<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th August 2026

આજી-ન્‍યારી ડેમમાં તાત્‍કાલિક નર્મદાના નીર ઠાલવોઃ કોર્પોરેશને સરકાર પાસે ખોળો પાથર્યો

રાજકોટમાં સંતોષકારક વરસાદના અભાવે ઘેરાયા ચિંતાના વાદળો : બન્ને જળાશયોમાં માત્ર ૧૦ સપ્‍ટેમ્‍બર સુધી ચાલે તેટલો જ જળજથ્‍થો ઉપલબ્‍ધઃ અગાઉની ફાળવણીમાંથી આજીમાં ૧૦૦ અને ન્‍યારીમાં ૧૨૫ એમસીએફટી પાણી હજુ બાકી, જળસંકટ ટાળવા તાત્‍કાલિક નિર્ણયની માંગ

રાજકોટ, તા. ૭: શહેરમાં ચાલુ ચોમાસા દરમિયાન સંતોષકારક વરસાદ ન પડતા શહેરની પાણીની જરૂરિયાત પૂરી કરતા આજી-૧ અને ન્‍યારી-૧ ડેમમાં અપેક્ષિત જળસંગ્રહ થયો નથી. પરિણામે ભર ચોમાસામાં જ શહેરના જળભંડારને લઈને ચિંતાના વાદળો ઘેરાવા લાગ્‍યા છે. જો આગામી દિવસોમાં નોંધપાત્ર વરસાદ નહીં પડે અને ડેમોમાં પાણીની આવક નહીં થાય તો શહેર સામે ગંભીર જળસંકટ ઊભું થવાની શકયતા વ્‍યક્‍ત થઈ રહી છે.

આ પરિસ્‍થિતિને ધ્‍યાનમાં રાખીને રાજકોટ મહાનગરપાલિકાના વોટરવર્ક્‍સ વિભાગે રાજ્‍ય સરકારને સૌની યોજના અંતર્ગત નર્મદાના નીરનું બાકી રહેલું પાણી એક પણ દિવસની રાહ જોયા વિના તાત્‍કાલિક આજી અને ન્‍યારી ડેમમાં છોડવા રજૂઆત કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

હાલમાં આજી-૧ ડેમની સપાટી ૨૨.૨૩ ફૂટ છે અને તેમાં ૪૬૪.૨૦ એમસીએફટી પાણીનો જથ્‍થો ઉપલબ્‍ધ છે. જ્‍યારે ન્‍યારી-૧ ડેમનું લેવલ ૧૬.૨૦ ફૂટ છે અને તેમાં ૪૭૩.૦૨ એમસીએફટી પાણીનો સંગ્રહ નોંધાયો છે. મનપાના અંદાજ મુજબ હાલનો જળજથ્‍થો દૈનિક પાણી વિતરણની સ્‍થિતિમાં માત્ર ૧૦ સપ્‍ટેમ્‍બર સુધી જ પૂરતો રહે તેવી શકયતા છે. ત્‍યારબાદ જો વરસાદ નહીં પડે અથવા ડેમોમાં પૂરતી આવક નહીં થાય તો પાણી ઉપાડવાની સ્‍થિતિ મુશ્‍કેલ બની શકે છે.

શહેરની પાણી પુરવઠા વ્‍યવસ્‍થા મોટા ભાગે નર્મદાના નીર પર નિર્ભર બની ગઈ છે. સામાન્‍ય રીતે ચોમાસામાં સ્‍થાનિક જળાશયો ઓવરફલો થતાં નર્મદાના પાણીની જરૂર પડતી નથી. પરંતુ આ વર્ષે ચોમાસાના મધ્‍ય સુધી પણ વરસાદની અછતને કારણે ડેમોમાં નોંધપાત્ર આવક થઈ નથી. જેના કારણે ચોમાસા દરમિયાન જ સરકાર પાસે નર્મદાના નીર માટે રજૂઆત કરવાની ફરજ પડી છે.

જૂન મહિનામાં વરસાદ ખેંચાતા કોર્પોરેશને રાજ્‍ય સરકાર સમક્ષ સૌની યોજના હેઠળ આજી અને ન્‍યારી ડેમમાં ૪૦૦-૪૦૦ એમસીએફટી પાણી છોડવાની માંગણી કરી હતી. સરકાર દ્વારા માંગણીનો ત્‍વરિત સ્‍વીકાર કરીને બંને ડેમમાં નર્મદાનું પાણી છોડવાનું શરૂ કરવામાં આવ્‍યું હતું. તે અંતર્ગત આજી-૧ ડેમમાં અંદાજે ૩૦૦ એમસીએફટી અને ન્‍યારી-૧ ડેમમાં ૨૭૫ એમસીએફટી પાણી છોડવામાં આવ્‍યું હતું. જોકે ત્‍યારબાદ વરસાદ શરૂ થતાં સૌની યોજના હેઠળનું પાણી છોડવાની પ્રક્રિયા સ્‍થગિત કરવામાં આવી હતી.

હવે વરસાદ ફરીથી ઓછો રહેતા અગાઉ મંજૂર થયેલી ફાળવણીમાંથી આજી-૧ ડેમ માટે ૧૦૦ એમસીએફટી અને ન્‍યારી-૧ ડેમ માટે ૧૨૫ એમસીએફટી પાણી હજુ બાકી છે. આ બાકી રહેલી ફાળવણી તાત્‍કાલિક છોડવામાં આવે તો શહેરના જળભંડારમાં નોંધપાત્ર વધારો થઈ શકે અને આગામી દિવસોમાં પાણીની તંગીની સ્‍થિતિને ટાળી શકાય. તેથી કોર્પોરેશને સરકારને બાકી રહેલું પાણી વિલંબ વિના છોડવા આગ્રહ કર્યો છે.

સૂત્રોના જણાવ્‍યા મુજબ હાલની સ્‍થિતિને જોતા કોર્પોરેશન આગામી દિવસોમાં સમગ્ર વર્ષના પાણી વિતરણનું આયોજન પણ તૈયાર કરશે અને તે મુજબ રાજ્‍ય સરકાર સમક્ષ વધુ નર્મદા નીરની માંગણી કરશે. કારણ કે રાજકોટ શહેરની વધતી વસ્‍તી અને દૈનિક પાણીની જરૂરિયાતને ધ્‍યાનમાં રાખતા લાંબા ગાળાનું આયોજન અનિવાર્ય બની ગયું છે.

પાણી પુરવઠા સાથે સંકળાયેલા વર્તુળોનું માનવું છે કે જો આગામી દિવસોમાં સારો વરસાદ નહીં પડે અને સરકાર તરફથી નર્મદાના નીરની ફાળવણીમાં વિલંબ થશે તો ભર ચોમાસામાં જ રાજકોટમાં જળસંકટ ઊભું થવાની સ્‍થિતિ સર્જાઈ શકે છે. આથી શહેરના લાખો નાગરિકોને નિયમિત અને પૂરતો પાણી પુરવઠો જળવાઈ રહે તે માટે સરકાર તાત્‍કાલિક નિર્ણય લે તેવી કોર્પોરેશન સહિત શહેરવાસીઓની અપેક્ષા છે.

(3:07 PM IST)