તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 14th August 2026
રૂડા ટ્રાન્સપોર્ટનગરમાં બી-ગ્રેડ કેમિકલ બનાવી ડીઝલની અવેજીમાં વેંચવાનું કારસ્તાનઃ બે પકડાયા
ચાર મહિનાથી ટ્રકચાલકોને વેંચાણ થતું હતું: એસઓજીએ ગેરકાયદે જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો કબ્જે કર્યો : ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બસીયાની સુચના અંતર્ગત એસઓજી પીઆઇ એન. બી. ચોૈધરી, કુવાડવા પીઆઇ એ. એન. જાની અને ટીમનો દરોડોઃ જયદિપસિંહ, ઉપેન્દ્રસિંહ, યશપાલસિંહની બાતમીઃ નમુના એફએસએલમાં મોકલાયા

રાજકોટ તા. ૧૪: કુવાડવા રોડ પર રૂડા ટ્રાન્સપોર્ટનગરમાં ગેરકાયદેસર જ્વલનશીલ પ્રવાહી બનાવી ડીઝલની અવેર્જીમાં વેંચાણ કરવાનું કારસ્તાન શહેર એસઓજીએ પકડી પાડી બે શખ્સને સકંજામાં લઇ મુદ્દામાલ કબ્જે કરી પ્રવાહીના નમુના એફએસએલમાં મોકલ્યા છે. ચારેક મહિનાથી આ શખ્સો રૂપિયા ૮૫ના લિટર લેખે ટ્રકચાલકોને આ પ્રવાહીનું વેંચાણ કરતાં હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું.
શહેરમાં ગેરકાયદે જ્વલનશીલ પદાર્થના ખરીદ-વેચાણ કે સંગ્રહ કરનારા શખ્સો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવાની સુચના આપવામાં આવી હોઇ એસઓજીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોન્સ. જયદીપસિંહ ચૌહાણ, ઉપેન્દ્રસિંહ ઝાલા તથા કોન્સ. મહિપાલસિંહ ઝાલાને સંયુક્ત બાતમી મળી હતી કે અગાઉ ગેરકાયદે બાયોડીઝલના વેચાણમાં પકડાયેલ મહેલમભાઇ ફિરોઝભાઇ ભારમલ નામનો વ્યક્તિ રૂડા ટ્રાન્સપોર્ટ નગરમાં થ્રીલોન રબર ઇન્ડસ્ટ્રીઝની સામેના ગોડાઉનમાં હાજર છે અને શંકાસ્પદ તથા ભેળસેળ યુક્ત પેટ્રોલિયમ જ્વલનશીલ પદાર્થનો જથ્થો પ્લાસ્ટિકના કન્ટેનરમાં રાખી ખાનગી વાહનોમાં ઇંધણ તરીકે સપ્લાય કરે છે.
આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી મહેલમભાઇ ફિરોજભાઇ ભારમલ-વ્હોરા, ઉં.વ. ૩૨, રહે. વ્હોરા સોસાયટી, વિસાવદર) અને રણજીતભાઇ કનુભાઇ ધાંધલ (ઉં.વ. ૨૫, રહે. રાધેશ્યામ સોસાયટી, હુડકો ચોકડી, રાજકોટ) નામના બે શખ્સોની અટકાયત કરી હતી. આ આરોપીઓ ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે ઇલેક્ટ્રિક ફયુઅલ પંપ ઊભો કરી, જ્વલનશીલ પેટ્રોલિયમ લિક્વિડનો સંગ્રહ કરી ગ્રાહકોના -ાઇવેટ વાહનોમાં વેચાણ કરતા રંગેહાથ ઝડપાયા હતા.
પોલીસે ગોડાઉનમાંથી ૧,૬૧,૫૦૦ની કિંમતનું ૧૯૦૦ લીટર શંકાસ્પદ જ્વલનશીલ પેટ્રોલિયમ પ્રવાહી, રૂા. ૭૦,૦૦૦ની કિંમતના ૨ પ્લાસ્ટિકના કન્ટેનર, રૂા.૩૫,૦૦૦ નો ૧ ઇલેક્ટ્રિક ફયુઅલ પંપ તથા રૂા. ૪૦,૦૦૦ની કિંમતનું ૧ એપલ કંપનીનું લેપટોપ કબ્જે કબ્જે કર્યુ હતું. આ ઉપરાંત ૬,૦૦૦ની ૧ ઇલેક્ટ્રિક મોટર, ૧ કેલ્કયુલેટર, ઇલેક્ટ્રિક ફયુઅલ પંપના મીટર રીડીંગ લખેલી ૧ નોટબુક, ૯ નાની-મોટી ડાયરીઓ, વેપારની વિગતો દર્શાવતા ૩૪ કાગળો, ૧ ખાખી પૂઠા વાળી બીલ બુક તેમજ પ્લાસ્ટિક તથા કાચની ૬ નાની બોટલો મળીને કુલ રૂા. ૩,૧૭,૬૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પીઆઇ એન. બી. ચોૈધરીના જણાવ્યા મુજબ છેલ્લા ચારેક મહિનાથી આ રીતે ગેરકાયદે પ્રવાહીનું વેંચાણ થતું હતું. ડીઝલ કરતાં ઓછા ભાવે આ પ્રવાહી મળતું હોઇ ટ્રકચાલકો ડીઝલની અવેજીમાં ખરીદતાં હતાં. આ પ્રવાહીના નમુના એફએસએલમાં મોકલયાા છે.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય માંડલિક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના અંતર્ગત એસઓજી પીઆઇ એન. બી. ચૌધરી, કુવાડવા રોડ પીઆઇ એ. એન. જાની, એસઓજીના હેડકોન્સ. ઉપેન્દ્રસિંહ જયવીરસિંહ, જયદીપસિંહ ખુમાનસિંહ, કોન્સ. મહિપાલસિંહ પ્રવિણસિંહ, તેમજ કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના કોન્સ. મહેશભાઇ રબારી, કુશલભાઇ જોષી, જયદીપભાઇ, અને પિન્ટુભાઇ સહિતે આ કામગીરી કરી હતી. સાથે એફએસએલ અધિકારીઓરી જોષી, પુરવઠાના શ્રીજાડેજા, તોલમાપ અધિકારી શ્રી માતંગ સહિતના પણ જોડાયા હતાં. આગળની તપાસ કુવાડવા રોડ પોલીસ કરી રહી છે.
(11:31 AM IST)










