<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th August 2026

રાજકોટ લોધીકા સંઘની ચૂંટણીનું જાહેરનામું બહાર પડયું: ૧૭મીથી ફોર્મ મળશેઃ ૮ સપ્‍ટેમ્‍બરે મતદાન

કુલ ૧૬ બેઠકો માટે ચૂંટણીઃ મતગણત્રી તા. ૯ના રોજ યોજવા નિર્ણય

રાજકોટ, તા. ૧૧: આખરે રાજકોટ લોધિકા સહકારી ખરીદ વેચાણ સંઘ લિમિટેડની વહીવટી સમિતિની ચૂંટણીનો વિધિવત કાર્યક્રમ જાહેર કરવામાં આવ્‍યો છે. જાહેરનામું પ્રાંત અધિકારી અને ચૂંટણી અધિકારી, રાજકોટ શહેર-૨ હર્ષદીપ આચાર્ય દ્વારા બહાર પડાયું છે. જે અંતર્ગત આગામી સપ્‍ટેમ્‍બર મહિનામાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

વિગતો મુજબ સંઘના બોર્ડ ઓફ ડાયરેક્‍ટર્સની કુલ ૧૬ બેઠકો માટે આ ચૂંટણી યોજાનાર છે. મતદાર મંડળના વર્ગીકરણ મુજબ, સંઘ સાથે જોડાયેલી મંડળીગત જૂથની ૧૫ બેઠકો અને વ્‍યક્‍તિગત જૂથની ૧ બેઠક એમ કુલ ૧૬ બેઠકો પર ચૂંટણી યોજાશે.ચૂંટણી અધિકારીની કચેરી, જૂની કલેકટર કચેરી કમ્‍પાઉન્‍ડ, રાજકોટ ખાતે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થશે. ઉમેદવારી પત્રો મેળવવા અને રજૂ કરવાની છેલ્લી તારીખ ૨૦ ઓગસ્‍ટ ૨૦૨૬ ગુરૂવાર સુધી રહેશે. આ પ્રક્રિયા સવારે ૧૧:૦૦ થી બપોરે ૩ સુધી ચાલશે.

ઉમેદવારો પોતાના ઉમેદવારી પત્રો તા. ૨૭ ઓગસ્‍ટ ૨૦૨૬ ગુરૂવાર સુધીમાં પાછા ખેંચી શકશે.

જો ચૂંટણીમાં મતદાન અનિવાર્ય બનશે, તો તા. ૮ સપ્‍ટેમ્‍બર ૨૦૨૬ના રોજ સવારે ૯:૦૦ થી બપોરે ૧૪:૦૦ કલાક સુધી મતદાન રાજકોટ સીટી પ્રાંત-ર કચેરી ખાતે યોજાશે. ત્‍યારબાદ, તા. ૯ સપ્‍ટેમ્‍બર ૨૦૨૬ના રોજ પ્રાંત અધિકારીની કચેરી ખાતે મતગણતરી હાથ ધરવામાં આવશે અને મતગણતરી પૂર્ણ થયા બાદ તરત જ ચૂંટણીના પરિણામોની જાહેરાત કરવામાં આવશે.

(2:43 PM IST)