<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th August 2026

કોઠારીયા સોલવન્‍ટ પાસેથી ગેરકાયદે ૧૫૦૦ કિલો જીલેટીન-ડીટોનેટરના જથ્‍થા સાથે દોલા મીરને ક્રાઇમ બ્રાંચે પકડયો : જુઓ વિડિયો

મેંદરડાના મિતુલે ભરી આપેલો જથ્‍થો થાન જામવાડીના હીરા ઉર્ફે હિરેનને આપવાનો હતો : મુળ ચુડાનો શખસ બોલેરોમાં જથ્‍થો ભરીને નીકળ્‍યો હતોઃ ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બસીયાની સુચના અને પીઆઇ એ. એસ. ચાવડા, એમ. એલ. ડામોર, સી. એચ. જાદવની રાહબરીમાં પીએઅસાઇ એ. એન. પરમાર અને ટીમની કામગીરી : અનિલભાઇ સોનારા, કનકસિંહ સોલંકી, હરપાલસિંહ જાડેજાની બાતમીથી કાર્યવાહી થઇ

રાજકોટ તા. ૧૦: શહેર ક્રાઇમ બ્રાંચની ટીમે રાજકોટ-ગોંડલ હાઇવે પર કોઠારીયા સોલવન્‍ટ નજીક શીવ હોટેલ સામેથી બોલેરો ગાડીમાં ગેરકાયદેસર રીતે ભરીને જવાતાં ૧૨ હજાર નંગ જીલેટીન સ્‍ટીક, ૪ હજાર નંગ ડીટોનેટર, બ્‍લાસ્‍ટીંગ કેબલના ૩૦ બંડલ મળી કુલ રૂા. ૫,૯૫,૦૦૦ના જથ્‍થા સાથે કોઠારીયા સોલવન્‍ટમાં રહેતાં મુળ સુરેન્‍દ્રનગરના ચુડાના છતરીયાળગા ગામના શખ્‍સને પકડી લીધા છે. આ ટોટા તે વિસ્‍ફોટકનો ગેરકાયદે જથ્‍થો તે મેંદરડાથી ભરીને થાન તરફ આપવા જતો હતો. બે શખ્‍સોના નામ ખુલતાં તેની શોધખોળ થઇ રહી છે.

જાણવા મળ્‍યા મુજબ ક્રાઇમ બ્રાંચની ટીમ ચોરી, ચીલઝડપ, લૂંટ સહિતના ગુનાઓ અટકાવવા અને આવા ગુના બન્‍યા હોય તો ડિટેક્‍ટ કરવા માટે તેમજ દારૂ જૂગાર, આર્મ્‍સ એક્‍ટને લગતા કેસ શોધવા માટે પેટ્રોલીંગમાં હતી ત્‍યારે એએસઆઇ અનિલભાઇ સોનારા સાથેના કનકસિંહ સોલંકી, હરપાલસિંહ જાડેજાને બાતમી મળી હતી કે રાજકોટ-ગોંડલ હાઇવે પર કોઠારીયા સોલવન્‍ટ નજીક શીવ હોટેલ સામેથી એક બોલેરો શંકાસ્‍પદ વિસ્‍ફોટકોના જથ્‍થા સાથે નીકળવાની છે. આ બાતમી પરથી ટીમે વોચ રાખતાં જીજે૦૩બીવી-૧૪૧૧ નંબરની બોલેરો ગાડી નીકળતાં તેને આંતરી લેવાઇ હતી. ચાલકની પુછતાછ કરતાં પોતાનું નામ દોલા રઘુભાઇ મીર-ભરવાડ (ઉ.વ.૩૪-રહે. શીતળાધાર મફતીયાપરા, મેલડી માતાના મંદિરથી આગળ, કોઠારીયા સોલવન્‍ટ, મુળ છતરીયાળા તા. ચુડા) જણાવ્‍યું હતું.

તેની બોેલેરોમાં પોલીસે તપાસ કરતાં ઠાઠામાંથી જીલેટીન સ્‍ટીક ૧૨૦૦૦ નંગ વજન ૧૫૦૦ કિલો રૂા. ૨,૪૦,૦૦૦ના તથા બ્‍લાસ્‍ટીંગ બંડલ નંગ ૩૦ રૂા. ૧૫ હજારના, એક્‍સપ્‍લોઝીવ ડીટોનેટર ૪૦૦૦ નંગ રૂા. ૪૦ હજારના મળી આવ્‍યા હતાં. પોલીસે આ જથ્‍થાના કાયદેસરના બીલની માંગણી કરતાં દોલાએ કોઇ બીલ કે બીજા કોઇ મંજુરી પત્ર નહિ હોવાનું કહ્યું હતું. વળી આ જથ્‍થાની હેરફેર માટે ખાસ વાહનની જરૂર હોય છે એ વાહન પણ નહોતું. વિશેષ પુછતાછમાં તેણે કબુલ્‍યું હતું કે પોતે ડ્રાઇવીંગ કામ કરે છે. મેંરદડાથી જથ્‍થો ભરવાનો ફોન આવ્‍યો હોઇ પોતે ભાડુ કરી આ જથ્‍થો ભરીને થાનના જામવાડીના હીરા ઉર્ફે હીરેન વિઠ્ઠલભાઇ અલગોતરને આપવા જતો હતો.

ક્રાઇમ બ્રાંચની ટીમે આ મામલે ડીસીબી પોલીસ સ્‍ટેશનમાં બીએનએસની કલમ ૨૮૮ તથા એક્‍સપ્‍લોઝીવ એક્‍ટની કલમ હેઠળ ગુનો નોંધી દોલાની ધરપકડ કરી જથ્‍થો આપનારા મેંદરડાના મીતુલ અને મંગાવનારા થાનના હીરા ઉર્ફે હીરેનની શોધખોળ યથાવત રાખી છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્‍ય માંડલિક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એ. એસ. ચાવડા, પીઆઇ એમ. એલ. ડામોર, પીઆઇ સી. એચ. જાદવ અને ટીમના પીએસઆઇ એ. એન. પરમાર, એએસઆઇ અનિલભાઇ સોનારા, હેડકોન્‍સ. કનકસિંહ સોલંકી, ગિરીરાજસિંહ જાડેજા, સુભાષભાઇ ઘોઘારી, કોન્‍સ. હરપાલસિંહ જાડેજા, રાજેશભાઇ ચાવડા અને બોંબ ડીસ્‍પોઝલ સ્‍ક્‍વોડના પીએસઆઇ ડી. બી. પરમાર તથા ટીમે આ કામગીરી કરી હતી.

(2:49 PM IST)