<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th August 2026

ગોંડલ રોડ વિસ્‍તારનો બનાવઃ ૧૭ વર્ષની સગીરા ઘરેથી નીકળ્‍યા બાદ ગાયબ

પિતાએ માલવીયાનગર પોલીસમાં અપહરણની ફરિયાદ નોંધાવી

રાજકોટ તા. ૮: ગોંડલ રોડ વિસ્‍તારમાં રહેતાં મુસ્‍લિમ પરિવારની ૧૭ વર્ષની દિકરી ગૂમ થઇ જતાં શોધખોળ બાદ પોલીસને જાણ કરતાં માલવીયાનગર પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ બનાવમાં પોલીસે સગીરાના પિતાની ફરિયાદ નોંધી છે. તે રિક્ષા હંકારી ગુજરાન ચલાવે છે અને સંતાનમાં બે દિકરી તથા એક દિકરો છે. તા. ૬ના રોજ તે રિક્ષા લઇ ધંધા ઉપર હતાં ત્‍યારે તેમને પત્‍નિએ ફોન કરી કહ્યું હતું કે-તમે જ્‍યાં હોવ ત્‍યાંથી ઘરે આવો. આથી તે ઘરે પહોંચતા ખબર પડી હતી કે ૧૭ વર્ષની દિકરી ઘરેથી નીકળ્‍યા બાદ ગાયબ થઇ છે. મોટી બહેને વાત કરી હતી કે પોતે પાછળના ફળીયામાં વાસણ માંજતી હતી ત્‍યારે નાની બહેન આગલા રૂમમાં નાઇટ ડ્રેસ પહેરીને બેઠી હતી. એ પછી તે અચાનક કપડા બદલાવી પોતાને ખબર ન પડે એ રીતે ઘરમાંથી નીકળી ગઇ હતી. આ પછી બધાએ સાથે મળી સગીર દિકરીની શોધખોળ કરી હતી. સગા સંબંધીને ત્‍યાં પણ તે ન ગઇ હોઇ અંતે પોલીસને જાણ કરી હતી.

તેણી ઘરેથી નીકળી ત્‍યારે સફેદ ટી-શર્ટ પહેરેલુ હતું અને માથે સફેદ ચુંદડી ઓઢી હતી. કોઇ તેણીને લલચાવી ફોસલાવી ભગાડી ગયાનું જણાતાં પોલીસને જાણ કરી હતી. પીઆઇ જે. એમ. કૈલાની રાહબરીમાં પીએસઆઇ ડી. બી. ગાધેએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(2:26 PM IST)