<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th August 2026

કુવાડવા રોડ પર ‘હિટ એન્‍ડ રન': ચરખાથી પત્‍નિને તેડવા માટે આવેલા સુરેશનું મોત

રસ્‍તો ઓળંગી રહ્યો હતો ત્‍યારે અજાણ્‍યો વાહનચાલક ઉલાળીને ભાગી ગયોઃ હેડકોન્‍સ. વિપુલભાઇ ગોહેલ દ્વારા કાર્યવાહી

રાજકોટ તા. ૮: રાજકોટ-અમદાવાદ હાઇવે પર કુવાડવા રોડ પટેલ વિહાર પાસે હિટ એન્‍ડ રનના બનાવમાં બાબરાના ચરખા ગામના યુવાનનું મોત થયું છે. અહિ માવતરે આવેલી પત્‍નિને મળવા માટે તે આવ્‍યો ત્‍યારે રસ્‍તો ઓળંગતી વખતે બનાવ બન્‍યો હતો.

જાણવા મળ્‍યા મુજબ અમરેલીના બાબરા નજીકના ચરખા ગામે રહેતો સુરેશભાઇ એભલભાઇ ઉધરેજીયા (ઉ.વ.૨૮) નામનો યુવાન રાતે નવેક વાગ્‍યે કુવાડવા રોડ પટેલ વિહાર રેસ્‍ટોરન્‍ટ નજીક રસ્‍તો ઓળંગી રહ્યો હતો ત્‍યારે અજાણ્‍યા વાહનનો ચાલક ઠોકરે લઇ ભાગી જતાં ઘટના સ્‍થળે જ દમ તોડી દીધો હતો. બનાવને પગલે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં. એ દરમિયાન નજીકમાં ઝૂપડામાં રહેતાં મૃતકના સાસરીયા પક્ષના લોકો દોડી આવતાં ઓળખ થઇ હતી.

બનાવની જાણ થતાં કુવાડવા રોડ પોલીસ સ્‍ટેશનના હેડકોન્‍સ. વિપુલભાઇ ગોહેલ સહિતે કાર્યવાહી કરી મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે ખસેડયો હતો. મૃતક છુટક મજૂરી કરતો હતો. તેના પત્‍નિ અહિ બનાવ સ્‍થળ નજીક ઝૂપડામાં માવતર ધરાવતાં હોઇ તેણી હાલ અહિ આવી હોઇ સુરેશભાઇ તેને તેડવા માટે આવ્‍યો હતો. રસ્‍તો પસાર કરતો હતો ત્‍યારે અજાણ્‍યો વાહનચાલક ઠોકરે લઇ ભાગી ગયો હતો. તેને શોધવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે.

 

(3:04 PM IST)