<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th August 2026

સિવિલ હોસ્‍પિટલમાં થેલેસેમિયા પીડિત બાળકો માટે દવાઓ નથીઃ જવાબદાર ધારાસભ્‍યો-સાંસદો સામે કાર્યવાહી કરો

આમ આદમી પાર્ટીનું આવેદનઃ જન પ્રતિનિધીઓની ચૂપકિદીએ દુઃખદ બાબત છે

રાજકોટ, તા.૧૨: આમઆદમી પાર્ટીએ રાજકોટ કલેકટરને આવેદન પાઠવી  રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં થેલેસેમિયા પીડિત બાળકો માટે જરૂરી દવાઓ ઉપલબ્‍ધ ન હોવા અંગે સરકાર અને રાજકોટના ભાજપના ધારાસભ્‍યો-સાંસદોની નિષ્‍ક્રિયતા  સામે તાત્‍કાલિક કાર્યવાહી કરવા માંગણી કરી હતી.

 રાજકોટની સરકારી સિવિલ હોસ્‍પિટલમાં થેલેસેમિયા જેવી ગંભીર બીમારીથી પીડાતા આશરે ૫૦૦ જેટલા દર્દીઓ, જેમાં મોટી સંખ્‍યામાં બાળકોનો સમાવેશ થાય છે, તેઓ નિયમિત સારવાર અને દવાઓ પર નિર્ભર છે. તેમ છતાં આવા ગંભીર દર્દીઓ માટે જરૂરી દવાઓ ઉપલબ્‍ધ ન હોવાની ફરિયાદો સામે આવી રહી છે, જે અત્‍યંત ગંભીર અને ચિંતાજનક બાબત છે. -

વધુ ગંભીર બાબત એ છે કે હોસ્‍પિટલ તંત્ર તરફથી દવા ઉપલબ્‍ધ હોવાના નિવેદનો કરવામાં આવી રહ્યા હોવાનું સામે આવ્‍યું છે, જ્‍યારે દર્દીઓ અને તેમના પરિવારજનો દ્વારા કેટલીક જરૂરી દવા ઉપલબ્‍ધ ન હોવાની તથા ઉપલબ્‍ધ દવાની ગુણવત્તા અને અસરકારકતા અંગે પણ  પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે. આ વિરોધાભાસની તાત્‍કાલિક નિષ્‍પક્ષ તપાસ થવી જરૂરી છે.

રાજકોટમાં ભાજપના ધારાસભ્‍યો અને સાંસદ સભ્‍યો ચૂંટાઈને જનતાના પ્રતિનિધિ બન્‍યા છે. પરંતુ જ્‍યારે રાજકોટના ૫૦૦ જેટલા થેલેસેમિયા પીડિત દર્દીઓ અને માસૂમ બાળકોના જીવન સાથે જોડાયેલો પ્રશ્ન ઊભો થયો છે, ત્‍યારે આ જન પ્રતિનિધિ ઓની ચુપ્‍પી અત્‍યંત દુઃ ખદ અને શરમજનક છે. તેમ ઉમેર્યુ છે.

(2:59 PM IST)