<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th August 2026

રાજકોટના વિશ્વપ્રસિદ્ધ જન્માષ્ટમી લોકમેળામાં જામશે સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ: કલાકારો અને સંસ્થાઓ પાસેથી અરજીઓ મંગાવવાનું શરૂ!

૨ થી ૬ સપ્ટેમ્બર દરમિયાન રેસકોર્સ ગ્રાઉન્ડ પર યોજાશે સૌરાષ્ટ્રનો સૌથી મોટો ભાતીગળ મેળો; ૧૭ ઓગસ્ટ સુધીમાં અરજીઓ જમા કરાવવા કલાકારોને અપીલ!

રાજકોટ :  સૌરાષ્ટ્રના સૌથી મોટા અને પ્રખ્યાત રાજકોટના જન્માષ્ટમી લોકમેળાની તૈયારીઓ તંત્ર દ્વારા જોરશોરથી શરૂ કરી દેવામાં આવી છે. આગામી ૨ થી ૬ સપ્ટેમ્બર દરમિયાન રાજકોટના ઐતિહાસિક રેસકોર્સ ગ્રાઉન્ડ પર ભાતીગળ લોકમેળો યોજાશે. આ વખતે મેળામાં દરરોજ સાંજે ૪ થી ૮ કલાક સુધી લોકસંસ્કૃતિ અને મનોરંજનથી ભરપૂર વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની ધમાકેદાર રમઝટ જોવા મળશે, જેના માટે ખાસ વિશાળ સ્ટેજ તૈયાર કરવામાં આવી રહ્યું છે.

 

રાજકોટ જિલ્લા યુવા વિકાસ અધિકારી એચ. વી. દિહોરાના જણાવ્યા મુજબ, મેળા દરમિયાન લોક ડાયરો, વિવિધ રાજ્યોના લોકનૃત્યો, પ્રાચીન રાસ-ગરબા, સોલો પર્ફોમન્સ, કરાઓકે સંગીત, યોગા તથા જિમનાસ્ટિકના દાવ જેવા અનેકવિધ આકર્ષક કાર્યક્રમો યોજાશે. આ મનોરંજક કાર્યક્રમોમાં ભાગ લેવા ઈચ્છતા નામાંકિત લોક કલાકારો, સંગીતકારો, યોગા ગ્રુપ અને સાંસ્કૃતિક સંસ્થાઓ પાસેથી નિયત નમૂનામાં અરજીઓ મંગાવવામાં આવી રહી છે. કલાકારોએ પોતાની તમામ વિગતો સાથે ૧૭ ઓગસ્ટના રોજ બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધીમાં અરજી જમા કરાવવાની રહેશે, ત્યારબાદ આવેલી અરજીઓ માન્ય ગણાશે નહીં.

 

બીજી તરફ, રેસકોર્સ મેદાન ખાતે રાઇડ્સ, ચકડોળ અને સ્ટોલ્સના પ્લોટ ફાળવણીની પ્રક્રિયા આખરી તબક્કામાં છે. આ વખતે તંત્ર દ્વારા વેપારીઓ માટે ૧૧ નવા વધારાના સ્ટોલની જગ્યા ફાળવવામાં આવી છે. મેળામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત અને સીસીટીવી સર્વેલન્સનું ખાસ આયોજન કરવામાં આવી રહ્યું છે.

 

તમામ સ્ટોલ્સ અને રાઇડ્સનું ફિટનેસ ચેકિંગ પૂર્ણ થયા બાદ લોકમેળાને વિધિવત રીતે ખુલ્લો મૂકવામાં આવશે. તંત્ર દ્વારા ટૂંક સમયમાં જ આ વર્ષના લોકમેળાનું સત્તાવાર નામ પણ જાહેર કરવામાં આવશે, જેની રાજકોટવાસીઓ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.

(10:12 PM IST)