<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th August 2026

બજાર કરતાં ૫૦ ટકા ઓછા ભાવે સોનાના બિસ્‍કીટની લાલચ આપી ભુવાજીએ કરી ૩૫.૩૦ લાખની ઠગાઇ

જુના માર્કેટ યાર્ડ પાસે રહેતાં કમલેશભાઇ મકવાણા અને તેના બે મિત્રો સાથે ઠગાઇ : બિસ્‍કીટ ન મળતાં નાણા પાછા મંગાતા કાળુ ભુવાએ કહ્યું-હાલમાં અમેરિકાનું યુધ્‍ધ ચાલુ છે એટલે ઉપરથી માલ આવવામાં વાર લાગશેઃ છેલ્લે કંડલામાં બિસ્‍કીટ પહોંચી ગયા, છોડાવવા માટે પૈસા જોશે

રાજકોટ તા. ૧૩: સસ્‍તા સોનાના નામે અને ડોલરને ભારતીય કરન્‍સીમાં બદલી આપવાના નામે પોતાને ભુવાજી તરીકે ઓળખાવતા હસનવાડીમાં રહેતાં મુળ બોટાદ પંથકના શખ્‍સે જુના યાર્ડ પાસે રહેતાં પશુપાલક ભરવાડ આધેડ અને તેમના બે મિત્રોને છેતરી રૂા. ૩૫,૩૦,૦૦૦ની ઠગાઇ કરતાં પોલીસે તપાસ શરૂ કરી છે. માતાજીનું અનુષ્‍ઠાન ચાલુ છે કહી પશુપાલનની જ રૂમ ભાડે રાખી બાદમાં આ ભુવાજીએ પોતાની પાસે દસ કિલો સોનુ રાખવાનું લાયસન્‍સ છે, બજાર કરતાં ૫૦ ટકા ઓછા ભાવે સોનુ દુબઇથી આવે છે તેમ કહી નાણા પડાવ્‍યા હતાં.

આ બનાવમાં બી-ડિવીઝન પોલીસે જુના માર્કેટ યાર્ડ પાસે વેરહાઉસના દરવાજા સામે મંછાનગર મેઇન રોડ પર રહેતાં અને પશુપાલન કરી ગુજરાન ચલાવતાં કમલેશભાઇ લક્ષમણમાઇ મકવાણા (ઉ.વ.૪૬)ની ફરિયાદ પરથી હસનવાડી-૨ રણછોડભાઇ રવજીભાઇના મકાનમાં ભાડેથી રહેતાં  મુળ બોટાદના ગઢડા તાબેના જલાલપુરના કાળુ માનસિંગભાઇ પઢીયાર વિરૂધ્‍ધ બજાર કરતાં ૫૦ ટકા સસ્‍તા ભાવે સોનાનું ૧૦૦ ગ્રામનું બિસ્‍કીટ આપવાની લાલચ આપી રૂા. ૩૫,૩૦,૦૦૦ની ઠગાઇ કરવાનો ગુનો નોંધ્‍યો છે.

કમલેશભાઇ મકવાણા-ભરવાડ પરિવાર સાથે રહે છે અને પશુપાલન કરે છે. તેણે ફરિયાદમાં જણાવ્‍યું છે કે ઓગષ્‍ટ-૨૦૨૫માં અમારા પાડોશમાં રહેતાં અને સીટ કવરનું કામ કરતાં ચંદ્રેશભાઇ પીઠડીયા મારફત મારો સંપર્ક હસનવાડીમાં રહેતાં કાળુભાઇ પઢીયાર સાથે થયો હતો. તેણે પોતે માતાજીના ભુવા છે અને માતાજીનું અનુષ્‍ઠાન ચાલુ હોઇ એક ભાડાની રૂમની જરૂર છે તેમ કહેતાં મેં તેને અમારી ગાયો માટે ચારો રાખવાની રૂમ ખાલી કરી આપી હતી. જેથી તે એકલા આ રૂમમાં રહેવા આવ્‍યા હતાં. તે રૂમ બંધ કરી માતાજીનું અનુષ્‍ઠાક કરત)ં રહેતાં હતથાં. રાતના સમયે તેને ઘણા લોકો મળવા આવતા જતાં  હતાં.

