<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th August 2026

તારો ભાઇ ક્‍યાં છે, તેની પાસેથી ૭ લાખ લેવાના છે એ તું આપી દે કહી અજીમભાઇ પર ટોળકીનો હુમલો

મોરબી રોડ સાગર પાર્કમાં બનાવઃ રાજો જુણેજા, અંકિત, કરણ ઉર્ફે ચોક્કો, જીતુ સહિતનાએ ત્રણ કારમાં આવી ધમાલ મચાવી ખૂનની ધમકી પણ દીધીઃ બી-ડિવીઝન પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા.૧૨: શહેરના મોરબી રોડ પર આવેલ સાગરપાર્ક વિસ્‍તારમાં રાત્રિના સમયે ભાઈના બાકી નીકળતા ૭ લાખ રૂપિયાની ઉઘરાણી મુદ્દે  સોલાર ફિટિંગના કોન્‍ટ્રાક્‍ટર પર ત્રણ  કારમાં આવેલા સાત જેટલા શખસોએ હુમલો કરી મારી નાંખવાની ધમકી આપતાં ફરિયાદ થઇ છે.

આ બનાવમાં બી-ડિવીઝન પોલીસે સાગર પાર્ક-૧ બ્‍લોક નં. ૫માં રહેતાં અજીમભાઇ ગનીભાઇ ધોણીયા (ઉ.વ.૩૫)ની ફરિયાદ પરથી રાજો જૂણેજા, અંકિત શાહ, કરણ ઉર્ફે ચોક્કો, જીતુ સુદાણી અને ત્રણ અજાણ્‍યા શખ્‍સો સામે ગુનો નોંધ્‍યો છે. અજીમભાઇ પરિવાર સાથે રહે છે અને સોલાર ફીટીંગનો કોન્‍ટ્રાકટ રાખી ગુજરાન ચલાવે છે. ૧૦મીએ રાતે પોણા બારેક વાગ્‍યે તે કામની સાઇટ પરથી ઘરે પહોંચ્‍યા ત્‍યારે શેરીમાં ગાડી પાર્ક કરતા હતાં તે વખતે રાજકોટ જુણેજા, અંકિત સહિતના શખ્‍સો સફેદ આઇ-૨૦ કાર જીજે૦૩એલજી-૦૯૧૪ તથા કીયા સેલ્‍ટોસ અને કાળી સ્‍વીફટમાંથી ઉતરીને પાસે આવ્‍યા હતાં. બાદમાં રાજો જુણેજાએ નજીક આવી કહેલું કે-તારો ભાઇ આવેશ ક્‍યાં છે? જેથી અજીમભાઈએ જણાવ્‍યું હતું ક-હું હમણાં જ સાઈટ પરથી ઘરે આવ્‍યો છું અને મને મારા ભાઈ અંગે કોઈ જાણ નથી. આ સાંભળતા જ રાજો જુણેજા ઉશ્‍કેરાઈ ગયો હતો અને કહ્યું હતું કે-તારા ભાઈ પાસે અમારે સાત લાખ રૂપિયા લેવાના બાકી છે, તે તું આપી દે.

આથી અજીમભાઈએ સ્‍પષ્ટતા કરી હતી કે હું-મારા ભાઈ સાથે ઘણા સમયથી બોલતો પણ નથી, તો તેના પૈસા હું શા માટે આપુ? આ સાંભળી રાજો સહિતના તમામ શખ્‍સોએ ઉશ્‍કેરાઇ જઇ ગાળાગાળી ચાલુ કરી હતી અને ઘેરી લઇ ઢીકાપાટુનો બેફામ માર માર્યો હતો. દેકારો થતાં આજુબાજુમાંથી લોકો એકઠા થઈ ગયા હતા અને તેને વધુ મારથી બચાવ્‍યા હતાં. લોકો ભેગા થઇ જતાં સાતેય હુમલાખોરો ભાગી ગયા હતાં. જતાં જતાં રાજો જુણેજાએ ધમકી આપી હતી કે-આ વખતે તો તને જીવતો જવા દઈએ છીએ, હવે પછી અમારી સામે ઊંચા અવાજે વાત કરીશ તો જાનથી મારી નાખશું.

આ હુમલામાં મુંઢ ઈજાઓ પહોંચતા અજીમભાઈએ બી-ડિવિઝન પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી હતી. પીઆઇ જી. આર. ચોૈહાણની રાહબરીમાં હેડકોન્‍સ. વાય. એન. મકવાણાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(2:15 PM IST)