<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th August 2026

કુટુંબી ભાઇની પત્‍નિ સાથે પકડાઇ ગયેલો ભાવેશ બાદમાં પરિણીતાને બાઇકમાં બેસાડી ભગાડી ગયો!

સરધાર નજીકના ઉમરાળીમાં બનાવઃ પત્‍નિ ડેલી ખોલતી ન હોઇ પતિ વંડી ટપીને જતાં પ્રેમી સાથે મળી : સાવનભાઇની આજીડેમ પોલીસમાં કુટુંબી ભાઇ ભાવેશ વિરૂધ્‍ધ ફરિયાદઃ પત્‍નિ બે વર્ષના દિકરાને અને ઘરમાંથી દાગીના-રોકડ પણ સાથે લેતી ગઇઃ ભાવેશના માતા, બહેન, ભાઇએ આવીને પણ ગાળો દીધી : પત્‍નિને અને ભાવેશને પકડવા સાવને આટકોટ સુધી પીછો કર્યો, બાઇકમાં પેટ્રોલ ખુટતાં પરત ફર્યો

રાજકોટ તા. ૧૪: તાલુકાના ઉમરાળી ગામે એક ચોંકાવનારી અને સનસનાટીભરી ઘટના સામે આવી છે. ઘરમાં જ પત્‍નિને કૌટુંબીક કાકાના દિકરા સાથે અશોભનીય હાલતમાં ઝડપી પાડતા પતિ પર હુમલો કરવામાં આવ્‍યો હતો. ત્‍યારબાદ આ યુવાનની પત્‍નિને તેનો જ કુટુંબી કાકાનો દિકરો બાઇક પર બેસાડી ધમકી આપી ભગાડી ગયો હતો. આ પરિણીતા સાથે બે વર્ષના દિકરાને અને ઘરમાંથી રોકડ દાગીના પણ લેતી ગઇ હતી. આ ઘટના પછી ભગાડી જનારના બહેન, માતા, ભાઇએ આવીને પણ યુવાનને ગાળો દઇ ધમકી આપતાં પોલીસમાં જાણ કરાઇ છે.

આ બનાવમાં આજીડેમ પોલીસે સરધાર નજીકના ઉમરાળી ગામે રહેતાં રિક્ષાચાલક સાવનભાઇ (ઉ.વ.૩૦) નામના યુવાનની ફરિયાદ પરથી તેના ઘર નજીક જ રહેતાં તેના કુટુંબી કાકાના દિકરા ભાવેશ, ભાવેશની બહેન દક્ષા, માતા કિરણબેન અને ભાઇ રોહિત વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે. સાવનભાઇએ ફરિયાદમાં જણાવ્‍યું છે  કે તેના લગ્ન બાર વર્ષ પહેલા જીવણભાઇ વીંઝુડાની દિકરી અર્ચના સાથે સમાજના રીતીરિવાજ મુજબ થયા છે અને સંતાનમાં બે દિકરા છે. બપોર બાદ સવા ત્રણેક વાગ્‍યે તે રિક્ષાનો ફેરો પુરો કરીને ઘરે આવ્‍યા અને ડેલી ખખડાવી ત્‍યારે પત્‍નિએ ડેલી ન ખોલતાં તે ઘરની વંડી કુદીને અંદર ગયો હતો.

બાદમાં રૂમનો દરવાજો ખુલ્લો હોઇ અંદર જતાં તેના પત્‍નિ અને કોૈટુંબીક કાકાનો દિકરો ભાવેશ પરમાર જે શેરીમાં જ રહે છે તે બિભત્‍સ હાલતમાં હતાં. બંનેને આવી રીતે જોઇ જતાં ભાવેશે તું આ વાત કોઇને કરતો નહિ, હું ગામ મુકીને જતો રહીશ તેમ કહ્યું હતું. જો કે મેં મારા પિતાને ફોન કરીને વાતની જાણ કરી હતી. તેમજ મારા સાળાને પણ વાત કરી હતી.

આ પછી અચાનક ભાવેશ ઉશ્‍કેરાઇ ગયો હતો અને મને ધક્કો મારી પછાડી દેતાં વાંસામાં ઇજા થઇ હતી. આ પછી ભાવેશ અને મારી પત્‍નિ નીકળી ગયા હતાં. ભાવશેએ રૂમનો દરવાજો બહારથી બંધ કરી દીધો હતો. મેં બૂમાબૂમ કરતાં પાડોશી આવી ગયા હતાં. આ વખતે ભાવેશ મારી પત્‍નિને ચાલ બેસી જા ગાડીમાં કહેતાં મારી પત્‍નિ મારા નાના દિકરાને લઇ ગાડીમાં બેસી ગઇ હતી.  હું બહાર નીકળતાં જતાં જતાં ભાવેશે કહેલું કે-આ બાબતે કોઇ પોલીસ ફરિયાદ કરીશ તો હું તને જાનથી મારી નાંખીશ. તેમ કહી ગાળો ભાંડી હતી.  બાદમાં તે મોટરસાઇકલ લઇ ભાગ્‍યો હતો. હું તેની પાછળ પાછળ શેરીના નાકા સુધી દોડયો હતો. આ પછી પાડોશી જયેશભાઇ મળતાં તેનું બાઇક લઇ પીછો કર્યો હતો. મેં ભાવેશની પાછળ આટકોટ ગામના જસદણ જવાના રસ્‍તા સુધી પીછો કર્યો હતો. ત્‍યાં મારા બાઇકનું પેટ્રોલ ખુટી જતાં હું પેટ્રોલ ભરાવી પરત ઘરે આવ્‍યો હતો.

આ દરમિયાન ભાવેશની બહેન દક્ષા, ભાવેશના માતા કિરણબેન અને ભાવેશનો ભાઇ રોહિત મારા ઘરે આવી ગયા હતાં અને મને ભુંડી ગાળો દેવા માંડયા હતાં. મેં ઘરમાં તપાસ કરતાં મારી પત્‍નિ ઘરમાંથી સોનાની હાંસડી, બુટી, ચેઇન તથા નાની મોટી વસ્‍તુઓ રોકડ પણ લઇ ગયાની ખબર પડી હતી. જેથી મેં પોલીસને જાણ કરી હતી અને પોલીસ સ્‍ટેશને પહોંચી ભાવેશ, તેની બહેન, માતા, ભાઇ વિરૂધ્‍ધ ફરિયાદ કરી હતી. તેમ વધુમાં સાવનભાઇએ કહેતાં પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં હેડકોન્‍સ. તેજપાલસિંહ સરવૈયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(3:54 PM IST)