તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 6th August 2026
રાજકોટ લોકમેળોઃ આઇસ્ક્રીમના ૧૭ સ્ટોલ ‘આઇસ્ક્રીમ'ની જેમ ધડાધડ વેચાયાઃ તંત્રને ૧ કરોડ ૮ લાખની તોતીંગ આવક
તમામ સ્ટોલની આવક ૩ કરોડને વટાવી જતા ડો. ઓમપ્રકાશ ખુશખુશાલઃ અધિકારીઓ-કર્મચારીઓની પીઠ થાબડી : આજ સાંજ સૂધીમાં મંડપનું ટેન્ડર ફાઇનલ થશેઃ ૮૦ થી ૮પ લાખમાં થવાની શકયતાઃ ગીતાબેન રબારી-રાજભા ગઢવી જેવા કલાકારો ધૂમ મચાવશે

રાજકોટ, તા. ૬: રાજકોટ કલેકટર તંત્ર આયોજીત અને રેસકોર્ષમાં યોજાનાર જગ વિખ્યાત લોક મેળામાં આ વખતે કલેકટર તંત્રને રેકર્ડ બ્રેક આવક થઇ છે, ખાણીપીણીના ર૯ સ્ટોલમાં પ૩ લાખ, યાંત્રિકના ૩૪ સ્ટોલમાં ૧ કરોડ ૪ર લાખ અને આજે હવે આઇસ્ક્રીમના ર૦×ર૦ ના ૧૭ ચોકઠાની હરરાજીમાં રેકર્ડ બ્રેક ૧ કરોડ ૮ લાખની આવક થતા ઇતિહાસ સર્જાઇ ગયો છે.
ઇન્ચાર્જ સીટી પ્રાંત-૧, શ્રી ઝાપડા, ડે. કલેકટરશ્રી હર્ષદિપ આચાર્ય, મામલતદારશ્રી સરવૈયા, શ્રી અજમેરા અને નાયબ મામલતદારોની ટીમની જહેમત લેખે લાગી છે. કલેકટરને રેકર્ડ બ્રેકની આવકની વિગતો જણાવતા કલકટરે પણ અધિકારીઓની પીઠ થાબડી હતી.
અધિકારી સૂત્રોના કહેવા મુજબ સૌરાષ્ટ્રના સૌથી મોટા એવા રાજકોટના લોકમેળાની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. આ મેળામાં લાખોની સંખ્યામાં લોકો મુલાકાત લેતા હોય છે, ત્યારે લોકોના મનોરંજન માટે મેળામાં ઊભા કરવામાં આવતા વિવિધ સ્ટોલની હરાજી પ્રક્રિયા આજે પૂર્ણ થઈ છે. આ તમામ હરાજી થકી લોકમેળા સમિતિ અને તંત્રને ૩ કરોડ રૂપિયાથી પણ વધુની જંગી આવક થવા પામી છે.
આ વર્ષે લોકમેળામાં કુલ ૨૨૮ જેટલા વિવિધ સ્ટોલ ઊભા કરવામાં આવશે. લોકોના આકર્ષણ અને મનોરંજન માટે મેળામાં ખાણીપીણીના સ્ટોલ, આઇસ્ક્રીમના સ્ટોલ તેમજ નાની ચકડોળ, મધ્યમ અને મોટી રાઇડ્સ વગેરે માટે ખાસ પ્લોટ ફાળવવામાં આવ્યા છે.
આજે દક્ષિણ મામલતદાર કચેરી ખાતે આઇસ્ક્રીમના ૧૭ સ્ટોલ માટે હરાજી યોજાઇ હતી. જેમાં વહીવટી તંત્રને નક્કી કરેલી અપસેટ પ્રાઈઝ કરતા નોંધપાત્ર રીતે વધુ ભાવ મળ્યા છે. મૂળ કિંમત રૂ. ૪,૬૦,૦૦૦ રાખવામાં આવી હતી, પરંતુ વેપારીઓ દ્વારા ભારે સ્પર્ધા વચ્ચે રૂ. ૭ લાખ પ૦ હજાર સુધીની ઊંચી બોલી લગાવવામાં આવી હતી. આ ઉપરાંત, અન્ય વિવિધ સ્ટોલો પણ રૂ. ૬ લાખ સુધીની ઊંચી કિંમતે વેચાયા હતા.
આમ, ખાણીપીણી, નાની-મધ્યમ ચકડોળ, મોટી રાઇડ્સ અને આઇસ્ક્રીમ સહિતના તમામ પ્લોટ અને સ્ટોલની હરાજી પ્રક્રિયા આજે સફળતાપૂર્વક સંપન્ન થઈ છે. વેપારીઓ દ્વારા બોલાયેલી ઊંચી બોલીઓના કારણે લોકમેળા સમિતિને મોટા પ્રમાણમાં આર્થિક ફાયદો થયો છે અને તંત્રની તિજોરીમાં રૂ. ૩ કરોડથી વધુની રકમ જમા થઈ છે.
આજે આઇસ્ક્રીમ ચોકઠા ના તમામ સ્ટોલ વેચાઇ જતા ૧ કરોડ ૮ લાખની આવક થઇ છે. બે સ્ટોલ ૭ લાખ પ૦ હજાર અને ૭ લાખ ૩૦ હજારમાં ગયા હતા.
દરમિયાન આજ સાંજ સૂધીમાં લોકમેળામાં મંડપ અંગેનું ટેન્ડર ફાઇનલ થશે, ૮૦ થી ૮પ લાખમાં ટેન્ડર અપાય તેવી શકયતા છે. લોકમેળામાં વિખ્યાત કલાકારો ગીતાબેન રબારી, રાજભા ગઢવીના કાર્યક્રમો પણ ફાઇનલ થઇ રહયા છે. બીજી બાજુ ખાણીપીણીના જે ૧૧ સ્ટોલ બાકી છે તે પણ ૧૦ાા થી ૧૧ લાખમાં મંગાયા હોય તે પણ ફાઇનલ થઇ જશે.
(3:40 PM IST)










