<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th August 2026

આજીડેમ પોલીસે કનૈયા ડેરીમાંથી ભેળસેળ યુક્‍ત અખાદ્ય મીઠાઇ, ધીનો જથ્‍થો પકડયો : પેઢી સીલ

આજીડેમ ચોકડી દિનદયાળ ઇન્‍ડસ્‍ટ્રીઝ એરીયામાં પોલીસ-મનપાનો દરોડો : સંચાલક રામશીભાઇ ખાંભલા સામે મ્‍યુ. કોર્પોરેશનની ફૂડ વિભાગની ટીમને સાથે રાખીપીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં કામગીરીઃ એએસઆઇ રવિભાઇ વાંક, હેડકોન્‍સ. સંજયભાઇ મિયાત્રા અને કોન્‍સ. મહેશભાઇ કોઠીવાળની બાતમી

 

રાજકોટ તા. ૭: આગામી પવિત્ર શ્રાવણ માસ અને રક્ષાબંધનના તહેવારોને ધ્‍યાને રાખીને રાજકોટ શહેર પોલીસ અને રાજકોટ મ્‍યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા ભેળસેળિયા તત્‍વો સામે લાલ આંખ કરવામાં આવી છે. આજીડેમ પોલીસ સ્‍ટેશનની સર્વેલન્‍સ ટીમે દીનદયાળ ઇન્‍ડસ્‍ટ્રીઝ એરિયામાંથી ભેળસેળયુક્‍ત અખાદ્ય મીઠાઈ અને ઘીના જથ્‍થા સાથે એક પેઢી સંચાલકની સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

 આગામી તહેવારોમાં નાગરિકોના આરોગ્‍ય સાથે ચેડાં કરતા અખાદ્ય ખોરાક શોધી કાઢવા આપેલ સુચના મળી હોઇ તે અન્‍વયે આજીડેમ પોલીસ સ્‍ટેશનના પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર એચ.એન.પટેલના માર્ગદર્શન હેઠળ સર્વેલન્‍સ સ્‍કોડ પેટ્રોલીંગમાં હતી. દરમિયાન એએસઆઇ રવિભાઈ વાંક, હેડકોન્‍સ. સંજયભાઈ મિયાત્રા અને કોન્‍સ. મહેશભાઈ કોઠીવાળને ચોક્કસ સંયુક્‍ત બાતમી મળી હતી કે આજીડેમ ચોકડી પાસે આવેલ દીનદયાળ ઈન્‍ડસ્‍ટ્રીઝ એરીયા-૦૧, શેરી નં.૩ ખાતે કનૈયા ડેરી ફાર્મ નામની પેઢીમાં ભેળસેળયુક્‍ત અખાદ્ય મીઠાઈ અને મીઠાઈ બનાવવા માટેનો માવો તથા ઘીનો જથ્‍થો રાખવામાં આવેલ છે.

બાતમી મળતાં જ આજીડેમ પોલીસની ટીમે તાત્‍કાલિક રાજકોટ મ્‍યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગને જાણ કરી હતી. ત્‍યારબાદ પોલીસ અને આરએમસી ફૂડ વિભાગના અધિકારીઓએ સંયુક્‍ત રીતે કનૈયા ડેરી ફાર્મ ખાતે દરોડો પાડ્‍યો હતો. દરોડા દરમિયાન સ્‍થળ પરથી મોટા પ્રમાણમાં મિલાવટયુક્‍ત અખાદ્ય મીઠાઈ અને શંકાસ્‍પદ ઘીનો જથ્‍થો મળી આવ્‍યો હતો. ૯૫ કિલો મીઠાઈનું સેમ્‍પલીંગ કરી આ જથ્‍થાનો સ્‍થળ પર નાશ કરાયો હતો. અહિથી મળેલા શંકાસ્‍પદ ઘીનો જથ્‍થો ચકાસણી અર્થે સેમ્‍પલિંગ કરી લેબોરેટરી ખાતે મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે. આરોગ્‍ય સાથે ગંભીર ચેડાં થતા હોવાનું જણાતા મ્‍યુ. કોર્પોરેશન  ફૂડ વિભાગ દ્વારા કનૈયા ડેરી ફાર્મ પેઢીને સીલ કરી દેવામાં આવી છે. આ કામગીરી દરમિયાન પોલીસે પેઢી સંચાલક રામશીભાઈ ગોકળભાઈ ખાંભલા (રહે. રાજકોટ) સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્‍ય મંડલિક, ડીસીપી હેતલ પટેલ, એસીપી બી. વી. જાધવની સુચના અંતર્ગત આ કામગીરી પીઆઇ એચ. એન. પટેલ, એએસઆઇ રવિભાઇ વાંક, હેડકોન્‍સ. હરપાલસિંહ જાડેજા, ભરતભાઇ જોગીયા, સંજયભાઇ મિયાત્રા, હિતેષભાઇ અગ્રાવત, કોન્‍સ. વિરેન્‍દ્રસિંહ જાડેજા, મહેશભાઇ કોઠીવાળ, કુલદિપસિંહ જાડેજા, પ્રદીપસિંહ ગોહિલ, મનીષભાઇ શિરોડીયા, વિશ્વરાજસિંહ પરમાર, પ્રતિકભાઇ બોરસદીયા તથા મ્‍યુ. કોર્પોરેશન ફૂડ વિભાગના અધિકારીઓ/કર્મચારીઓ દ્વારા સંયુક્‍ત રીતે કરવામાં આવી હતી.

(2:58 PM IST)