઓળીયા ગામે ગઇ હતી અને ફરીથી ત્‍યાં જવાની અને ત્‍યાંના આશ્રમમાં દાદાગુરૂ સાથે રહેવાની કેમ વાતો કરે છે? આથી મેં કહેલું કે તમે મને ખુબ હેરાન કરો છો જેથી હું ત્‍યાં જતી રહીશ. આ સાંભળી ગુરુ સોમેશ્વરગીરી ઉશ્‍કેરાઇ ગયા હતાં અને મારી સાથે બોલાચાલી કરી ઝઘડો કરવા માંડયા હતાં.

બાદમાં ત્‍યાં નજીકમાં પાવડાનો લાકડાનો હાથો પડયો હોઇ તે ઉપાડીને મને આડેધડ માર મારવા માંડયા હતાં. મને જમણા પગે  અને જમણા હાથે ઘા લાગતાં ઇજાઓ થઇ હતીી. મેં દેકારો મચાવ્‍યો હતો અને મારને કારણે નીચે પડી ગઇ હતી. આ વખતે મારા ગુરૂ મને મુકીને જતાં રહ્યા હતાં. જતાં જતાં મારી જોળી (સામાન) પણ તે લેતાં ગયા હતાં. એકાદ કલાક પછી આશ્રમે કોઇ દર્શનાથી આવતાં મને મુંઢ ઇજાને કારણે ભારે દુઃખાવો થતો હોઇ અને હું રાડો પાડતી હોઇ જેથી દર્શનાર્થી મારી પાસે આવતાં મેં તેમને જાણ કરતાં ૧૦૮ બોલાવી સારવાર માટે રાજકોટ હોસ્‍પિટલમાં ખસેડી હતી. અહિ તબિબે નિદાન સારવાર કરતાં મારા જમણા હાથના કાંડામાં ફ્રેકચર થયાનું જણાયું હતું. તેમ વધુમાં ઉમાગીરીએ જણાવતાં પીએસઆઇ ડી. કે. ધાંધલાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(2:52 PM IST)