<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th August 2026

જામનગરની ૧૨ પાર્ટીઓનો ૨.૩૭ કરોડનો પિત્તળનો ભંગાર રાજકોટમાંથી ગાયબ થઇ ગયોઃ ટ્રક ચાલક, ક્‍લીનરની શોધ

રાજકોટના બે વેપારીનો બે ટન માલ ઉતારી બાકીનો જામનગર પહોંચાડવાનો હતોઃ પરંતુ ખાલી ટ્રક ઢેબર રોડ પર ટ્રાન્‍સપોર્ટની ઓફિસ પાછળથી મળ્‍યોઃ ભક્‍તિનગર પોલીસે બે શકમંદની પુછતાછ શરૂ કરી

રાજકોટ તા. ૭: દિલ્‍હીથી રાજકોટ તેમજ જામનગરના વેપારીઓને ટ્રાન્‍સપોર્ટ મારફત મોકલાયેલા સવા બે કરોડથી વધુની કિંમતનો પિત્તળનો ભંગાર રાજકોટમાં ઢેબર રોડ પર આવેલી ટ્રાન્‍સપોર્ટ પેઢી નજીકથી ટ્રકમાંથી ગાયબ થઇ જતાં ટ્રકના ડ્રાઇવર, ક્‍લીનર સામે ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે. આ ગોલમાલમાં અન્‍ય કેટલાકની સંડોવણી હોવાનું પણ ખુલતાં બે શકમંદને પુછતાછ માટે ઉઠાવી લેવાયા છે.

આ બનાવમાં ભક્‍તિનગર પોલીસે ગોંડલના હડમતાળામાં હનુમાનજીના મંદિર સામે રહેતાં અને રાજકોટમાં ઢેબર રોડ પર શ્રીહરિ નાસ્‍તાવાળાની બાજુમાં આવેલી શ્રીશ્‍યામ ટ્રાન્‍સપોર્ટ એજન્‍સીમાં મેનેજર તરીકે નોકરી કરતાં પળથ્‍વીરાજસિંહ રેવતુભા જાડેજા (ઉ.વ.૩૫)ની ફરિયાદ પરથી ટ્રક નં. આરજે૫૨જીએ-૪૪૧૩ના ચાલક રાજસ્‍થાન જોધપુરના મનોહરસિંગ કરણસિંગ અને ક્‍લીનર પ્રતાપસિંગ તથા કાવતરામાં ખુલે તેની સામે ગુનો નોંધાયો છે.

 ફરિયાદમાં જણાવ્‍યા મુજબ શ્રીશ્‍યામ ટ્રાન્‍સપોર્ટના માલિક નીતીનભાઇ રૂડકીવાલા દિલ્‍હી રહે છે. આ પેઢીની દિલ્‍હી ખાતે આવેલી ટ્રાન્‍સપોર્ટની મુખ્‍ય ઓફિસેથી ગત તા. ૩૧/૦૭/૨૦૨૬ના રોજ ટ્રક નંબર આરજે૫૨જીએ-૪૪૧૩ માં અંદાજે ૨૭ ટન જેટલો કરોડો રૂપિયાનો બ્રાસ સ્‍ક્રેપ (પીતળનો ભંગાર) લોડ કરવામાં આવ્‍યો હતો. આ માલ રાજકોટ અને જામનગરના વિવિધ બ્રાસ ઉદ્યોગકારોને પહોંચાડવાનો હતો, જેની તમામ જવાબદારી ટ્રાન્‍સપોર્ટ એજન્‍સીની હતી. સોફ્‌ટવેરમાં ઉપલબ્‍ધ વિગતો મુજબ આ ટ્રકને ડ્રાઇવર મનોહરસિંહ કરણસિંગ અને ક્‍લીનર પ્રતાપસિંગ (બંને રહે. રાજસ્‍થાન) લઈને રાજકોટ આવવા માટે રવાના થયા હતા. ટ્રકમાં ભરેલા ૨૭ ટન માલમાંથી ૨ ટન માલ રાજકોટની સ્‍થાનિક પાર્ટીઓનો હતો.

