તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 7th August 2026
નેમ આર્ટસ દ્વારા રવિવારે ‘લાઈફ ઈઝ બ્યુટીફૂલ' નાટયશો
ડો. આઈ. કે. વીજળીવાળાની વાર્તાઓ નાટયરૂપે રજુ થશે : એક જ પરિવર્તન શુલ્કમાં નવ નાટકો જોવાનો લ્હાવો

રાજકોટ તા. ૭ : અરવિંદભાઈ મણિયાર હોલ ખાતે આગામી તા.૯ ના રવિવારે સાંજે ૪ વાગ્યે નેમ આર્ટસ દ્વારા ડો. આઈ. કે. વીજળીવાળાની લઘુકથાઓ આધારિત હૃદયસ્પર્શી દ્વિઅંકી નાટક ‘લાઈફ ઈઝ બ્યુટીફૂલ'નું આયોજન કરાયુ છે.
આ નાટકનો આ બારમો શો છે. નાટકની વિશેષતા એ છે કે તેમાં જીવનના વિવિધ રંગોને આવરી લેતી નવ અલગ-અલગ વાર્તાઓને એકસાથે સાંકળી નાટયરૂપ આપવામાં આવ્યું છે. પરિણામે પ્રેક્ષકોને આશરે બે કલાકમાં એક જ પરિવર્તન શુલ્કમાં નવ અલગ નાટકો જોવાનો અનોખો લ્હાવો મળશે.
ડો. આઈ. કે. વીજળીવાળાના ‘મનનો માળો', ‘મોતીચારો' અને ‘અંતરનો ઉજાસ' જેવા વાર્તાસંગ્રહોમાંથી પસંદ કરાયેલી આ વાર્તાઓમાં માનવીય સંબંધો, લાગણીઓ, કરુણા, સંઘર્ષ, સંવેદના, હાસ્ય અને જીવનની નાની-નાની ખુશીઓ સહિત જીવનના અનેક રંગો રજૂ કરવામાં આવ્યા છે.
આ પ્રસ્તુતિની વિશેષતા એ પણ છે કે તેમાં અનુભવી અને નવોદિત કલાકારો સાથે બાળ કલાકારો પણ અભિનય કરી રહ્યા છે.
‘લાઈફ ઈઝ બ્યુટીફૂલ'નું લેખન, સંગીત સંકલન, અભિનય અને દિગ્દર્શન નેમ આર્ટસના મનીષ પારેખ દ્વારા કરવામાં આવ્યું છે.
નાટકમાં ડો. રૂપલ ત્રિવેદી, કેપ્ટન જયદેવ જોષી, મનાલી જોષી, બિહારી લાલ, શુભમ ભટ્ટ, કિયાન ભોરણીયા, રિયા જોષી, વિરાટ કુમાર, પ્રિયાંશુ બદ્રકીયા, દિપશા પટેલ, મનીષ પારેખ સહિતના કલાકારો સાથે બાળ કલાકારો પણ મહત્વની ભૂમિકાઓ ભજવી રહ્યા છે.
દૃશ્ય અને પ્રકાશ રચના તથા સંચાલન ચેતન ટાંક, સંગીત સંચાલન વર્ણમ પારેખ, ટેકનિકલ હેડ શિવ ત્રિવેદી, રંગભૂષા હિમાંશુ પાડલીયા તથા નેપથ્યની જવાબદારી જ્યોતિબેન મહેતા, સ્નેહલ ભોરણીયા અને સોનલ જોશી સંભાળી રહ્યા છે.
આ પ્રસ્તુતિ માટે ન્યૂ એરા સ્કૂલ, અજયભાઈ પટેલ તથા એબી સર્વિસીઝ, આદિત્ય અને ભૂમિ મકીમનો સહયોગ પ્રાપ્ત થયો છે. રસ ધરાવતા વ્યક્તિઓ ૯૯૯૮૩ ૨૮૨૮૦ ઉપર સંપર્ક કરી પરિવર્તન શુલ્કની વિગતો મેળવી શકશે અને પોતાની બેઠક નિヘતિ કરી શકશે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા મનીષ પારેખ, કિયાન ભોરણીયા, રિયા જોષી નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(4:02 PM IST)










