તા. ૧૨ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૮ બુધવાર
News of Saturday, 8th August 2026
એ-૪ ના કાગળ અને ચોકકસ ફોન્ટ બાબતેના પરિપત્ર સામે ગુજરાતના ૪૪ બાર. એસો. ના વકીલોમાં વિરોધ
ગુજરાતભરના તમામ ર૭ર બાર.એસો.ને લડત ચલાવવા વકિલોમાં ઉઠતો વિરોધઃ હાઇકોર્ટના ચીફ જસ્ટીસને પણ રજુઆત કરાઇ ૪૪ બાર. એસો.એ વિરોધમાં ઠરાવ કર્યો

રાજકોટઃ તા.૮, ગુજરાતના જુદા જુદા બાર એસોસિએશનના હોદ્દેદારોને વિનંતી છે કે A4 કાગળ તથા ચોક્કસ ફોન્ટ અંગે બહાર પાડવામાં આવેલ પરિપત્ર પરત ખેંચવા માટે જરૂરી અને યોગ્ય પગલાં સત્વરે લેવામાં આવે.હાલમાં સિસ્ટમ દ્વારા વકીલોને આ નવી વ્યવસ્થામાં રૂટીન કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. જો આપણે અત્યારે સંગઠિત રીતે રજૂઆત નહીં કરીએ, તો થોડા દિવસો બાદ આ મુદ્દે વકીલોની રજૂઆત સાંભળવા માટેની અસરકારક તક કદાચ નહીં રહે.
ગુજરાતના એક-એક વકીલ મિત્રએ ચૂંટણી સમયે પોતાના બાર એસોસિએશનના હોદ્દેદારો પર વિશ્વાસ મૂકીને તેમને મત આપી વિજયી બનાવ્યા છે. આ હોદ્દો માત્ર પદ કે ઓળખ નથી, પરંતુ વકીલોના હિતોનું રક્ષણ કરવાની જવાબદારી અને વકીલો દ્વારા આપવામાં આવેલ વિશ્વાસ છે. અત્યાર સુધીમાં ૪૪ બાર એસોસિએશનોએ ઠરાવ કરી દીધા છે,
આ તમામ બાર એસોસિએશનના હોદ્દેદારોનો આભાર કે તેઓ વકીલોના હિતમાં આગળ આવ્યા અને પોતાની જવાબદારી નિભાવી.પરંતુ હવે સવાલ સીધો છે એ છે કે બાકીના બાર એસોસિએશનો ઠરાવ ક્યારે કરશે? શું બાકીના બારના વકીલોને આ પરિપત્રથી કોઈ તકલીફ નથી? શું આપના બારના વકીલો પોતાના અધિકાર અને હિત માટે અવાજ ઉઠાવવાની અપેક્ષા નથી રાખતા?
અત્યારે જરૂર છે કે ગુજરાતની તમામ ૨૭૨ બાર એસોસિએશનો એકસાથે આગળ આવે અને A4 કાગળ તથા ફોન્ટ અંગેના પરિપત્રને પરત ખેંચવાની માંગ સાથે ઠરાવ પસાર કરે; નામદાર ગુજરાત હાઇકોર્ટ સમક્ષ સંયુક્ત અને અસરકારક રજૂઆત કરે; તમામ ઠરાવોની નકલ એકસાથે હાઇકોર્ટ સમક્ષ રજૂ કરે; જરૂરી હોય ત્યાં શાંતિપૂર્ણ, લોકશાહી અને કાયદેસર આંદોલનાત્મક વિરોધ કાર્યક્રમો યોજે; અને જયાં સુધી વકીલોના વ્યવહારુ પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ ન આવે ત્યાં સુધી સંગઠિત રીતે આ મુદ્દો ઉઠાવતા રહે.
આ લડાઈ કોઈ એક વ્યક્તિની નથી.
આ લડાઈ કોઈ એક બાર એસોસિએશનની નથી.આ સમગ્ર ગુજરાતના વકીલ સમાજના અધિકાર, સન્માન અને હિતની લડાઈ છે.
બાકીના બારના હોદ્દેદારોને સીધો સવાલ તમારા વકીલો પૂછે છે‘‘ અમારા હિત માટે તમે ઠરાવ ક્યારે કરશો?''વકીલોએ ચૂંટણીમાં આપને જે વિશ્વાસ આપ્યો છે, તે વિશ્વાસની કસોટી આજે છે. હવે નિર્ણય તમારે કરવાનો છે વકીલોની સાથે ઊભા રહેવું કે મૌન રહેવું. તેવો વિરોધ સાથે વકીલોએ આ અંગે તાત્કાલિક યોગ્ય કરવા હાઇકોર્ટના ચીફ જસ્ટીશને પણ પત્ર પાઠવેલ છે.
(3:28 PM IST)










