તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 7th August 2026
યુધ્ધમાં શહિદ જવાનો અને વિભાજનના હતભાગી લોકોની વ્યથા, દર્દને પોતાના લાભ માટે વેચવાનો બોલીવુડનો ધંધો?
ગંદા હૈ પર ધંધા હૈ યે

આપણા દેશમાં બોલીવુડ ઉર્ફે મુંબઇ ફિલ્મ ઉદ્યોગમાં દેશપ્રેમી કરતા પાકિસ્તાની પ્રેમી લોકો કે ચમચાઓની સંખ્યા ગણનાપાત્ર રીતે વધારે જ છે. આ એવુ ગંદુ ગોબરૂ ઓપન સિક્રેટ છે જે કોઇ નકારવાની સ્થિતીમાં નથી. એક વાત છે કે આ ટોળકી કે ગેંગ (જે માનો તે) પહેલા દાઉદ કે બીજાના ઇશારે નાચતી અને તેમની ક્રીમીનલ ગોરખધંધાને ગ્લેમર અને નાયક પ્રધાન તત્વ તરીકે દેખાડી રોકડી કરતી હતી.
હવે આવી જ બીજી ટોળકી બોલીવુડમાં સક્રીય છે. નામ લેવા ખાતર દેશપ્રેમ અને પાક વિરોધી ફિલ્મો બનાવવી અને ભારતના લાગણીશીલ મુર્ખાઓ (પ્રેક્ષકો) મારફતે ઢગલાબંધ કમાણી કરવી ઉપરાંત સરકારની જીહજુરી કરીને દેશભકતનું લેબલ લટકાવી સમાજ અને દર્શકોને ગુમરાહ કરી તેમના ખિસ્સા ખંખેરતા રહેવુ.
આ એક જ સીધીને સટ્ટ સ્ટ્રેટેજી છે જેનો અમલ બોલીવુડના લુચ્ચા અને મતલબી લોકો વ્યાપકપણે કરી રહયા છે. આ યાદીમાં ઘણા નામ છે પહેલુ તો આશુતોષ ગોવારીકર છે જેણે મોટા ઉપાડે ‘‘પાણીપત'' (ધ ગ્રેટ ડીફીટ) બનાવ્યુ અલબત્ત વિદેશી નાણાકીય સર્પોટની આશંકા અસ્થાને નથી તેવુ ઘણાને લાગે છે. કારણકે દેખાડી દેખાડીને ફેરવી ફેરવીને હિન્દુ મરાઠા સામ્રાજયનો હુમલાખોર અહેમદશાહ અબ્દાલી સામે પરાજય. સીવાય ફીલ્મમાં કંઇ પણ ન હતું. આ ભાઇ કદાચ હિન્દુઓને જુનો પરાજય યાદ કરાવીને (કોઇકની સુચના મુજબ) હતોત્સાહ કરી નાખવા માંગતા હતા. સીધી રીતે જલ્દી સમજમાં ન આવે તેવી મેન્ટલસાયન્ટીફીક ગેમ રમાઇ રહી હોવાનું લાગે છે.
બીજુ નામ સની દેઓલનું પણ આવે. આ ધર્મેન્દ્ર પુત્ર પોતે અભિનયના ક્ષેત્રે પોતાના દમ ઉપર ખાસ ઉકાળી ન શકયો તે ખુલ્લી હકિકત છે. પરીણામે દેશભકિતના નામે ચાલી જવા બોર્ડર બનાવી નાખી (ભલેને બીજાના નામેને પૈસે) ફિલ્મને ધુમ સફળતા મળી પણ ૧૯૭૧ના આ લોંગોવાલ પોસ્ટના શહીદ સૈનીકોની વિધવાઓને, તેમના સંતાનોને પણ કઇ પણ આર્થિક મદદ પણ ન કરી, પાછી જુની સફળતાની રોકડી કરી લેવા બોર્ડર-ર બનાવી નાખી. જે કંઇ કમાણી થઇ તેમાં પણ દેશના વિર શહીદ જવાનોના પરીવારોને કંઇ જ ન મળ્યું.
વાત આર્થિક વળતરની જ નથી. તમે તે શહીદ જવાનોના પાત્ર ભજવો છો. વાહવાહી અને રૂપીયા ઢગલા મોઢે ઉસરડો છો તેમની તરફ કંઇ જ ફરજ નથી બનતી આ લોકોની? (પોઇંટ ટુ બી નોટેડ યોર ઓનર) જે.પી.દતાએ પણ પાછળથી એલ.ઓ.સી. બનાવી નાખી. ભારત-ચીનના ૧૯૬૧ના યુધ્ધના વિષય ઉપર હાથ સાફ કરી લીધો પણ કંઇ જ સફળતા ન મળતા (એટલે કે દેશભકિતના નામે ચરી ખાવામાં) મહાશય હમણા શાંત છે !!
