<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th August 2026

CIDનું માળખુ CBI સમકક્ષ બનાવવાનો ડો. રાવનો માસ્‍ટર પ્‍લાન ટોપ ગિયરમાં

નાયબ પોલિસ મહાનિરિક્ષક કે. એન. ડામોર સહીતની ઉપસ્‍થિતિવાળી બેઠકમાં ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરવા માર્ગદર્શન અપાયું... ગુજરાત બહાર નાશેલા, વોન્‍ટેડ આરોપીઓને પકડવા સહીતની રણનીતિને રાજકોટ ઝોનની બેઠકમાં આખરી ઓપ અપાયો...

રાજકોટ, તા.૧૨: ગુજરાતના CID વડા પદે ખુબ વિશાળ અનુભવ ધરાવતા ડો. કે. એલ. એન. રાવે રાજ્‍યની CBI  પ્રકારની CID ક્રાઇમને CBI સ્‍ટાઇલમાં પરિવર્તિત કરવા માટે તમામ કેસોની સમીક્ષા સાથે પ્રોગ્રેસ રિપોર્ટ, પોતાનું અને પોલિસ મહાનિરીક્ષક કે. એન. ડામોરનું માર્ગદર્શન મળી રહે તે માટે રાજકોટ ઝોનની  ક્રાઇમ કોન્‍ફરન્‍સનું આયોજ્‍ન કરેલ.

આ બેઠકમાં પોલીસ મહાનિરીક્ષકશ્રી (ક્રાઈમ-૧), પોલીસ અધિક્ષકશ્રી (ક્રાઈમ) તેમજ રાજકોટ ઝોનના નાયબ પોલીસ અધિક્ષકશ્રી, પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટરશ્રી અને પોલીસ સબ ઇન્‍સ્‍પેક્‍ટરશ્રી સહિતના અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

બેઠક દરમિયાન રાજકોટ ઝોન હેઠળના મહત્‍વના તથા સંવેદનશીલ ગુનાઓની તપાસની પ્રગતિ, લાંબા સમયથી પેન્‍ડિંગ રહેલા ગુનાઓના નિકાલ, રાજ્‍ય બહારના નાસતા ફરતા આરોપીઓની શોધખોળ તથા ધરપકડ અને વિવિધ યુનિટો વચ્‍ચેના સંકલન અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.

પોલીસ મહાનિર્દેશકશ્રીએ ગુનાઓની તપાસ વધુ ઝડપી, અસરકારક અને ગુણવત્તાસભર બને તે માટે જરૂરી માર્ગદર્શન આપ્‍યું હતું. ખાસ કરીને રાજ્‍ય બહારના નાસતા ફરતા આરોપીઓ અંગે સચોટ માહિતી મેળવી ટીમો બનાવી અસરકારક કાર્યવાહી હાથ ધરી આવા આરોપીઓને સત્‍વરે ઝડપી પાડવા સૂચનાઓ આપવામાં આવી હતી.

આ ઉપરાંત, ગુનાઓની શોધખોળ તથા તપાસમાં CCTV સર્વેલન્‍સ અને આધુનિક ટેકનોલોજી આધારિત મોનિટરિંગને વધુ સુદૃઢ બનાવવા, મોનિટરિંગ અધિકારીઓ સાથે અસરકારક સંકલન જાળવવા તથા સુદર્શન અને ગાંડીવ-NATGRID જેવી ટેકનોલોજીનો અસરકારક ઉપયોગ કરવા અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું.

પોલીસ મહાનિર્દેશકશ્રીએ તમામ તપાસ અધિકારીઓને દરેક કેસની તપાસ વ્‍યાવસાયિક અભિગમ, ચોકસાઈ અને પારદર્શિતા સાથે હાથ ધરી, ઉપલબ્‍ધ માહિતી અને પુરાવાઓના આધારે ગુનાની ગંભીરતાને અનુરૂપ કાયદેસરની કાર્યવાહી સુનિશ્‍ચિત કરવા તેમજ પીડિતોને સત્‍વરે ન્‍યાય મળે તે માટે જરૂરી કાર્યવાહી સમયબદ્ધ રીતે પૂર્ણ કરવા સૂચના આપી હતી.

(3:33 PM IST)