News of Monday, 10th August 2026
રતનપરના દુધના વેપારી મંછાભાઇ પર કુટુંબી ભાઇ-ભત્રીજાનો કુહાડીથી હુમલો
જમીન મામલે કુટુંબી ભત્રીજાએ કરેલા આપઘાતમાં ખોટા નામ આપવા મામલે માથાકુટ આઇઓસી પ્લાન્ટ પાસે મંછાભાઇના નાનાભાઇ ભાવેશભાઇ સાથે માથાકુટ થતી હોઇ પોતે વચ્ચે પડતાં ડખ્ખોઃ કુવાડવા પોલીસે ગુનો દાખલ કર્યો

રાજકોટ તા. ૧૦: રતનપર ગામે રહેતાં અને દૂધનો ધંધો કરતાં આધેડને આઇઓસી પ્લાન્ટ પાસે તેના કુટુંબી ભાઇ, ભત્રીજા સહિતે જમીન બાબતે કુટુંબી ભત્રીજાએ આપઘાત કર્યો હોઇ તેમાં ખોટા નામ આપવા બાબતે ઝઘડો કરી કુહાડીથી હુમલો કરી ઇજા કરતાં ફરિયાદ થઇ છે. આ આધેડના ભાઇ સાથે કુટુંબીઓ ઝઘડો કરતાં હોઇ પોતે વચ્ચે પડતાં માથાકુટ થઇ હતી.
આ બનાવમાં કુવાડવા પોલીસે રતનપર ગામમાં કેનેડા બેંક પાસે રહેતાં મંછાભાઇ પાંચભાઇ શિયાળ (ઉ.વ.૪૭)ની ફરિયાદ પરથી ગવરીદળના લધા આંબાભાઇ સિંધવ, રવિ લધાભાઇ સિંધવ સામે ગુનો નોંધ્યો છે. મંછાભાઇ શિવાળ પરિવાર સાથે રહે છે અને દૂધનો વેપાર કરી ગુજરાન ચલાવે છે. સંતાનમાં ચાર દિકરી અને બે દિકરા છે. તમેણે ફરિયાદમાં જણાવ્યા મુજબ રવિવારે બપોરે બે અઢી વાગ્યે તે રાજકોટ શહેરમાં ગ્રાહકોને દૂધ આપીને પરત રતનપર જતાં હતાં ત્યારે રાજકોટ મોરબી હાઇવે પર આઇઓસી પ્લાન્ટ પાસે પહોંચ્યા ત્યારે તેના સગા ભાઇ ભાવેશભાઇ અને કાકા-બાપાના ભાઇઓ લધાભાઇ આંબાભાઇ સિંધવ, તેના દિકરા જયેશભાઇ, રવિભાઇ, રાહુલભાઇ સહિતના બાપ-દાદાની જમીનને લઇને ભત્રીજા કાળુભાઇ મચ્છાભાઇએ કરેલા આપઘાત બાબતે અમારા ખોટા નામ આપો છો તેમ કહી વાતચીત કરતાં હતાં ત્યારે હું પણ ત્યાં ઉભો રહેતાં મારા નાનાભાઇ ભાવેશભાઇને કાકાના દિકરા લધાભાઇએ ગાળો દઇ મારી નાખવાની ધમકી આપતાં મેં તેને ાગળો બોલવાની ઝઘડો કરવાની ના પાડી સમજાવ્યો હતો.
આ વખતે લધાભાઇના છોકરા રવિએ તેની પાસેની લાકડાના હાથાવાળી કુહાડીનો ઘા મને માથાના ભાગે મારતાં ઇજા થઇ હતી. મને મારા ભાઇએ સારવાર માટે રાજકોટ ખસેડયો હતો. અહિ ડાબા કાન પાછળ ડોક્ટરે ટાંકા લીધા હતાં. સારવાર બાદ રજા અપાતાં પોલીસને જાણ કરી હતી. કાકા-બાપાના ભાઇઓ જમીન બાબતે ભત્રીજા કાળુએ આપઘાત કર્યો હોઇ તેમાં અમારા ખોટા નામ આપો છો કહી ઝઘડો કરી હુમલો કર્યો હતો. તેમ વધુમાં મંછાભાઇએ જણાવતાં કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના હેડકોનસ. વી. જે. ગોહેલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(3:58 PM IST)










