<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th August 2026

ત્રણ બહેનના એક જ ભાઇ રાજકોટના ઇમિટેશનના વેપારીએ ચોટીલાની હોટેલમાં ઝેર પી આપઘાત કર્યો

કુવાડવા રોડ અમૃત સોસાયટીના પંકજભાઇ દુધાત્રાનું આર્થિક ભીંસમાં આવી પગલું : પરિવારના એકના એક આધારસ્‍તંભ હતાં: બે સંતાને પિતાની છત્રછાંયા ગુમાવતાં ગમગીની

રાજકોટ તા. ૧૧: કુવાડવા રોડ પર અમૃત સોસાયટીમાં રહેતાં ઇમિટેશનના વેપારીએ ચોટીલા જઇ હોટેલમાં ઝેરી દવા પી આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ છે. આર્થિક સંકડામણને કારણે પગલુ ભર્યાનું પ્રાથમિક તપાસમાં ખુલ્‍યું હતું.

જાણવા મળ્‍યા મુજબ અમૃત સોસાયટીમાં રહેતાં પંકજભાઇ રમેશભાઇ દુધાત્રા-પટેલ (ઉ.વ.૩૫) નામના યુવાને સવારે દસેક વાગ્‍યે ચોટીલા ખાતે આવેલી ઉત્‍સવ હોટેલમાં ઝેરી દવા પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ મોત નિપજ્‍યું હતું. બનાવની જાણ થતાં ચોટીલા પોલીસને હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે કરતાં રાજકોટ પહોંચી  કાર્યવાહી કરી હતી અને મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે ખસેડયો હતો.

આપઘાત કરી લેનારા પંકજભાઇ ત્રણ બહેનના એકના એક ભાઇ હતાં. તેમને સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. પોતે ઇમિટેશન જ્‍વેલરીનું કામ કરતાં હતાં. ગઇકાલે બપોર બાદ ઘરેથી આટો મારવા નીકળ્‍યા બાદ પરત આવ્‍યા નહોતાં. આજે તેમણે ચોટીલાની હોટેલમાં ઝેર પી લીધાની જાણ થતાં પરિવારજનો હોસ્‍પિટલે પહોંચ્‍યા હતાં. પરંતુ અહિ સારવારમાં દમ તોડી દીધો હતો. આર્થિક સંકડામણને કારણે પગલુ ભર્યાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્‍યું હતું. પરિવારના એકના એક આધારસ્‍તંભના આ પગલાથી અરેરાટી વ્‍યાપી ગઇ છે. આગામી દિવસોમાં રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે ત્‍યારે જ ત્રણ બહેને એકનો એક ભાઇ ગુમાવી દેતાં ઘેરો શોક વ્‍યાપી ગયો છે.

(2:44 PM IST)