તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 6th August 2026
નેપાળી કર્મચારી ગુમાનસિંગે ૪ મહિનાનો પગાર માંગતા હોટેલ માલિક સહિત ચારે ધોકાવ્યોઃ મોત
રાજકોટમાં વધુ એક હત્યાઃ આજીડેમ ચોકડીએ રોનક હોટેલમાં હુમલો થયો'તોઃ સારવારમાં મોત મહિનાના અઢાર હજાર લેખે ત્રણ મહિનાનો પગાર ચડી ગયો હતોઃ કરણ મહતરા, દીપક અને બે અજાણ્યાએ મારકુટ કરી હતી

રાજકોટ તા. ૬: શહેરમાં હત્યાનો વધુ એક બનાવ બન્યો છે. આજીડેમ ચોકડી નજીક માન સરોવર પાર્ક પાસે રોનક હોટેલ ખાતે રહેતાં અને ત્યાં જ નોકરી કરતાં મુળ નેપાળના ગુમાનસિંગ ઇમાનસિંગ ઠાકુર (ઉ.વ.૫૦)ને હોટલના માલિક સહિત ચાર જણાએ પગાર મામલે ગત ૨૨મીએ રાતે સાડા બારેક વાગ્યે હોટેલ ખાતે ધોકાથી બેફામ માર મારી હવે પછી પગારના પૈસા માંગીશ તો મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. ગંભીર ઇજા સાથે સારવાર હેઠળ રહેલા ગુમાનસિંગનું આજે બપોરે મોત થતાં બનાવ હત્યામાં પલ્ટાયો છે.
જાવણા મળ્યા મુજબ આજીડેમ ચોકડીએ માન સરોવર પાર્ક પાસે આવેલી હોટેલ રોનકમાં કામ કરતાં અને ત્યાં જ રહેતાં મુળ નેપાળના સુરખેજ સિમતા ગામના ગુમાનસિંગમ ઠાકુરને ૨૨/૭ના રાતે સાડા બારેક વાગ્યે હોટેલ સંચાલક-માલિક કરણ મહતરા, તેની સાથેના દીપક અને બે અજાણ્યા શખ્સોએ ગાળો દઇ ઢીકાપાટુનો માર માર્યો હતો. તેમજ બાદમાં ધોકા વતી બેફામ માર મારી હવે પછી પગાર માંગીશ તો પતાવી દઇશું તેવી ધમકી આપી હતી.
ગંભીર ઇજા થતાં ગુમાનસિંગ સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં આજીડેમ પોલીસ મથકના હેડકોન્સ. કે. વી. જાડેજાએ ગુમાનસિંગની ફરિયાદ પરથી હોટેલ માલિક કરણ સહિત ચાર સામે ગુનો નોંધ્યો હતો.
ગુમાનસિંગે જે તે વખતે જણાવ્યું હતું કે પોતે હોટેલમાં ઓર્ડર લેવાનું કામ કરતાં હતાં અને તેનો મહિનાનો પગાર ૧૮ હજાર રૂપિયા હતાં. ચાર મહિનાથી શેઠ કરણ મહતરાએ પગાર આપ્યો ન હોઇ પોતાને પૈસાની જરૂર હોઇ પગાર માંગતા શેઠે બોલાચાલી કરી હતી અને બાદમાં બીજા ત્રણ જણાને બોલાવીને બેફામ માર માર્યો હતો. ગુમાનસિંગનું આજે મોત થતાં બનાવ હત્યામાં પરિણમ્યો હતો.
હત્યાનો ભોગ બનેલા ગુમાનસિંગ પાંચ ભાઇ પાંચ બહેનમાં નાના હતાં. સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. પીઆઇ એન. એન. પટેલ, લક્ષમણભાઇ મકવાણા સહિતે હત્યાની કલમનો ઉમેરો કરવા તજવીજ કરી હતી.
(3:21 PM IST)










