<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th August 2026

નેપાળના ડી.જે. એવોર્ડ સેરેમનીમાં રાજકોટના ડી.જે. રોનકને બેસ્‍ટ વેડીંગનો બ્રોન્‍ઝ એવોર્ડ

રાજકોટ, તા. ૧૧ : હાલમાં ઓગષ્‍ટ ર૦ર૬ના પ્રારંભે નેપાળમાં ઇવેન્‍ટ મેનેજમેન્‍ટ ફેડરેશન દ્વારા ડી.જે. એવોર્ડ સેરેમનીનું આયોજન કરાયું હતું. જેમાં સૌરાષ્‍ટ્રમાંથી એક માત્ર એવા રાજકોટના ડી.જે. રોનકે બેસ્‍ટ વેડીંગ વિભાગમાં બ્રોન્‍ઝ એવોર્ડ હાંસલ કરી રાજકોટ-સૌરાષ્‍ટ્રનું નામ રોશન કરેલ છે.

આ સમારોહમાં ભારતભરમાંથી ૩૮ જેટલા ડી.જે.એ ભાગ લીધો હતો. બેસ્‍ટ પરફોર્મ કરનારને સમારોહમાં ઉપસ્‍થિત ફિલ્‍મી કલાકારો શિલ્‍પા શેટ્ટી, વિક્રાન મેસ્‍સી અને કુબ્રાના હસ્‍તે એવોર્ડ એનાયત કરવામાં આવ્‍યા હતા.

કુબ્રાના હસ્‍તે બેસ્‍ટ વેડીંગમાં બ્રોન્‍ઝ મેડલ મેળવનાર ડી.જે. રોનક છેલ્લા ૧૬ વર્ષથી ડી.જે. ક્ષેત્રને ધમધમાવી રહેલ છે. વેડીંગ્‍સ, નવરાત્રી, કોર્પોરેટ ઇવેન્‍ટસ હેન્‍ડલ કરે છે.

તેમણે મુંબઇ ખાતે સાઉન્‍ડ એન્‍જીનીયરીંગ કમ્‍પ્‍લીટ કરી આ ક્ષેત્રે પ્રવેશ કરેલો. આમ તો સાઉન્‍ડ ક્ષેત્ર વારસામાં મળ્‍યું તેમ કહી શકાય. કેમકે તેમના પિતાશ્રી જગદીશભાઇ બી. પરમાર (મો. ૯૮ર૪૧૧૪પ૬૧) ચાર દાયકા કરતા વધુ સમયથી રાજકોટમાં સાઉન્‍ડ વ્‍યવસાય સંભાળી રહ્યા છે. એટલે નાનપણથી જ રોનકને સાઉન્‍ડ પ્રત્‍યે લગાવ હતો.

આ પહેલા ર૦૧રમાં પણ તેને ઓલ ઇન્‍ડિયા પાયોનીયર ડી.જે. કોમ્‍પીટીશનમાં થર્ડ રેન્‍ક પ્રાપ્‍ત થયો હતો.

બાળપણમાં ડ્રોઇંગ કોમ્‍પીટીશનમાં બાલભવનના માધ્‍યમથી ખૂબ સારુ પરફોર્મ કરી ચાઇના કોમ્‍પીટીશનમાં થર્ડ રેન્‍ક હાંસલ કરેલ. આ રીતે તેને ડ્રોઇંગ એનીમેશનમાં પણ એટલા જ રસરૂચી છે.

અહીં ઉલ્લેખનીય છે કે ડી.જે. રોનક અને તેમનો પરિવાર ચરાડવા મહાકાળી આશ્રમના પણ પરમ ભક્‍ત છે. જગદીશભાઇ અને પરિવારજનો પૂ. દયાનંદગીરી બાપુના આશીર્વાદ લઇને તેમના તમામ કાર્યો આરંભે છે.

ત્‍યારે હાલ ડીે.જે. એવોર્ડ સેરેમનીમાં બેસ્‍ટ વેડીંગ ક્ષેત્રે બ્રોન્‍ઝ એવોર્ડ મેળવાનર ડી.જે. રોનક (મો. ૯૯૦૪પ૪૮૮૮૭) ઉપર ચોમેરથી અભિનંદનવર્ષા થઇ રહી છે.

તસ્‍વીરમાં ‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે ડીે.જે. રોનક અને બાજુમાં જગદીશભાઇ પરમાર નજરે પડે છે.

(3:16 PM IST)