તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 7th August 2026
ધરમનગરમાં દૂષિત પાણીનો કહેર યથાવતઃ લોકો ત્રાહીમામ
ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી આવતું હોવાનો આક્ષેપ; વારંવાર રજૂઆતો છતાં સમસ્યા યથાવત હોવાનો સ્થાનિકોનો આરોપઃ આરોગ્ય સામે જોખમ ઊભું થતાં મનપા સામે આક્રોશ

રાજકોટ,તા.૭: શહેરમાં દૂષિત પાણીની સમસ્યા હજુ પણ યથાવત જોવા મળી રહી છે. વોર્ડ નં.૧ના શહેરના ધરમનગર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ગંદુ, દુર્ગંધયુક્ત અને કાદવમિશ્રિત પાણી આવતું હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. પીવાનું પાણી અશુદ્ધ આવતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મહિલાઓ, વડીલો અને સ્થાનિક રહીશોએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી તાત્કાલિક કાયમી ઉકેલ લાવવાની માંગ ઉઠાવી છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ અનેક વખત મનપાના સંબંધિત વિભાગમાં મૌખિક તેમજ લેખિત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી. નળમાંથી આવતું પાણી પીવાલાયક ન હોવાથી લોકોને પાણી ઉકાળીને પીવું પડે છે અથવા પીવાનું પાણી બહારથી ખરીદવાની ફરજ પડી રહી છે. આ સ્થિતિથી સામાન્ય પરિવારોને આર્થિક બોજ પણ સહન કરવો પડી રહ્યો છે.
રહિશોનું કહેવું છે કે દૂષિત પાણીના કારણે બાળકો, વળદ્ધો અને અન્ય લોકોના આરોગ્ય પર ગંભીર અસર થવાની ભીતિ છે. ખાસ કરીને ચોમાસાની ઋતુમાં પાણીજન્ય રોગચાળો ફાટી નીકળવાની શકયતા વધુ હોવાથી લોકોમાં ચિંતા વ્યાપી છે. સ્થાનિકોએ પાણીની લાઈનોની તપાસ કરી લીકેજ દૂર કરવા, જૂની પાઇપલાઇન બદલવા તેમજ શુદ્ધ પાણીનો નિયમિત પુરવઠો સુનિヘતિ કરવા માંગ કરી છે.
તાજેતરમાં રાજકોટ મહાનગરપાલિકાના મેયરે પણ શહેરના કેટલાક વિસ્તારોમાં દૂષિત પાણી પહોંચતું હોવાની વાત સ્વીકારી હતી અને જૂની પાઇપલાઇનોમાં તિરાડો તેમજ ગેરકાયદે કનેક્શનોને કારણભૂત ગણાવ્યા હતા. મનપા દ્વારા લીકેજ શોધી સમારકામની કામગીરી ચાલુ હોવાનું જણાવાયું છે, છતાં અનેક વિસ્તારોમાં સમસ્યા યથાવત હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે. ધરમનગરના રહીશોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જ્યાં સુધી શુદ્ધ પીવાનું પાણી મળતું નહીં થાય ત્યાં સુધી તેઓ પોતાની લડત ચાલુ રાખશે. સ્થાનિકોનું કહેવું છે કે નાગરિકો નિયમિત પાણીવેરો ચૂકવે છે, ત્યારે તેમને સ્વચ્છ અને સુરક્ષિત પીવાનું પાણી આપવાની જવાબદારી મનપાની છે. હવે તંત્ર તાત્કાલિક અને કાયમી પગલાં ભરે તેવી લોકમાંગ વધુ પ્રબળ બની છે.
(2:44 PM IST)