જ્‍યારે બાકીનો અંદાજે ૨૫.૫ ટન માલ જામનગરના જીઆઈડીસી વિસ્‍તારમાં આવેલા અલગ-અલગ ૧૨થી વધુ નામાંકિત બ્રાસ વેપારીઓનો હતો. ગત તા. ૦૪/૦૮/૨૦૨૬ના રોજ બપોરે આ ટ્રક રાજકોટ ખાતે આવી પહોંચ્‍યો હતો. ટ્રાન્‍સપોર્ટ મેનેજર પળથ્‍વીરાજસિંહે દિલ્‍હીથી આવેલી ગાડીની બિલ્‍ટી ચકાસીને રાજકોટનો ૨ ટન માલ એજન્‍સી ખાતે ખાલી કરાવ્‍યો હતો. ત્‍યારબાદ રાત્રિના સમયે નો-એન્‍ટ્રીનો સમય પુરો થયા પછી બાકીનો ૨૫.૫ ટન માલ ભરેલો ટ્રક લઈને જામનગર ખાતે ઓફિસે પહોંચાડી દેવા માટે ડ્રાઇવર મનોહરસિંગને સુચના અપાઇ હતી. પરંતુ બીજા દિવસે તા. ૦૫/૦૮/૨૦૨૬ના રોજ સવારે જામનગરની એલાયન્‍સ મેટલ કંપની તરફથી ટ્રાન્‍સપોર્ટ ઓફિસે ફોન આવ્‍યો હતો કે તેમનો માલ હજુ સુધી પહોંચ્‍યો નથી.

આથી ટ્રાન્‍સપોર્ટ સંચાલકો અને સ્‍ટાફમાં ભારે દોડધામ મચી ગઈ હતી. શંકા જતાં ટ્રાન્‍સપોર્ટ એજન્‍સીના કર્મચારીઓએ આસપાસના વિસ્‍તારમાં તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન રાજકોટ ખાતે ટ્રાન્‍સપોર્ટ ઓફિસની પાછળ જ્‍યાં સામાન્‍ય રીતે ગાડીઓ પાર્ક થાય છે ત્‍યાં જ આ ટ્રક આરજે૫૨જીએ-૪૪૧૩ પાછળથી આખો ખુલ્લો અને સાવ ખાલી હાલતમાં બિનવારસી પડેલો મળી આવ્‍યો હતો. તેમાંથી માલ ગાયબ હતો. આથી તુરત જ મેનેજરે ડ્રાઇવર-ક્‍લીનરને ફોન જોડયા હતાં. પણ ફોન સ્‍વીચઓફ હતાં. બાદમાં દિલ્‍હી ઓફિસે જાણ કરાઇ હતી.

આગાડીનું જીપીએસ ફ્‌લીટ ટ્રેકિંગ અને ડ્રાઇવર-ક્‍લીનરના આધાર પુરાવા મંગાવવામાં આવ્‍યા હતા. તલાશી દરમિયાન ખાલી પડેલા ટ્રકની કેબિનમાંથી જામનગરના વેપારીઓની માલની બિલ્‍ટીઓની ફાઈલ મળી આવી હતી. જેના પરથી સ્‍પષ્ટ થયું હતું કે અંદર રહેલો માલ મોટી કિંમતનો હતો અને ડ્રાઇવર તથા ક્‍લીનરે આર્થિક લાભ ખાતર રાતોરાત અન્‍ય શખ્‍સો સાથે મળી કાવત્રુ ઘડયું હતું. જામનગરની અલગ-અલગ ૧૨ પાર્ટીઓનો કુલ ૨૫,૫૪૧.૩૫ કિલોગ્રામ (અંદાજે ૨૫.૫ ટન) બ્રાસ સ્‍ક્રેપ, જેની કુલ કિંમત ૨,૩૭,૩૩,૧૩૪ થાય છે તે  બારોબાર વેચી કે સગેવગે કરી દેવામાં આવ્‍યો હતો. આ મામલે ભક્‍તિનગર પોલીસ સ્‍ટેશનના પીઆઇ જે. ડી. પરમારની રાહબરીમાં પીએસઆઈ એસ.એચ. ગોહિલ, નિલેષભાઇ મકવાણા અને ટીમે વધુ તપાસ હાથ ધરી છે. બે શકમંદને સકંજામાં લઇ પુછતાછ શરૂ કરાઇ છે.

(12:29 PM IST)