તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th August 2026
શ્રી લોહાણા મહાપરિષદના સૌરાષ્ટ્ર ઝોન-૧માં મિતેશ રૂપારેલિયા ઝોન પ્રભારી નિયુક્ત

રાજકોટઃ વિશ્વભરના રઘુવંશી લોહાણા સમાજને એક સંગઠિત અને સશક્ત મંચ પર જોડતી શ્રી લોહાણા મહાપરિષદ દ્વારા શ્રી મિતેશભાઈ રમેશચંદ્રભાઈ રૂપારેલિયા (મો. ૮૦૦૦૯ ૧૦૦૦૯)ની સૌરાષ્ટ્ર ઝોન-૧ ના પ્રભારી તરીકે આગામી પાંચ વર્ષ માટે નિમણૂક કરવામાં આવેલ છે. સમાજસેવા, સંગઠન અને સામાજિક જવાબદારીના ક્ષેત્રે વર્ષોથી સક્રિય રહેલા મિતેશભાઈ માટે આ નિમણૂક માત્ર એક પદ નહીં, પરંતુ શ્રી લોહાણા મહાપરિષદના વ્યાપક સંગઠન અને સેવાકાર્યને સૌરાષ્ટ્ર ઝોન- ૧માં વધુ મજબૂત બનાવવાની મહત્વપૂર્ણ જવાબદારી છે. તેમ મહાપરિષદના વરિષ્ઠ અગ્રણી શ્રી સંજયભાઇ લાખાણીને જણાવ્યું છે.
તેમણે જણાવ્યું છે કે આજે શ્રી લોહાણા મહાપરિષદનું સંગઠન ભારતમાં ૧૬ ઝોન અને વિદેશમાં ૧૧ ઝોન, એમ કુલ ૨૭ ઝોન દ્વારા દેશ-વિદેશમાં વસતા લાખો લોહાણા પરિવારોને એક વૈશ્વિક પરિવાર તરીકે જોડવાનું કાર્ય કરી રહ્યું છે. સ્થાનિક સ્તરથી લઈને વૈશ્વિક સ્તર સુધી સમાજના લોકો વચ્ચે સંકલન વધારવા અને દરેક પરિવાર સુધી સંગઠનની પહોંચ મજબૂત બનાવવા મહાપરિષદ સતત પ્રયત્નશીલ છે. મહાપરિષદ દ્વારા શિક્ષણ અને આરોગ્ય સહાય, યુવા નેતૃત્વ વિકાસ અને મહિલા સશક્તિકરણ ઉપરાંત લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ (એલએમપી) જોબ પોર્ટલ, લગ્ન સેતુ અને લોહાણા કનેકટ જેવા પ્રકલ્પો દ્વારા શિક્ષણ, રોજગાર, વ્યવસાય અને સંબંધોના ક્ષેત્રે સમાજને એકબીજા સાથે જોડવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનું જણાવાયું છે.
સમાજ સાથે વધુ મજબૂત જોડાણ અને પરસ્પર સંવાદ માટે તમામ લોહાણા પરિવારોને લોહાણા કનેકટ એપ સાથે જોડાવા મિતેશભાઈ રૂપારેલિયા દ્વારા અપીલ કરવામાં આવી છે. ‘‘આપણે સૌ જોડાઈએ, એકબીજાને જોડીએ અને સમાજને વધુ સંગઠિત બનાવીએ.''એપમાં જોડાઈને પરિવારના સભ્યો સહિત સમગ્ર પરિવારને એક જ ગ્રુપમાં જોડાવી શકાય છે, જેથી સમાજની માહિતી, પ્રવૃત્તિઓ અને મહત્વપૂર્ણ સંદેશાઓ દરેક પરિવાર સુધી સરળતાથી પહોંચી શકે.
શ્રી લાખાણી જણાવે છે કે આ જ વિશાળ વિચારધારા અને વિકાસલક્ષી અભિગમને વધુ મજબૂત બનાવવાની જવાબદારી હવે મિતેશભાઈ રૂપારેલિયાને સોંપવામાં આવી છે. વર્ષોથી સમાજસેવા સાથે જોડાયેલા મિતેશભાઈની કામગીરીમાં ૨૦૧૫થી સાધુવાસાણી રોડ ખાતે લોહાણા સમાજ માટે નવરાત્રિના આયોજન તેમજ છેલ્લા ૨૦ વર્ષથી જલારામ જયંતિના સફળ આયોજન જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.
મિતેશભાઈની સમગ્ર સફરમાં પૂ. કિરીટકાકાના આશીર્વાદ અને પ્રેરણાનું વિશેષ સ્થાન રહ્યું છે.
સૌરાષ્ટ્ર ઝોન-૧ના પ્રભારી તરીકે મિતેશભાઈની મુખ્ય ભૂમિકા સંકલન, માર્ગદર્શન અને સંગઠનને વધુ મજબૂત બનાવવાની રહેશે. તેમ શ્રી લાખાણી નોંધતા કહે છે કે મિતેશભાઈનું વિઝન મહાપરિષદના વિકાસલક્ષી અભિગમ સાથે સુસંગત છે. યુવાનોને સમાજ સાથે વધુ જોડવા, શિક્ષણ અને વ્યવસાયમાં નવી તકો ઊભી કરવા, પ્રતિભાશાળી યુવાનોને માર્ગદર્શન આપવા અને જરૂરિયાતમંદ પરિવારો માટે મજબૂત સહયોગનું માળખું ઊભું કરવું તેમની પ્રાથમિકતાઓમાં છે.
આ નવી જવાબદારી માટે મિતેશભાઈએ લોહાણા મહાપરિષદના પ્રમુખ શ્રી સતીશ ડી. વિઠલાણી, સિનિયર વાઇસ-પ્રેસિડેન્ટ નિતિન જે. રાયચુરા, સૌરાષ્ટ્ર ઝોનલ પ્રેસિડેન્ટ રામભાઈ બરછા, વાઇસ-પ્રેસિડેન્ટ અમિતભાઈ માણેક, સેક્રેટરી અજયકુમાર સંઘાણી, જોઇન્ટ સેક્રેટરી મેહુલભાઈ નથવાણી, રાજકોટ સિટી પ્રેસિડેન્ટ સંજયભાઈ લખાણી, વુમન-સિટી પ્રેસિડેન્ટ તૃપ્તિબેન રાજવીર અને રાજકોટ સેક્રેટરી રશ્મિબેન માણેકનો આભાર વ્યકત કર્યો છે.
આગામી પાંચ વર્ષ દરમિયાન શ્રી રૂપારેલીયાના નેજા હેઠળ મહાપરિષદની સેવા, સંગઠન અને વિકાસની વિચારધારા સૌરાષ્ટ્ર ઝોન-૧ના દરેક લોહાણા પરિવાર સુધી વધુ મજબૂતીથી પહોંચે તેવી શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી છે.
(3:32 PM IST)










