હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
આજી રિવરફ્રન્ટ- પાણીજન્ય રોગ- ખાડા- ડીમોલીશનના પ્રશ્નો ઉઠાવશે કોંગ્રેસ કોર્પોરેટરો
મનપાના જનરલ બોર્ડમાં શાસકોની થશે અગ્નિપરિક્ષા : કોંગ્રેસના સાત કોર્પોરેટરો દ્વારા પૂછાનારા પ્રશ્નોની યાદી જાહેર કરતા શહેર કોંગ્રેસ પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજા

રાજકોટ,તા.૧૩: મહાનગરપાલિકાની આગામી ૨૦ ઓગસ્ટે મળનાર જનરલ બોર્ડ બેઠકમાં કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા શહેરના વિવિધ પ્રશ્નો અને મહાનગરપાલિકાની કામગીરીને લઈને સત્તાધીશો સમક્ષ અનેક સવાલો ઉઠાવવામાં આવશે. રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજાએ કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા જનરલ બોર્ડમાં પૂછવામાં આવનારા પ્રશ્નોની યાદી જાહેર કરી છે.
શહેર કોંગ્રેસના જણાવ્યા અનુસાર રાજકોટની પ્રજાને પોતાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા જનરલ બોર્ડમાં કયા પ્રશ્નો પૂછવામાં આવે છે અને તેના પર શું કાર્યવાહી કે નિરાકરણ થાય છે તે જાણવાનો સંપૂર્ણ અધિકાર છે. આ હેતુથી કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા પૂછવામાં આવનારા પ્રશ્નો જાહેર કરવામાં આવ્યા છે.
કોર્પોરેટર મકબુલ દાઉદાણી દ્વારા આજી નદીમાંથી ગાંડીવેલ દૂર કરવા મહાનગરપાલિકાએ શું કાર્યવાહી કરી છે તે અંગે સવાલ પૂછવામાં આવશે. વર્ષ ૨૦૧૨માં રિવરફ્રન્ટ જાહેર થયા બાદ આજદિન સુધી કેટલો ખર્ચ કરવામાં આવ્યો, કઈ કામગીરી કરવામાં આવી અને કયા સાધનોની ખરીદી કરવામાં આવી તેની યાદી તથા હાલની સ્થિતિની વિગતો પણ માંગવામાં આવશે.
આ ઉપરાંત મહાનગરપાલિકાની તમામ શાખાઓની છેલ્લા છ મહિનાની કામગીરીની વિગતો તેમજ વોર્ડ નં. ૧થી ૧૮માં રાત્રિના સમયે કોમ્પ્રેસર, રોડ સ્વીપર કે સ્ટ્રીટ સ્વીપર મશીન દ્વારા થતી સફાઈના કોન્ટ્રાક્ટ અંગે એજન્સી, સમયગાળો, આવરી લેવાતા રસ્તાઓ, ઉપલબ્ધ વાહનો અને સફાઈના સમય સહિતની સંપૂર્ણ વિગતો માંગવામાં આવશે.
કોર્પોરેટર સુધાબા વાઘેલા છેલ્લા બે મહિનામાં રાજકોટમાં કેટલા પાણીજન્ય રોગોના કેસ નોંધાયા તે અંગે જવાબ માંગશે. વરસાદી સિઝનમાં કેટલા રસ્તાઓનું ધોવાણ થયું, કેટલા રસ્તાઓ પરથી ડામર ઉખડી ગયો અને તેને ફરી રિપેર કરવા માટે અંદાજે કેટલો ખર્ચ થશે તે અંગે પણ પ્ર‘ પૂછવામાં આવશે.
કોર્પોરેટર મનિષાબેન રોજાસરા મહાનગરપાલિકામાં ઝેરોક્ષ કામગીરી માટે આપવામાં આવેલા કોન્ટ્રાક્ટ અંગે સવાલ ઉઠાવશે. એક ઝેરોક્ષ કોપી માટે કોર્પોરેશન કેટલા રૂપિયા ચૂકવે છે, કઈ એજન્સીને કેટલા સમયથી અને કેટલા વર્ષ માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તેમજ વિવિધ વિભાગોમાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન કેટલી ઝેરોક્ષ કોપી કરવામાં આવી અને તેના પેટે કેટલી રકમ ચૂકવવામાં આવી તેનો હિસાબ માંગવામાં આવશે.
આ ઉપરાંત હાલમાં રાજકોટમાં કેટલી સિટી બસ કાર્યરત છે, તેના પ્રકાર, ડ્રાઇવરોની સંખ્યા, વાહનોના વીમા, લાઇસન્સ અને ભ્શ્ઘ્ સહિતની વિગતો તથા ડ્રાઇવરોની અછત અંગે પણ જવાબ માંગવામાં આવશે.
કોર્પોરેટર અર્જુનભાઈ ચૌહાણ ડોર-ટુ-ડોર કચરો એકત્ર કરતા ટીપરવાનના કર્મચારીઓને સમયસર પગાર મળે છે કે નહીં, સરકાર દ્વારા નક્કી કરાયેલા લઘુત્તમ વેતન મુજબ ચૂકવણી થાય છે કે નહીં અને કોન્ટ્રાક્ટર મારફતે કામ કરતા કર્મચારીઓને નક્કી થયેલી પૂરી રકમ મળે છે કે કેમ તે અંગે પ્રશ્ન પૂછશે.
