તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th August 2026
ભાષા રચના વિચાર મંચ ‘ભારવિ’ની ૫૪મી બેઠક યોજાઈ : સાહિત્યિક રસાસ્વાદ અને નાટ્યકલાના અનોખા સમન્વયથી શ્રોતાઓ મંત્રમુગ્ધ
પ્રાંશી શુક્લ, ડૉ. નવીનભાઈ ધામેચા, ગૌતમ દવે, ડૉ. સુનિલ જાદવ, ભગવાનભાઈ થાવરાણી, સંજય ઉપાધ્યાય અને પ્રો. ડૉ. બળવંતભાઈ જાનીનું પઠન, અભિનય તથા પ્રેરક વક્તવ્ય

રાજકોટ: ભાષા રચના વિચાર મંચ ‘ભારવિ’ની ૫૪મી બેઠક તાજેતરમાં સાહિત્ય અને નાટ્યકલાના ભવ્ય સમન્વય સાથે યોજાઈ ગઈ હતી. સાડાચાર વર્ષની ભારવિ સફરના આ મહત્વપૂર્ણ સીમાચિહ્ન રૂપ મણકામાં વિવિધ ક્ષેત્રના વિદ્વાનો, કલાકારો અને સાહિત્યપ્રેમીઓએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી.
કાર્યક્રમના પ્રારંભે મંચની નાની વયની સક્રિય સભ્ય દીકરી પ્રાંશી શુક્લે “ભીંત અને કલા” વિષય પર મૌલિક અને ભાવવાહી નિબંધનું પઠન કરીને શ્રોતાઓને પ્રભાવિત કર્યા હતા. ત્યારબાદ ગુજરાતી ભાષાના નિવૃત્ત પ્રાધ્યાપક ડૉ. નવીનભાઈ ધામેચાએ કાલિદાસ રચિત “મેઘદૂતમ”ના પોતે કરેલા છંદોબદ્ધ ગુજરાતી અનુવાદની પંક્તિઓનું સુંદર પઠન કરી શ્રોતાઓને પ્રાચીન સમયની અનુભૂતિ કરાવી હતી.
સૂત્રધાર’ નાટકનું સંવેદનશીલ વાચિકમ અને સ્ટેન્ડિંગ ઓવેશન:રંગકર્મી ગૌતમ દવે અને શિવમ ફાઉન્ડેશનની ટીમે ચિનુ મોદીના ત્રિઅંકી નાટક “સૂત્રધાર”ના ત્રીજા અંકની વાચિક અને આંગિક અભિનય સાથે પ્રસ્તુતિ કરી હતી. તે પૂર્વે ગૌતમે મેઘદૂતના ‘યક્ષ’ની એકોક્તિ રજૂ કરીને કલાત્મક વાતાવરણ સર્જ્યું હતું. મર્યાદિત જગ્યામાં યુવા કલાકારોએ રજૂ કરેલા નાટકના સંવેદનશીલ પ્રસંગોએ પ્રેક્ષકોને ભાવવિભોર કર્યા હતા. નાટકનો અંત કરુણ રસ સાથે થતાં ઉપસ્થિત શ્રોતાઓએ કલાકારોને “સ્ટેન્ડિંગ ઓવેશન” આપીને બિરદાવ્યા હતા. કૌશિકભાઈ સિંધવ સહિતના વરિષ્ઠ કલાગુરુઓએ યુવા ટીમની આ કલાસાધનાને બિરદાવી હતી.
મળેલા જીવ’નો રસાસ્વાદ અને ‘વિશ્વસિનેમા’ પુસ્તકનો પરિચય:કાલાવડ કોલેજના ગુજરાતી વિષયના પ્રાધ્યાપક ડૉ. સુનિલ જાદવે પન્નાલાલ પટેલની ખ્યાતિપ્રાપ્ત નવલકથા “મળેલા જીવ”નો એક કલાક સુધી સચોટ સંવાદો અને રસપ્રદ શૈલીમાં આસ્વાદ કરાવ્યો હતો. ત્યારબાદ વરિષ્ઠ સભ્ય ભગવાનભાઈ થાવરાણીએ પોતાના નવપ્રકાશિત પુસ્તક “વિશ્વસિનેમા”નો પરિચય આપતાં ૫ થી ૬ હજાર ફિલ્મો જોવાના પોતાના અનુભવો અને વિશ્વના ૨૫ ઉત્કૃષ્ટ દિગ્દર્શકોની કામગીરી શેર કરી હતી. આ નિમિત્તે સંચાલક સંજય ઉપાધ્યાયે વૈશ્વિક ફિલ્મો અંગે પરિસંવાદ યોજવાની અપેક્ષા વ્યક્ત કરી હતી.
સાહિત્યની ફેરસમીક્ષા અને કાર્યક્રમનું સમાપન:મુખ્ય વક્તા પ્રો. ડૉ. બળવંતભાઈ જાનીએ પશ્ચિમી સાહિત્યની જેમ આપણી શિષ્ટ કૃતિઓ અને લોકસાહિત્યની પુનઃસમીક્ષા (ફેરસમીક્ષા) કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે ફિલ્મો, સંગીત અને સાહિત્ય જેવા વિષયો પર વર્કશોપ યોજવાનું મહત્વપૂર્ણ સૂચન કર્યું હતું.
કાર્યક્રમ દરમિયાન ભારવિ મંચના ખજાનચી જિગીષભાઈ રાવળની અર્ધસદી (૫૦મા જન્મદિન) નિમિત્તે શુભેચ્છા પાઠવવામાં આવી હતી, જ્યાં તેમના પુત્ર મંથને પિતા માટે લખેલી કવિતા રજૂ કરી હતી. અંતે સમૂહતસવીર અને આઈસ્ક્રીમના આસ્વાદ સાથે સંજય ઉપાધ્યાયના સંકલન હેઠળ બેઠકનું સમાપન થયું હતું.
(1:27 PM IST)










