તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th August 2026
હર ઘર તિરંગા અભિયાન : મનપાની વોર્ડ ઓફિસે વિનામૂલ્યે રાષ્ટ્રધ્વજનું આજથી વિતરણ
શહેરીજનોને પોતાના ઘર-ઓફિસ પર તિરંગો લહેરાવી રાષ્ટ્રભક્તિના મહાપર્વમાં સહભાગી થવા મેયર સહિતના પદાધિકારીઓની અપીલ

રાજકોટ, તા., ૧૧: ભારતનો રાષ્ટ્રધ્વજ આપણા સમગ્ર દેશ માટે રાષ્ટ્રીય ગૌરવ, એકતા, અખંડિતતા અને દેશભક્તિનું પ્રતિક છે. રાષ્ટ્રધ્વજ સાથે દેશના દરેક નાગરિકની લાગણી અને ગૌરવ જોડાયેલું છે. આગામી તા. ૧૫ ઓગસ્ટના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માન અને રાષ્ટ્રભક્તિની ભાવનાને વધુ પ્રબળ બનાવવા રાજ્ય સરકારશ્રી દ્વારા સમગ્ર રાજ્યમાં તા. ૦૯ થી તા. ૧૭ દરમિયાન હર ઘર તિરંગા અભિયાનનું આયોજન કરવામાં આવેલ છે.
મહાનગરપાલિકા દ્વારા આજ તા. ૧૧ થી શહેરની તમામ વોર્ડ ઓફિસ ખાતેથી શહેરીજનો માટે વિનામૂલ્યે રાષ્ટ્રધ્વજનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે.
શહેરના નાગરિકો પોતાની નજીકની વોર્ડ ઓફિસ ખાતે જઈ વિનામૂલ્યે રાષ્ટ્રધ્વજ મેળવી શકશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને અનુરોધ કરવામાં આવે છે કે, તેઓ પોતાના ઘર, ઓફિસ, દુકાન, વ્યવસાયિક સંકુલ તથા અન્ય યોગ્ય સ્થળોએ રાષ્ટ્રધ્વજને સંપૂર્ણ માન, ગૌરવ અને સન્માન જળવાઈ રહે તે રીતે યોગ્ય રીતે ફરકાવે અને હર ઘર તિરંગા અભિયાનને જનભાગીદારીનું સ્વરૂપ આપે.
મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ નાગરિકો, વેપારીઓ, ઉદ્યોગકારો, શૈક્ષણિક સંસ્થાઓ, વિવિધ સામાજિક-સ્વૈચ્છિક સંસ્થાઓ, રહેણાંક સોસાયટીઓ, એપાર્ટમેન્ટ એસોસિએશનો, બજાર એસોસિએશનો તથા વિવિધ સંગઠનોને પણ હર ઘર તિરંગા અભિયાનમાં સક્રિય સહભાગી બનવા અપીલ કરવામાં આવી છે.
દરેક પરિવાર પોતાના ઘર પર તિરંગો લહેરાવે, દરેક સંસ્થા પોતાના પરિસરમાં રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન વ્યક્ત કરે અને સમગ્ર રાજકોટ શહેર તિરંગાના રંગોમાં રંગાઈ જાય તેવું વાતાવરણ સર્જાય તે માટે સૌ નાગરિકો સહયોગ આપે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.
રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડો. નેહલ શુક્લ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા ડો. હિરેનભાઈ ખીમાણિયા, શાસક પક્ષ દંડક સંજયસિંહ રાણા તથા સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન મનીષભાઈ ભટ્ટ દ્વારા તમામ શહેરીજનોને હર ઘર તિરંગા અભિયાનમાં ઉત્સાહપૂર્વક જોડાઈ રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રગૌરવની ભાવનાને વધુ મજબૂત બનાવવા ખાસ અપીલ અને અનુરોધ કરવામાં આવે છે.
(3:43 PM IST)