થોડા દિવસો બાદ કાળુભાઈએ કમલેશભાઈને કહેલું કે પોતાની પાસે ૧૦ કિલો સોનાનું લાયસન્‍સ હોવાનો અને દુબઈથી બજાર ભાવ કરતા ૫૦ ટકા સસ્‍તા ભાવે સોનું આવતુ હોવાનો દાવો કર્યો હતો. ત્‍યારબાદ ૧૦૦ ગ્રામનું સોનાનું બિસ્‍કિટ રૂ. ૮,૦૦,૦૦૦માં આપવાની વાત કરી સેમ્‍પલ તરીકે એક બિસ્‍કિટ આપ્‍યું હતું. કમલેશભાઈએ સોની બજારમાં ભગવતી જ્‍વેલર્સમાં જઈ બિસ્‍કિટ ચેક કરાવતા તે અસલી હોવાનું બહાર આવ્‍યું હતું. આથી ફરિયાદીને કાળુભાઈ પર વિશ્વાસ બેસી ગયો હતો.

સોનું અસલી હોવાની ખાતરી થતાં કમલેશભાઈએ બે બિસ્‍કિટ લેવાની ઈચ્‍છા દર્શાવી હતી. આરોપીએ એડવાન્‍સ રકમ પેટે રૂપિયા માગતા કમલેશભાઇએ અલગ-અલગ તારીખે બેંક ખાતામાં તથા રોકડા મળીને કુલ નાણાં ચુકવ્‍યા હતાં. જેમાં ઉજ્જવલ સ્‍મોલ ફાયનાન્‍સ બેંકના ખાતામાં ૧.૨૦ લાખ, પત્‍નિના દાગીના પર એસબીઆઇમાંથી ગોલ્‍ડ લોન મેળવીને રૂા. ૬,૫૦,૦૦૦ રોકડા તથા ૧૩/૧૦/૨૫ના રોજ સંતાનોના લગ્ન માટે ભેગા કરેલા રૂા. ૫,૦૦,૦૦૦ આપ્‍યા હતાં. આ પછી આ ભુવા કાળુભાઇ પાસેથી સોનાના બિસ્‍કીટ માંગતા તેણે અલગ અલગ બહાના બતાવ્‍યા હતાં. તેમજ હાલમાં અમેરિકામાં યુધ્‍ધ ચાલુ હોવાથી જહાજ આવતાં નથી, માલ આવવામાં વાર લાગશે તેમ કહ્યું હતું. આ પછી કંડલા પોર્ટ ખાતે સોનાના બિસ્‍કીટ આવી ગયા છે, માલ છોડાવવા પૈસા ભરવા પડશે તેમ કહી વધુ રૂા. ૨,૪૦,૦૦૦ રોકડા કમલેશભાઇ પાસેથી લઇ લીધા હતાં.

આ રીતે કમલેશભાઇ પાસેથી સોનાના બિસ્‍કિટ પેટે કુલ રૂ. ૧૫,૯૦,૦૦૦ પડાવી લેવામાં આવ્‍યા હતા. જો કે પોતાને બિસ્‍કીટ ન મળતાં કમલેશભાઇને શંકા ઉપજતાં નાણા પાછા માંગતા કાળુભાઇએ દસ લાખનો ચેક આપ્‍યો હતો. પરંતુ તે બાઉન્‍સ થયો હતો.  આ ઉપરાંત આરોપીએ ફરિયાદીની રૂ. ૧,૦૦,૦૦૦ ની ટાટા સફારી ગાડી જીજે૦૧કેબી-૨૯૫૦ પણ કાળુભાઇએ ખરીદી  ખરીદી માત્ર રૂ. ૪૦,૦૦૦ આપ્‍યા હતા અને બાકીના રૂ. ૬૦,૦૦૦ આપ્‍યા વગર ગાડી અન્‍ય વ્‍યક્‍તિના નામે ટ્રાન્‍સફર કરાવી લીધી હતી.

પોલીસ તપાસમાં સામે આવ્‍યું છે કે આરોપી કાળુભાઈ પઢીયારએ માત્ર કમલેશભાઈ જ નહીં પરંતુ રાજકોટના અન્‍ય બે વ્‍યક્‍તિઓને પણ પોતાની જાળમાં ફસાવ્‍યા હતાં. જેમાં કમલેશભાઇના મિત્ર  વિનયસિંહ દિલુભા જાડેજાને પણ સોનાના બિસ્‍કિટ અપાવવાના નામે તેમની પાસેથી રૂ. ૯,૫૦,૦૦૦ તેમજ  યાજ્ઞિકભાઈ રમણીકભાઈ મોલીયા પાસેથી યુએસ ડોલરને ભારતીય કરન્‍સીમાં બદલી આપવાની લાલચ આપી રૂ. ૯,૩૦,૦૦૦ ની છેતરપિંડી પણ કરી હોવાનું ખુલ્‍યું હતું. આમ ત્રણેય પાસેથી કુલ રૂ. ૩૫,૩૦,૦૦૦ મેળવી લઇ ઠગાઇ કરી હતી. બી-ડિવીઝન પીઆઇ જી. આર. ચોૈહાણે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(3:22 PM IST)