<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th August 2026

મવડી વિસ્‍તારમાં બંધ ફ્‌લેટો બન્‍યા ગંદકીના ઘર! ૮ દિવસમાં સફાઈ નહીં થાય તો કાર્યવાહી

અંબિકા ટાઉનશીપ વિસ્‍તારના પંડિત દીનદયાળ ઉપાધ્‍યાય ટાઉનશીપના લાંબા સમયથી બંધ ફ્‌લેટોમાં ધૂળ-માટી, કચરો, જાળાં અને જીવજંતુઓનો ઉપદ્રવઃ આસપાસના રહીશોના આરોગ્‍ય સામે જોખમઃ એસોસિએશન મંડળે ફ્‌લેટધારકોને આપી નોટિસ

રાજકોટ, તા. ૧૨: શહેરના પંડિત દીનદયાળ ઉપાધ્‍યાય ટાઉનશીપમાં છેલ્લા લાંબા સમયથી બંધ પડેલા કેટલાક ફ્‌લેટો ગંદકી અને જીવજંતુઓના આશ્રયસ્‍થાન સમાન બની ગયા હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. બંધ ફ્‌લેટોની સમયસર સફાઈ નહીં થવાને કારણે તેની અંદર તેમજ આસપાસ ધૂળ-માટી, કચરો, જાળાં, જીવાતો અને દુર્ગંધનું સામ્રાજ્‍ય સર્જાતું હોવાથી આસપાસ રહેતા પરિવારોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આ મામલે ટાઉનશીપના એસોસિએશન મંડળ દ્વારા સંબંધિત ફ્‌લેટધારકોને નોટિસ ફટકારી આઠ દિવસમાં સફાઈ કરાવવા તાકીદ કરવામાં આવી છે.

પંડિત દીનદયાળ ઉપાધ્‍યાય ટાઉનશીપના એસોસિએશન મંડળ દ્વારા જારી કરાયેલી નોટિસમાં જણાવાયું છે કે કેટલાક ફ્‌લેટધારકો છેલ્લા ચાર વર્ષથી પોતાના ફ્‌લેટમાં રહેવા આવ્‍યા નથી અને ફ્‌લેટ લાંબા સમયથી બંધ હાલતમાં છે. આવા બંધ ફ્‌લેટોની નિયમિત સફાઈ નહીં થવાના કારણે ફ્‌લેટની અંદર અને આસપાસના વિસ્‍તારોમાં ગંદકીનું ઙ્કમાણ વધી રહ્યું છે.

બંધ ફ્‌લેટોમાં જાળાં, મચ્‍છર, વંદા, ભીત ગરોળીઓ સહિતના જીવજંતુઓ તથા ધૂળ-માટી અને કચરાનો ઉપદ્રવ થતો હોવાથી દુર્ગંધ ફેલાઈ રહી હોવાનું પણ રજૂઆતમાં જણાવાયું છે. જેના કારણે આજુબાજુમાં રહેતા અન્‍ય ફ્‌લેટધારકો અને તેમના પરિવારજનોને આરોગ્‍ય તથા સ્‍વચ્‍છતા સંબંધિત મુશ્‍કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

આઠ દિવસનું અલ્‍ટીમેટમ

એસોસિએશન મંડળે સંબંધિત ફ્‌લેટધારકોને નમ્ર પરંતુ કડક સૂચના આપતા જણાવ્‍યું છે કે નોટિસ મળ્‍યાના ૮ દિવસની અંદર પોતાના બંધ ફ્‌લેટની સંપૂર્ણ સફાઈ કરાવી ધૂળ-માટી, કચરો અને અન્‍ય ગંદકીનો યોગ્‍ય રીતે નિકાલ કરવામાં આવે.

સાથે જ ફ્‌લેટની અંદર જીવાતો, મચ્‍છર, વંદા, ભીત ગરોળીઓ અથવા અન્‍ય કોઈ કારણસર ગંદકી કે દુર્ગંધ ઉત્‍પન્ન થતી હોય તો તેની પણ તાત્‍કાલિક વ્‍યવસ્‍થા કરવા જણાવાયું છે.

સફાઈ નહીં થાય તો જવાબદારી ફ્‌લેટ ધારકની

નોટિસમાં ચેતવણી આપવામાં આવી છે કે નિર્ધારિત આઠ દિવસની સમયમર્યાદામાં ફ્‌લેટની સફાઈ કરવામાં નહીં આવે તો એસોસિએશન મંડળ દ્વારા લાગુ પડતી કાયદાકીય જોગવાઈઓ મુજબ આગળની જરૂરી કાર્યવાહી કરવામાં આવશે અને તેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત ફ્‌લેટધારકની રહેશે.

અંતમાં તમામ ફ્‌લેટધારકોને આ બાબતને ગંભીરતાથી લઈ ટાઉનશીપની સ્‍વચ્‍છતા, આરોગ્‍ય અને આસપાસના રહીશોના હિતમાં જરૂરી સહકાર આપવા એસોસિએશન મંડળ દ્વારા અપીલ કરવામાં આવી છે.

(2:59 PM IST)