<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th August 2026

શ્વાન આડુ ઉતરતાં રેપીડો બાઇક સ્‍લીપ થયું, પડી ગયા બાદ ટેન્‍કર નીચે કચડાતા શિક્ષિકાનું મોત

એકલૌતી પુત્રીના મોતથી રૈયા રોડ એટલાન્‍ટીક હિલના પરિવારમાં કલ્‍પાંત : મૈત્રી કરારથી રહેતા પ્રિયંકાબેન દોશી રેપીડો બાઇકમાં ઘરે જઇ રહયા હતાઃ શિતલ પાર્ક મેઇન રોડ પર અકસ્‍માત નડયો

રાજકોટ, તા. ૧૩: રાજકોટમાં એક ગોજારો અકસ્‍માત સર્જાયો છે. મૈત્રી કરાર કરીને રહેતી શિક્ષકા સ્‍કુલ નજીકથી રેપીડો બાઇકમાં ઘરે જઇ રહી હતી ત્‍યારે શિતલપાર્ક મેઇન રોડ પર બાઇક આડે શ્વાન ઉતરતા રેપીડો બાઇક ચાલક અને શિક્ષકા ફંગોળાઇને રોડ પર પટકાયા હતા. જેમાં શિક્ષકા નજીકમાંથી પસાર થઇ રહેલા ડિઝલ ટેન્‍કરના ટાયર નીચે કચડાઇ જતા તેનુ મૃત્‍યુ નિપજયુ હતું.

આ મામલે ગાંધીગ્રામ પોલીસે મૃતક શિક્ષિકા પ્રિયંકાબેન (ઉ.વ. ર૮) ના પિતા યોગેશભાઇ મગનભાઇ દોશી ઉ.વ. ૬૧ રહે. ૧૦૩-એફ એટલાન્‍ટીક હિલ, રૈયા રોડના ફરીયાદ પરથી ટેન્‍કર ચાલક સામે ગુનો દાખલ કરી ધરપકડ કરવા કવાયત શરૂ કરી છે.

યોગેશભાઇએ ફરીયાદમાં જણાવ્‍યુ કે, તેને સંતાનમાં એક પુત્રી પ્રિયંકાબેન હતી. તેણે મૈત્રી કરાર કર્યા હતાં.

આ દરમિયાન તેને સંતાનમાં એક પુત્ર શિવમ (ઉ.વ.ર) ની પ્રાપ્તી થઇ હતી. છેલ્લા બે વર્ષથી તેની પુત્ર તેની અને તેના સાસુ ઘનલક્ષ્મીબેન વ્‍યાસ (રહે. ક્રિષ્‍ના હાઇટસ) સાથે પણ રહેતી હતી.

તેની પુત્રી નાના મવામાં નીચકેતા સ્‍કુલમાં શિક્ષિકા તરીકે નોકરી કરતી હતી.

ગઇકાલે બપોર તે ઘરે હતા. પત્‍ની નિલીમાં દોશીએ ફોન કરી તાત્‍કાલીક સિવિલ હોસ્‍પિટલ આવો કહેતા તે ત્‍યાં પહોંચ્‍યા હતાં. જયાં તેની પુત્રી પ્રિયંકાબેન ઇજાગ્રસ્‍ત અને બેભાન હાલતમાં જોવા મળી હતી. આ સમયે ત્‍યાં હાજર રેપીડો બાઇકના ચાલક શિવમ ચાવડાએ તેને જણાવ્‍યું કે, પ્રિયંકાબેન રવિ ક્રિષ્‍ના હાઇટસમાં તેના ઘરે રેપીડો બાઇકમાં બેસી જઇ રહ્યા હતા ત્‍યારે શિતલ પાર્ક મેઇન રોડ પર આર.કે. હાઇટસના ખુણા પાસેથી પસાર થતી વખતે બાઇક આગળ શ્વાન ઉતરતા બને બાઇક સહિત પડી ગયા હતા. આ સમયે બાજુમાંથી પસાર થતા ડિઝલ ટેન્‍કરની હડફેટે પ્રિયંકાબેન ચડી જતા કમર અને પગના ભાગે ગંભીર ઇજા થતા સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતા. જયાં સારવાર દરમ્‍યાન તેનુ મૃત્‍યુ નિપજ્‍યુ હતું.

ગાંધીગ્રામ પોલીસ મથકના હેડ કોન્‍સ્‍ટેબલ એમ.જી. જાડેજાએ ગુનો દાખલ કરી ટેન્‍કર ચાલકની ધરપકડ કરવા માટે કવાયત શરૂ કરી છે. અકસ્‍માતમાં એકને એક પુત્રીના મોતથી દોશી પરિવારમાં કલ્‍પાંત સર્જાયો છે.(૬

(2:37 PM IST)