મહાનગરપાલિકાની જનકલ્યાણ યોજનાઓની સંખ્યા, દરેક યોજનામાં નક્કી કરાયેલા લાભાર્થીઓ, મળેલી અરજીઓ, ખરેખર લાભ મેળવનારા લોકો તેમજ ફાળવાયેલી અને વપરાયેલી રકમનો હિસાબ પણ માંગવામાં આવશે. સ્વચ્છતા અભિયાન હેઠળ વર્ષ ૨૦૧૮થી અત્યાર સુધી ડસ્ટબીન વિતરણની વોર્ડવાઇઝ વિગતો પણ માંગવામાં આવશે.
કોર્પોરેટર દિપ્તીબેન સોલંકી દ્વારા ૧ એપ્રિલ ૨૦૨૬થી અત્યાર સુધી વોર્ડ નં. ૧થી ૧૮માં લેવામાં આવેલા પાણીના નમૂના, કરાયેલા ટેસ્ટ અને તેના રિપોર્ટ અંગે વિગતો માંગવામાં આવશે. જે વિસ્તારોમાં પાણીના નમૂના નિષ્ફળ ગયા હોય તેની વિગતો, ગંદા કે ડહોળા પાણીની ફરિયાદોના કારણો અને તેના નિવારણ માટે કરાયેલી કાર્યવાહી અંગે પણ જવાબ માંગવામાં આવશે.
વરસાદના કારણે શહેરના વિવિધ વોર્ડમાં પડેલા મોટા ખાડાઓનું મેટલિંગ અને રિપેરિંગ કયારે કરવામાં આવશે તથા ખાડાને કારણે ગંભીર અકસ્માત કે જાનહાનિ થાય તો જવાબદારી કોની રહેશે તેવો સવાલ પણ ઉઠાવવામાં આવશે.
અટલ સરોવરનું કામ કયારે પૂર્ણ થશે, આજદિન સુધી તેના પાછળ કેટલો ખર્ચ થયો અને રાજ્ય સરકાર, મહાનગરપાલિકા તથા અન્યસ્ત્રોતમાંથી કેટલી ગ્રાન્ટ મળી છે તેનો સંપૂર્ણ હિસાબ પણ માંગવામાં આવશે.
કોર્પોરેટર ઇબ્રાહીમભાઈ સોરા વોર્ડ નં. ૧૬માં નદીકાંઠે રિવરફ્રન્ટ માટે મકાનોના ડિમોલેશન બાદ નીકળેલા કાટમાળનો કોન્ટ્રાક્ટ કોને આપવામાં આવ્યો હતો અને તેની ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી કે કેમ તે અંગે સવાલ કરશે. ફોટોગ્રાફી માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી કે કોઈ એજન્સીને કામગીરી સોંપવામાં આવી હતી તેની વિગતો પણ માંગવામાં આવશે.
કાવેરી એપાર્ટમેન્ટ પાસેથી શરૂ થઈ રિંગરોડ સાથે જોડાતા ૮૦ ફૂટના ટીપી રોડને કયા કારણોસર બંધ રાખવામાં આવ્યો છે તે અંગે પણ જવાબ માંગવામાં આવશે.
કોર્પોરેટર રસીલાબેન ગરૈયા આજી નદીની વર્ષમાં કેટલી વખત સફાઈ કરવામાં આવે છે અને તેના પાછળ કેટલો ખર્ચ થાય છે તેની વિગતો માંગશે.
કરોડો રૂપિયાના ખર્ચે બનેલા રામવનમાં મહિલાઓ અને બાળકો માટે હાલમાં કઈ કઈ સુવિધાઓ ઉપલબ્ધ છે, આસપાસ પૂરતી લાઇટિંગ છે કે નહીં, પ્રવાસીઓ માટે કેન્ટીન તથા ગરમ નાસ્તાની વ્યવસ્થા છે કે કેમ અને આખો દિવસ પિકનિક માટે આવતા લોકો માટે જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ છે કે નહીં તે અંગે પણ સવાલ કરવામાં આવશે.રામવન સુધી રાજકોટવાસીઓ માટે સિટી બસની સુવિધા ઉપલબ્ધ છે કે નહીં અને બસની સુવિધા હોય તો તે રામવનના ગેટ સુધી પહોંચે છે કે કેમ તેની વિગતો પણ જનરલ બોર્ડમાં માંગવામાં આવશે.
આમ, આગામી જનરલ બોર્ડમાં કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા આજી નદી અને રિવરફ્રન્ટથી લઈને પાણીની ગુણવત્તા, રસ્તાની હાલત, સિટી બસ, સફાઈ કર્મચારીઓ, જનકલ્યાણ યોજનાઓ, અટલ સરોવર અને રામવન સુધીના નાગરિકોને સીધી અસર કરતા મુદ્દાઓ સત્તાધીશો સમક્ષ ઉઠાવવામાં આવશે










