તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 14th August 2026
કાળીપાટ પાસે ‘હિટ એન્ડ રન': બાઇકને ઉલાળી ચાલક ટ્રક સાથે ભાગ્યોઃ લોઠડાના રાકેશનું મોત
૨૧ વર્ષનો યુવાન રાતે બાઇક લઇને આટો મારવા નીકળ્યો ને ઠોકરે ચડયોઃ રાજકોટમાં દમ તોડતાં પરિવારમાં કલ્પાંતઃ પિતા હયાત ન હોઇ પરિવાર માટે આધારસ્તંભ હતો

રાજકોટ તા. ૧૪: હીટ એન્ડ રનના વધુ એક બનાવમાં એક પરિવારના આધારસ્તંભ સમાન ૨૧ વર્ષના દિકરાનું મોત થયું છે. કાળીપાટ નજીક રાતે ટ્રકનો ચાલક બાઇકને ઠોકરે લઇ ભાગી જતાં બાઇકચાલક લોઠડા ગામના યુવાનનું ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
જાણવા મળ્યા મુજબ સરધાર નજીક લોઠડા ગામે રહેતો રાકેશ ઉર્ફે રાહુલ વિઠ્ઠલભાઇ સરીયા (ઉ.વ.૨૧) નામનો યુવાન રાત્રીના સવા નવેક વાગ્યે હોન્ડા હંકારીને જતો હતો ત્યારે કાળીપાટ નજીક અજાણ્યા ટ્રકનો ચાલક બાઇકને ઠોકરે લઇ ભાગી જતાં રાકેશ બાઇક સહિત રોડ પર ફેંકાઇ જતાં ગંભીર ઇજાઓ થઇ હતી. બનાવને પગલે લોકો ભેગા થઇ જતાં કોઇએ ૧૦૮ બોલાવી હતી. એ દરમિયાન કોઇ પરિચીત રાકેશને ઓળખી જતાં તેના પરિવારજનોને જાણ કરી હતી. ગંભીર ઇજાગ્રસ્ત રાકેશને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ ટુંકી સારવારને અંતે દમ તોડી દીધો હતો. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને કરી હતી. મૃત્યુ પામનાર રાકેશ ઉર્ફે રાહુલ બે ભાઇ અને એક બહેનમાં નાનો હતો અને પડવલામાં બફની ફેક્ટરીમાં કામ કરતો હતો. તેના પિતાનું કોરોના કાળમાં અવસાન થયું હોઇ તે મોટા ભાઇની સાથે ઘરનો આધારસ્તંભ હતો. સાંજે નોકરીએથી છુટીને ઘરે આવ્યા બાદ બાઇક લઇને આટો મારવા નીકળ્યો ત્યારે આ બનાવ બન્યો હતો. યુવાન દિકરાના મૃત્યુથી પરિવાર અને ગામમાં શોક વ્યાપી ગયો છે. અકસ્માત સર્જી ભાગી ગયેલા ટ્રકચાલકને શોધવા પોલીસે મહેનત શરૂ કરી છે.
(11:43 AM IST)










