તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 10th August 2026
ટ્રાફિક ચેકિંગના નામે નાગરિકોની કનડગત, વસૂલાતો મોટો દંડ, ટીઆરબીના ગેરવર્તન સહિત ટ્રાફિક વ્યવસ્થાની વિસંગતતા દૂર કરો
ટ્રાફિકજામના સ્થળે પોલીસની અછત અને વાહન ચેકિંગના સ્થળે મોટી સંખ્યામાં જવાનોની હાજરી વચ્ચેનું આ અંતર તપાસનો વિષયઃ ટ્રાફિક પોલીસનો ઉપયોગ ખરેખર ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે થાય છે કે માત્ર દંડ વસૂલવા?: રોજિંદી મહેનત કરીને માંડ રૂ.૫૦૦થી ૭૦૦ કમાતા ગરીબ- મધ્યમવર્ગને વારંવારનો દંડ ડામ સમાનઃ મદદનીશ પોલીસ કમિશનરશ્રીને કોંગ્રેસની વેધક રજૂઆત

રાજકોટ તા.૧૦: શહેરમાં છેલ્લા એકાદ મહિનાથી ટ્રાફિક પોલીસ દ્વારા વાહનચેકિંગ તથા દંડાત્મક કાર્યવાહીનું પ્રમાણ અચાનક વધ્યું હોય તેવી સ્થિતિ શહેરના અનેક વિસ્તારોમાં જોવા મળી રહી છે. નિયમભંગ, ગેરકાયદેસર પ્રવળત્તિ, ઓવર સ્પીડ, નશાની હાલતમાં ડ્રાઈવિંગ, બ્લેક ફિલ્મ, બેફામ હોર્ન સહિતના ટ્રાફિક નિયમભંગ સામે કાયદેસરની કાર્યવાહી થવી જ જોઈએ અને કોંગ્રેસ તેનો વિરોધ કરતી નથી. પરંતુ હાલમાં સામાન્ય નાગરિકો, વેપારીઓ તથા રોજિંદા વાહનચાલકોને વારંવાર રોકી દંડ ફટકારવામાં આવતો હોવાની અનેક ફરિયાદો મળી રહી છે. ટ્રાફિક નિયમોનું પાલન કરાવવું અને લોકોમાં ટ્રાફિક શિસ્ત ઊભી કરવી એ પોલીસની મહત્વપૂર્ણ જવાબદારી છે, પરંતુ ટ્રાફિક વ્યવસ્થાનો હેતુ જનતાને સુવિધા આપવાનો હોવો જોઈએ, રોજેરોજ વાહનો અટકાવી દંડ વસૂલવાનો નહીં. આ સમગ્ર બાબતે સામાન્ય નાગરિકોમાં પણ ભારે અસંતોષ અને કનગડતની લાગણી ઊભી થઈ રહી હોવાથી આ રજૂઆત કરવામાં આવે છે.
રાજકોટ શહેરની ફરતે ટ્રાફિક ચેકિંગની હાલની વ્યવસ્થા જોતા જાણે કિલ્લેબંધી જેવો માહોલ સર્જાયો હોય તેવી સ્થિતિ છે. ચોટીલા તરફથી રાજકોટના ગ્રીનલેન્ડ ચોકડી સુધીના એક જ રૂટ પર ચાર જેટલા ટ્રાફિક ચેકિંગ પોઇન્ટ હોવાની સ્થિતિ સામે આવી છે તથા અન્ય જિલ્લાઓના પાસિર્ંંગ ધરાવતા વાહનોને ખાસ રીતે રોકી દિવસ-રાત ચેકિંગ કરવામાં આવતું હોવાની ફરિયાદો પણ મળી છે. શહેરની અંદર પણ અનેક ચોક અને મુખ્ય માર્ગો પર TRB જવાનો મોટી સંખ્યામાં તૈનાત કરવામાં આવે છે. બીજી તરફ રાજકોટ શહેરમાં અનેક સ્થળોએ ભારે વાહનોની વધતી અવરજવર, ગેરકાયદેસર પાકિર્ંંગ, સાંકડા રસ્તા તથા ટ્રાફિક જામની સમસ્યા યથાવત છે. જે સ્થળોએ ખરેખર ટ્રાફિક નિયંત્રણ માટે પોલીસની જરૂર હોય છે ત્યાં પૂરતી હાજરી જોવા મળતી નથી, જ્યારે વાહનચેકિંગના પોઈન્ટ પર ૧૦-૧૫ જેટલા જવાનો એકસાથે જોવા મળે છે. ટ્રાફિકજામના સ્થળે પોલીસની અછત અને વાહનચેકિંગના સ્થળે મોટી સંખ્યામાં જવાનોની હાજરી વચ્ચેનું આ અંતર તપાસનો વિષય બનવું જોઈએ. ટ્રાફિક પોલીસને મળતા માનવબળનો ઉપયોગ ખરેખર ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે થાય છે કે માત્ર વાહન રોકવા અને દંડ વસૂલવા માટે થાય છે તેની પણ સમીક્ષા જરૂરી છે.