સૌથી મોટો વિવાદ તો ધુરંધર નો જ છે. ભારતના વીર શહીદ મેજર મોહીત શર્માના પરાક્રમો ઉપરથી આ ફિલ્મ બની છે. તે જગજાહેર છે. ખુદ મેજરના પરીવારજનો આ મુદ્દે અદાલતમાં ન્યાયની ગુહાર લગાવી ચુકયા છે. અફસોસ કે અદાલતે પણ યોગ્ય ન્યાયીક દરમ્યાનગીરી ન કરી. ડાયરેકટર આદિત્યધરની ટોળકી ધુરંધરના બન્ને ભાગમાં બેફામ પૈસા અને પબ્લીસીટી ઉસરડી જ ગઇ. શહીદના પરીવારજનો ભગ્ન અને દુઃખી હ્દયે લાચારીથી આ ગંદો ખેલ જોતા રહયા. આ દિવસ જોવા મેજર મોહીત શર્માએ શહાદત વહોરી લીધી? આનો જવાબ કોઇ પાસે છે?
આ ફિલ્મના ડાયરેકટર આદિત્ય ઘરે એક દેશભકત શહીદની શહાદત વેચીને બેશરમ રીતે પબ્લીસીટી મેળવી છે તે નગ્ન સત્ય નથી તો શું છે ? બાકી બધો ‘એસ્કેપ મિકેનીઝમ' નો ખેલ છે. કોઇ ભારતીય એજન્ટ લ્યારીમાં ઘુસીને દાઉદ હોય કે બીજા દુશ્મનો સામે વાસ્તવમાં પડતો નથી. મારતો નથી. દાઉદ, હાફીઝ સઇદ કે બીજા હરામખોરો હજી પણ ત્યાં જ સલામત રીતે છૂપાણા છે જ કોઇને કંઇ જ આજની તારીખે પણ થયુ નથી, તે ભારતના ગુપ્તચર તંત્રો માટે શરમજનક વાસ્તવિકતા છે. એમ તો અજીત ડોભાલનું કેરેકટર આ ફિલ્મમાં જોરશોરથી ભલે દર્શાવાયુ હોય પણ વાસ્તવિકતામાં ખુદ ડોભાલ પણ ઉપરોકત હરામખોર, ગદારને કઇ કરી શકયા છે...?
ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય તથા સેનાએ એ પ્રકારનો કડક અને સ્પષ્ટ નિર્ણય લઇ નિયમ કાર્યાન્વિત કરવાની જરૂર છે કે જે કોઇ ફિલ્મમેકરો યુધ્ધની ઘટનાઓ કે તેના ભૂતકાળ સાથે જોડાયેલી કોઇપણ ઘટનાઓ ઉપર ફિલ્મો બનાવે ત્યારે સુસ્પષ્ટ રીતે પડદા ઉપર શહીદ જવાન ફોટોગ્રાફ સાથે ઋણ સ્વિકાર કરવો. ફરજીયાત રહેશે. ઉપરાંત ફિલ્મની કમાણીનો એક ચોકકસ હિસ્સો આપણા જવાનોની વિધવાઓ અને તેમના બાળકોના ફંડમાં ફરજીયાત જમા કરાવવો પડશે.
છેલ્લે એક વાતઃ મેજર મોહિત શર્મા જેવા જવામર્દ શહીદ ઉપર ફિલ્મ બનાવીને છેલ્લે નાગાઇ બતાવી તેને અભિવ્યકિતની સ્વતંત્રતાનુ લેબલ ચોટાડી, વર્તમાન નેતાગીરીની વાહવાહી અને ચાંપલુસી કરી બેશરમીની પરાકાષ્ઠા સ્વરૂપે ઋણ સ્વિકાર પણ ન કરવો તે આવા ડાયરેકટરો માટે યોગ્ય છે ? દેશભકિત આને કહેવાય ? ‘મેરા ભારત મહાન' આવુ હોય ? ‘વિશ્વગુરૂ' થવાની આવી લાયકાત ગણાય ખરી ? એ પણ ઉલ્લેખનીય છે કે ચોકકસ પ્રકારના આવા ડાયરેકટરની અભિનેત્રી પત્નિ હાલના સતાધારી પક્ષના નેતૃત્વની ‘પોસ્ટર ગર્લ' તરીકે મિડીયા સમુહોમાં જાણીતી છે. બાકી કમાણીના આંકડાતો જેટલા વધારીને કે ઘટાડીને દર્શાવવા તે કોઇ ઉપલબ્ધી નથી માત્ર ‘કેલકયુલેટ મેનેજમેન્ટ' નો ભાગ છે, વારંવાર વારતહેવારે સૈનિકોની વચ્ચે હાજર રહેવુ અને આવા શહીદોના પરિવારોને ન્યાય અપાવવો બે અલગ અલગ વિષયો છે તેમ નથી લાગતું ? વિભાજનની દર્દનાક વિભીષીકા નિદોર્ષોની હત્યાઓ વગેરેને પોતાની કમાણીનું સાધન માત્ર બનાવવા ૧પ મી ઓગષ્ટ કે ર૬મી જાન્યુઆરી જેવા રાષ્ટ્રીય તહેવારોની આડ લઇ કમાણીનું માધ્યમ બનાવી પાછળથી હાથ ખંખેરી નાખવાની વૃતિને શું નામ આપવાનું છે ? ‘દેશ ભકિતની ધમધમતી દુકાન ? (પોઇન્ટ ટુ બી નોટેડ યોર ઓનર).(૨.૧૯)
આશિષ યોગેન્દ્ર દવે, રાજકોટ
(2:26 PM IST)










