<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th August 2026

​ઘંટેશ્વર ટી-પોસ્ટ પાસે ટ્રાફિક પોલીસ સાથે ઘર્ષણ કરનાર આરોપીઓ પકડાયા: માથા વાઢવાની ધમકી આપનારે કહ્યું પોલીસ સાથે ઘર્ષણ ન કરાય

ગાંધીગ્રામ પીઆઇ એચ.પી. ગઢવી, પીએસઆઇ એસ.વી. ગોહિલ અને ટીમની કામગીરી

​રાજકોટ: ઘંટેશ્વર ટી-પોસ્ટ પાસે વાહન ચેકિંગ દરમિયાન ટ્રાફિક પોલીસ કર્મચારીઓ સાથે બોલાચાલી અને ઝગડો કરી ફરજમાં રૂકાવટ ઊભી કરનાર બે આરોપીઓને ગાંધીગ્રામ પોલીસે તાત્કાલિક ઝડપી પાડી કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.

​તારીખ આઠમીના રોજ ટ્રાફિક શાખાના પોલીસ કર્મચારીઓ ઘંટેશ્વર ટી-પોસ્ટ ખાતે વાહન ચેકિંગની ફરજ પર હતા. તે દરમિયાન એક મોટરસાઇકલ ચાલક અને તેમની પાછળ બેઠેલા ઇસમે વાહન રોકતા જ ટ્રાફિક પોલીસ કર્મચારીઓ સાથે બોલાચાલી અને ઝગડો કરી ફરજમાં રુકાવટ કરી હતી અને ત્યાંથી ભાગી છૂટ્યા હતા. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસ દ્વારા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

​આ બનાવ અંગે માહિતી મળતા જ રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર ચૈતન્ચ માંડલીક, ડીસીપી ઝોન-૨ રાકેશ દેસાઇ, ડીસીપી ટ્રાફીક  હરપાલસિંહ જાડેજા સાહેબ તથા એસીપી બી.જે. ચૌધરીની સૂચનાથી ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. એચ.પી. ગઢવીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના પો.સબ.ઇન્સ. એસ.વી. ગોહિલ તથા તેમની ટીમે તાત્કાલિક તપાસ ચલાવી આરોપીઓને ઝડપી લીધા હતા.

​પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને બંને આરોપીઓને પકડી પાડતા જ તેમનો રોફ ઉતરી ગયો હતો. પોલીસની કડક પૂછપરછ અને કાયદાના ભાન સામે આરોપીઓએ પોતાની ભૂલ સ્વીકારીને માફી માગી હતી. તેમણે પોતાની ભૂલનો પસ્તાવો કરતા જણાવ્યું હતું કે, 'પોલીસ સાથે ક્યારેય ઘર્ષણમાં ઉતરવું જોઈએ નહીં અને તેમની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરવી જોઈએ નહીં.' પકડાયેલા આરોપીઓમાં રાજકોટના રામનાથ પરા, જુની જેલ સામે, નવયુગ પરા શેરી નં. ૫માં રહેતા ૫૬ વર્ષીય પ્રવીણભાઈ ભીખાભાઈ મુછડીયા તથા ૪૫ વર્ષીય જયેશભાઈ ભીખાભાઈ મુછડીયાનો સમાવેશ થાય છે. આ પૈકી આરોપી પ્રવીણભાઈ ભીખાભાઈ મુછડીયા વિરૂદ્ધ અગાઉ પણ રાજકોટ શહેર 'એ' ડીવીઝન પોલીસ સ્ટેશન અને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં જુગારધારા તથા જી.પી. એક્ટ હેઠળ ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે.

​આ કામગીરીમાં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. એચ.પી. ગઢવી, પો.સબ.ઇન્સ. એસ.વી. ગોહિલ, એ.એસ.આઈ. ચેતનસિંહ આર. ગોહિલ, પો.હેડ.કોન્સ. રવીભાઈ ગઢવી, રોહિતદાન ગઢવી, ભવદીપસિંહ ગોહિલ, શબ્બીરખાન મલેક તેમજ પો.કોન્સ. રઘુવીરસિંહ જાડેજા, વિપુલભાઈ ગઢવી, પ્રશાંતભાઈ ગજેરા, જયદેવસિંહ પરમાર, કૌશીકભાઈ ડાંગર અને ચંદ્રદીપસિંહ જાડેજા સહિતના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ સાથે મળીને આરોપીઓ સામે કાયદેસરની કડક કાર્યવાહી કરી હતી.

(9:44 PM IST)