આ ઉપરાંત, કેટલાક ટ્રાફીકબ્રીગેડ જવાનો દ્વારા સામાન્ય નાગરિકો સાથે મોટા અધિકારી જેવો રોફ જમાવીને તથા અપમાનજનક રીતે વર્તન કરવામાં આવતું હોવાની ફરિયાદો પણ કોંગ્રેસ સમક્ષ આવી છે. ટ્રાફીકબ્રીગેડ જવાનોને સોંપવામાં આવેલી ફરજ અને તેમની કાયદેસરની સત્તાની મર્યાદા સ્પષ્ટ હોવા છતાં જો કોઈ કર્મચારી પોતાની સત્તાની મર્યાદા બહાર જઈને નાગરિકો સાથે ગેરવર્તન કરતો હોય તો તેની સામે યોગ્ય કાર્યવાહી થવી જોઈએ. કાયદાનું પાલન કરાવનાર વ્યક્તિ પણ કાયદાની મર્યાદામાં રહીને જ કામગીરી કરે તે એટલું જ જરૂરી છે. વધુમાં, કેટલાક ટ્રાફીકબ્રીગેડ કર્મચારીઓની આવકની સરખામણીએ મોંઘી ફોરવ્હીલર તથા જીવનશૈલી અંગે પણ સવાલો ઊભા થાય તેવી ફરિયાદો મળી છે. કોઈ કર્મચારીને માત્ર ફરિયાદ કે શંકાના આધારે દોષિત ઠેરવવાનો પ્રશ્ન નથી, પરંતુ આવી ફરિયાદો ખરેખર સામે આવી રહી હોય તો સંબંધિત કર્મચારીઓની આવક, મિલકત, વાહનો તથા નાણાકીય વ્યવહારોની નિયમસર તપાસ કરવામાં આવે તો હકીકત સ્પષ્ટ થઈ શકે છે.
મોટર વ્હીકલ કાયદા હેઠળ નિયમભંગ કરનાર સામે કાર્યવાહી થવી જરૂરી છે, પરંતુ દરેક વાહનચાલકને રોકીને દંડ આપવો એ ટ્રાફિક વ્યવસ્થાનો કાયમી ઉકેલ નથી. ખાસ કરીને ગરીબ તથા મધ્યમવર્ગના લોકો રોજિંદી મહેનત કરીને માંડ રૂ.૫૦૦થી ૭૦૦ કમાતા હોય ત્યારે વારંવારના દંડનો બોજ તેમના પરિવારના બજેટ પર ગંભીર અસર કરે છે. દંડ એ ટ્રાફિક શિસ્તનું એક સાધન હોવું જોઈએ, આવક ઊભી કરવાનું સાધન નહીં. સાથે જ સોની બજારના વેપારીઓ દ્વારા વાહનચેકિંગના નામે હેરાનગતિ થતી હોવાની ફરિયાદો તથા કેટલાક વેપારીઓ દ્વારા કોંગ્રેસને આપવામાં આવેલા વીડિયો અને અન્ય પુરાવાઓની પણ તપાસ કરવામાં આવે તેવી અમારી માંગ છે.
તેમ કોંગ્રેસ લીગલ સેલના અગ્રણી અશોકસિંહ વાઘેલા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સોૈરાષ્ટ્રઝોનના પ્રવકતા રોહિત રાજપૂત, કાર્યકરો સર્વશ્રી યશ ભીંડોરા, રોનક રવિયા અને જીત સોનીએ જોઇન્ટ કમિશનરશ્રી ચૈતન્ય માંડલીકને કરેલી રજુઆતમાં જણાવાયુ છે.
મુખ્ય માંગણીઓ
(૧) છેલ્લા એક મહિનાના તમામ ટ્રાફિક ચેકિંગ અને દંડની સંપૂર્ણ વિગતોની તપાસ કરવામાં આવે. (૨) દરેક ચેકિંગ પોઈન્ટ, ત્યાં ફરજ પર મુકાયેલા કર્મચારીઓ તથા યુટી ફાળવણીની વિગતો તપાસવામાં આવે. (૩) કોઈપણ પ્રકારના દંડના ટાર્ગેટ આપવામાં આવ્યા છે કે નહીં તેની સ્પષ્ટતા કરવામાં આવે. (૪) TRB જવાનોની સત્તા, ફરજની મર્યાદા તથા નાગરિકો સાથેના વર્તન અંગે યોગ્ય સૂચનાઓ આપવામાં આવે. (૫) ‘‘મલાઈવાળા પોઈન્ટ'' માટે નાણાકીય લેવડદેવડના આક્ષેપોની ઉચ્ચસ્તરીય તપાસ કરવામાં આવે. (૬) બામણબોર, હિરાસર એરપોર્ટ ચોકડી તથા સોની બજાર સહિતના પોઈન્ટની ડયુટી ફાળવણીની તપાસ કરવામાં આવે. (૭) સોની બજારના વેપારીઓ દ્વારા આપવામાં આવેલા વીડિયો તથા ફરિયાદોની તપાસ કરવામાં આવે. (૮) ટ્રાફિક જામ તથા ભારે વાહનોની અવરજવરવાળા વિસ્તારોમાં ટ્રાફિક વ્યવસ્થાને પ્રાથમિકતા આપવામાં આવે. (૯) શહેરમાં મોટા પાયે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમો યોજવામાં આવે.(૧૦) સામાન્ય ગરીબ તથા મધ્યમવર્ગના નાગરિકો સાથે ટ્રાફિક નિયમોના અમલમાં માનવતાપૂર્વકનું વર્તન કરવામાં આવે.
(3:47 PM IST)










