<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th August 2026

રાજકોટ લોકમેળોઃ રમકડાના બાકી રહેલા ૧૧ સ્‍ટોલ પણ વેચાઇ ગયાઃ પોલીસ તંત્ર દ્વારા ૧૫ સ્‍થળે પાર્કીંગ જાહેર

લાખોની ભીડને કાબૂમાં રાખવા પ્રથમ વખત ‘AI' નો ઉપયોગઃ હજુ ખાણીપીણીના ૫ સ્‍ટોલ પડતર..

રાજકોટ, તા.૧૩: રાજકોટના આંગણે યોજાતા પરંપરાગત અને લોકપ્રિય સાતમ-આઠમના લોકમેળાને  આખરી ઓપ અપાઇ રહયો છે. મેળામાં પ્‍લોટ અને સ્‍ટોલની ફાળવણી પ્રક્રિયા દરમિયાન બાકી રહેલા રમકડાંના ૧૧ સ્‍ટોલની સફળતાપૂર્વક ફાળવણી કરી દેવામાં આવી છે. એ માત્ર ખાણીપીણીના ૫ સ્‍ટોલ પડતર  રહયા છે. જેનું હજુ સૂધી કોઇ લેવાલ નથી.

મેળા સમિતિ દ્વારા પારદર્શક પ્રક્રિયા મારફતે બાકી રહેલા ૧૧ રમકડાંના સ્‍ટોલ માટે આયોજન કરવામાં આવ્‍યું હતું. આ સ્‍ટોલ મેળવવા માટે અનેક વેપારીઓએ રસ દાખવ્‍યો હતો. ડ્રો અને નિયત પ્રક્રિયા પૂર્ણ કરીને તમામ ૧૧ સ્‍ટોલ યોગ્‍ય દાવેદારોને ફાળવી દેવાયા છે. આ સાથે જ રમકડાંના વિભાગની તમામ જગ્‍યાઓની ફાળવણી આખરી થઈ ગઈ છે.રમકડાંના સ્‍ટોલની ફાળવણી પૂર્ણ થયા બાદ હવે તંત્રનું ધ્‍યાન ખાણી-પીણીના બાકી રહેતા સ્‍ટોલ પર કેન્‍દ્રિત થયું છે.મેળામાં આવતા લાખ્‍ખો લોકો માટે શુદ્ધ અને ગુણવત્તાસભર વાનગીઓ મળી રહે તે માટે તંત્ર કટિબદ્ધ છે.ખાણી-પીણીના બાકી રહેલા સ્‍ટોલની ફાળવણી પણ આગામી ટૂંક જ સમયમાં પૂર્ણ કરી દેવામાં આવશે.મેળામાં આવતા સ્‍ટોલ ધારકો અને મુલાકાતીઓની સુરક્ષા માટે ફાયર સેફ્‌ટી, વીજ કનેક્‍શન અને એન્‍ટ્રી-એક્‍ઝિટ પોઈન્‍ટ અંગેના કડક નિયમો લાગુ કરવામાં આવ્‍યા છે.

દરમિયાન કલેકટર કચેરીના અધીકારી સુત્રોના કહેવા મુજબ  સૌરાષ્‍ટ્રભરના ગામડાઓમાંથી આવતી પ્રજા માટે જુદી જુદી ૧૫થી વધુ જગ્‍યાએ ફ્રી ર્પાકિંગની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.ઉપરાંત ખાનગી સિકયોરીટી ગાર્ડ પણ ફરજ બજાવશે. જનતાની સુરક્ષા માટે પાંચ વોચટાવર ઉપર સીસીસી ટીવી કેમેરાથી વોચ રખાશે. આ અંગે પોલીસ તંત્ર અલગ રીતે કાર્યવાહી કરી રહયું છે. આ ઉપરાંત લોકમેળામાં સુરક્ષા વ્‍યવસ્‍થા પર ખાસ ધ્‍યાન કેન્‍દ્રિત કરાયું છે.૧૦ થી ૧૨ લાખ લોકોની ભીડને ધ્‍યાનમાં રાખીને, સૌપ્રથમ વખત આર્ટિફિશિયલ ઈન્‍ટેલિજન્‍સ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.

(3:40 PM IST)