<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th August 2026

સ્વતંત્રતા પર્વ નિમિતે ૧૨ વર્ષ કે તેથી ઓછી ઉંમરના બાળકો માટે મહાત્મા ગાંધી મ્યુઝિયમમાં નિઃશુલ્ક પ્રવેશ

મહાત્મા ગાંધી મ્યુઝિયમમાં ગાંધીજીના જીવન, વિચારો અને આદર્શોને ઓડિયો, વિઝ્યુઅલ તથા એલ.ઈ.ડી. સ્ક્રીનના માધ્યમથી રસપ્રદ રીતે રજૂ કરવામાં આવ્યા

રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત મોહનદાસ ગાંધી વિદ્યાલય (આલ્ફ્રેડ હાઇસ્કુલ) ખાતે મહાત્મા ગાંધીજીના જીવન અને આદર્શોને ઉજાગર કરતું મહાત્મા ગાંધી મ્યુઝિયમ આવેલું છે. આ મ્યુઝિયમનું ઉદ્ઘાટન તા. ૩૦/૦૯/૨૦૧૮ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું તથા તા. ૦૧/૧૦/૨૦૧૮ના રોજ તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આવતીકાલે તા. ૧૫ ઓગસ્ટ, સ્વતંત્રતા પર્વ નિમિતે ૧૨ વર્ષ કે તેથી ઓછી ઉંમરના બાળકો માટે મહાત્મા ગાંધી મ્યુઝિયમમાં નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે તેમ, રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડૉ. નેહલ શુક્લ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા ડૉ. હિરેનભાઈ ખીમાણિયા તથા શાસક પક્ષ દંડક સંજયસિંહ રાણાએ સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું.
મહાત્મા ગાંધી મ્યુઝિયમમાં ગાંધીજીના જીવન, વિચારો અને આદર્શોને ઓડિયો, વિઝ્યુઅલ તથા એલ.ઈ.ડી. સ્ક્રીનના માધ્યમથી રસપ્રદ રીતે રજૂ કરવામાં આવ્યા છે. મ્યુઝિયમ ખાતે ટિકિટ વિન્ડો, ક્લોકરૂમ, ગાઇડની સુવિધા, વિશાળ પાર્કિંગ, ગાર્ડન, લાઇબ્રેરી, વી.આઇ.પી. લોંજ, કોન્ફરન્સ રૂમ, સોવિનીયર શોપ તથા રેસ્ટોરન્ટ સહિતની વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ છે.
આ ઉપરાંત દરરોજ રાત્રે ૭:૦૦ કલાકે ગાંધીજીના જીવન અને આદર્શોને દર્શાવતો લાઇટ એન્ડ સાઉન્ડ શો પણ યોજવામાં આવે છે.
મહાત્મા ગાંધી મ્યુઝિયમની અત્યાર સુધીમાં ૨,૩૨૮ વિદેશી મુલાકાતીઓ સહિત કુલ ૩,૮૮,૮૩૬ મુલાકાતીઓએ મુલાકાત લીધી છે, જેમાં ૧,૧૦,૯૯૮ બાળકોનો સમાવેશ થાય છે.
દર વર્ષે ૨૬ જાન્યુઆરી, ૩૦ જાન્યુઆરી, ૧૫ ઓગસ્ટ અને ૨ ઓક્ટોબરના રોજ ૧૨ વર્ષ કે તેથી ઓછી ઉંમરના બાળકો માટે મ્યુઝિયમમાં નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવે છે.
સ્વતંત્રતા પર્વના અવસરે વાલીઓને પોતાના બાળકો સાથે મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લઈ ગાંધીજીના જીવન, વિચારો અને આદર્શોથી પરિચિત થવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવે છે

(7:27 PM IST)