<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th August 2026

રાજકોટના મહમદને રૂા. ૪.૯૫ લાખનો ગાંજો પહોંચાડે એ પહેલા બિહારનો ઉપેન્‍દ્ર ઝડપાયો

કુવાડવા ચોકડીએથી પકડી લેવાયોઃ અગાઉ પણ ત્રણો ખેપ ગયાનું રટણઃ રિમાન્‍ડની તજવીજ : પીઆઇ એન. બી. ચોધરી, પીએસઆઇ વી. વી. ધ્રાંગુ અને ટીમની કામગીરીઃ ફિરોઝભાઇ રાઠોડ, ઇન્‍દ્રસિંહ જાડેજાની બાતમી

 

રાજકોટ તા. ૧૩: શહેર એસઓજીની ટીમે વધુ એક વખત માદક પદાર્થની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. બિહારથી રાજકોટના મહમદ નામના શખ્‍સને પાંચ લાખનો ગાંજો પહોંચાડવા આવી રહેલા બિહારી શખ્‍સને કુવાડવા ચોકડી પાસે જ દબોચી લીધો હતો.  આ શખ્‍સ અગાઉ પણ આ રીતે ફેરો કરી ગયાની શંકાએ વિશેષ પુછતાછ માટે રિમાન્‍ડ મેળવવા તજવીજ કરવામાં આવશે.

શહેરના યુવાધનને માદક દ્રવ્‍યોના નશાના રવાડે ચડતું અટકાવવા અને આવા પદાર્થોની હેરાફેરી, વેંચાણ અટકાવવા એસઓજીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે  એએસઆઇ ફિરોઝભાઇ રાઠોડ તથા ઇન્‍દ્રસિંહ જાડેજાને બાતમી મળી હતી કે એક શખ્‍સ કે જેણે સફેદ ટી-શર્ટ અને બ્‍લુ જીન્‍સ પહેર્યુ છે તે માદક પદાર્થના જથ્‍થા સાથે કુવાડવા તરફથી રાજકોટ તરફ આવવાનો છે. આ બાતમીને આધારે કુવાડવા ચોકડીએ વોચ રાખતાં બાતમી મુજબનો શખ્‍સ થેલા સાથે આવતાં જ દબોચી લીધો હતો. તેની પાસેના થેલાની તપાસ કરતાં અંદરથી રૂા. ૪,૯૫,૦૦૦નો ૯.૯૦૦ ગ્રામ ગાંજો મળી આવ્‍યો હતો. એફએસએલ અધિકારી સમીર જોષી પાસે પરિક્ષણ કરાવ્‍યા બાદ આ મામલે કુવાડવા પોલીસમાં ગુનો દાખલ કરાવ્‍યો હતો.

ઝડપાયેલા શખ્‍સની પુછતાછમાં તેણે પોતાનું નામ ઉપેન્‍દ્ર બહાદુરરામ પાસવાન (ઉ.વ.૩૫-રહે. વોર્ડ નં. ૧, ગનોૈલી ગામ, ધમાર થાના મુફાશીલ જી. ભોજપુર-બિહાર) જણાવ્‍યું હતું. પોતે ત્‍યાં છુટક કામ કરતો હોવાનું અને રાજકોટના કોઇ મહમદ નામના શખ્‍સને તે આ ગાંજો આપવા આવી રહ્યાનું કબુલતાં પોલીસે આ શખ્‍સની શોધખોળ શરૂ કરી છે. પ્રાથમિક પુછતાછમાં ઉપેન્‍દ્રએ કબુલ્‍યું હતું કે અગાઉ પણ ત્રણેક વખતે તે આ રીતે ખેપ મારી ગયો હતો. જો કે સાચી વિગતો ઓકાવવા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્‍ય માંડલિક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એન. બી. ચોૈધરી, પીએસઆઇ વી. વી. ધ્રાંગુ, એએસઆઇ અરૂણભાઇ બાંભણીયા, ફિરોઝભાઇ રાઠોડ, ઇન્‍દ્રસિંહ જાડેજા, વિરેન્‍દ્રસિંહ ઝાલા, હેડકોન્‍સ. હાર્દિકસિંહ પરમાર, દિગ્‍વીજયસિંહ ગોહિલ, કોન્‍સ. યોગેન્‍દ્રસિંહ ઝાલા, કોન્‍સ. મોનાબેન બુસા, ડ્રા. કોન્‍સ. નિર્મળસિંહે આ કામગીરી કરી હતી.

(11:43 AM IST)